ફટાકડા પરનો પ્રતિબંધ દિલ્હી પુરતો મર્યાદિત નથી, સમગ્ર દેશ માટે છેઃ સુપ્રીમ કોર્ટનું કડક વલણ
(એજન્સી)નવી દિલ્હી, રાજધાની દિલ્હી સહિતના રાજ્યોમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણ ને ડામવા સરકાર પણ નીત-નવા નિયમોનો અમલ કરાવી રહી છે. ઉપરાંત દેશમાં દિવાળી ટાણે ફટાકડાનું ધમધોકાર વેચાણ થઈ રહ્યું છે અને તેના કારણે પ્રદૂષણમાં પણ વધારો થવાનો છે, ત્યારે ફટાકડા મામલે સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે.
ફટાકડા પર પ્રતિબંધ લાદવાના કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે અગાઉ આપેલો આદેશ માત્ર દિલ્હી પૂરતો નથી. અમારો આદેશ આખા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવાનો હતો. તેમણે કહ્યું કે, અમે અમારા જુના આદેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધનો મામલો સ્થાનિક સરકારો પર છોડ્યો હતો, પરંતુ હોસ્પિટલ જેવી આરોગ્ય સેવાઓ, સંવેદનશીલ સ્થળો પર ફટાકડા ન ફોડવા તેમજ ફટાકડા ફોડવા માટેનો સમય મર્યાદા નક્કી કરવા માટે કહ્યું હતું.
એનસીઆરમાં આવતા રાજસ્થાનના વિસ્તારોમાં દિલ્હી-એનસીઆરના નિયમો લાગુ થશે, એટલે કે ફટાકડા પર પ્રતિબંધ રહેશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર સહિત દેશભરના અન્ય શહેરોમાં વધતા પ્રદૂષણ કેસની સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. પંજાબમાં પરાળ સળગાવવા તેમજ દેશના અન્ય રાજ્યોમાં અન્ય કારણોસર વધતા પ્રદૂષણને ધ્યાને રાખી કોર્ટે કહ્યું કે, પ્રદૂષણ રોકવાનું કામ માત્ર કોર્ટનું નથી, આ તમામની જવાબદારી છે, ખાસ કરીને સરકારની સૌથી મોટી જવાબદારી છે.