વલસાડમાં આગના ૪૦ બનાવ બનતા ગેરકાયદે ચાલતા ભંગારના ગોડાઉનો ઉપર પ્રતિબંધ

AI Image
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લામાં મોટા ઔદ્યોગિક એકમોમાં કેમિકલ્સ, ફાર્મા, પ્લાસ્ટિક, ટેક્ષટાઈલ જેવા સંવેદનશીલ ઔદ્યોગિક એકમો આવેલ છે. આ ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા જવલનશીલ કેમિકલ્સના ખાલી બેરલ, પ્લાસ્ટીકની બેગ, ઓઈલ વિગેરેના પ્લાસ્ટીકના તેમજ લોખંડના ખાલી નાના મોટા ડબ્બાઓ / બેરલો કાગળનો કચરો, રબરની વસ્તુઓ તેમજ અન્ય પરચુરણ ભંગાર, ભંગારના વેપારીઓ કોઈપણ જાતની પરવાનગી વગર ખુલ્લામાં રાખે છે. જેના કારણે અવાર-નવાર આગના બનાવો બને છે.
છેલ્લા ત્રણ માસમાં જિલ્લામાં અંદાજિત ૪૦ જેટલા નાના-મોટા આગના બનાવો બન્યા છે અને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તે શક્યતા નકારી શકાય નહી. જેથી લોકોની જાન- માલની સલામતી માટે આવા ભંગારના ગોડાઉન ઉપર નિયંત્રણ મુકવા તેમજ ગોડાઉન માલિકોએ ભંગાર લે- વેચ અંગેના હિસાબો નિભાવવા અંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દરખાસ્ત કરાતા તબક્કાવાર મળેલી બેઠકમાં થયેલી ચર્ચા મુજબ
વલસાડ જિલ્લામાં આવેલા ભંગારના ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવતા ભંગારના જથ્થાના સંગ્રહ/ ખરીદ/ વેચાણ કરવા પર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૧૫૨, ૧૫૬ અને ૧૬૩ હેઠળ જાહેર જનતાના હિતમાં નિયંત્રણ કરવું જરૂરી જણાયું હતું. જેથી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૧૬૩ થી મળેલી સત્તાની રૂએ જાહેર જનતાની સુખાકારી, શાંતિ અને સલામતી તેમજ કાયદો
અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે સમગ્ર વલસાડ જિલ્લામાં પુરતી સલામતીના સાધનો વગર ગેરકાયદેસર રીતે ચાલતા ભંગારના ગોડાઉનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ સાથે જ ભંગારના ગોડાઉનોની પરવાનગી માટે અમલી બનાવાયેલી કાર્યપધ્ધતિની માર્ગદર્શિકા પણ જારી કરી છે. જેમાં જણાવ્યા મુજબ, (૧) વલસાડ જિલ્લામાં આવેલા તમામ એકમો
જેવા કે પ્લાસ્ટીક ગ્રેન્યુઅલ કોમ પ્લાસ્ટીક વેસ્ટ, ૐડ્ઢઁઈ/સ્જી કન્ટેનર્સ /ડ્રમનું ડીકોન્ટામીનેશન રીકન્ડીશનીંગ ઓફ ડ્રમ, રીફરબીશીંગ ઓફ ડ્રમ જેવી પ્રવૃતિ કરનાર એકમોએ પર્યાવરણીય કાયદાની જોગવાઈઓ હેઠળ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની પરવાનગી મેળવી લેવાની રહેશે. (૨) વલસાડ જિલ્લામાં આવેલા અન્ય તમામ ભંગારના ગોડાઉનોના માલિકોએ નીચે જણાવેલા પુરાવાઓ સાથે સંબંધિત ગુજરાત પોલ્યુશન કટ્રોલ બોર્ડની કચેરી ખાતે અરજી કરવાની રહેશે.
અરજી સાથે બિનખેતી અંગેનો હુકમ, પ્રોપર્ટી કાર્ડ/ ૭-૧૨ની નકલ, જમીન માલિકનું સંમતિ પત્ર, ફાયર એન.ઓ.સી., બાંધકામ પરમીશન તથા બીયુસીની નકલ તથા અન્ય સાધનિક પુરાવાઓ રજુ કરવાના રહેશે. પરવાનગી મળ્યા બાદ જ ભંગારના ગોડાઉનો ચાલુ રાખી શકાશે.
(૩) જિલ્લામાં આવેલા તમામ ઔદ્યોગિક એકમોએ તેઓના એકમમાંથી નીકળતો હૈઝાર્ડ – નોનહેઝાર્ડ વેસ્ટ તથા અન્ય તમામ પ્રકારનો ભંગાર ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓને જ વેચાણ આપવાનો રહેશે. (૪) તમામ એકમો તથા તમામ રજીસ્ટર્ડ વિક્રેતાઓએ ખરીદ-વેચાણ અંગેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.
(૫) ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની કચેરીએ ઈશ્યુ કરેલી પરવાનગીની નકલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, સબંધિત સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી તથા સબંધિત સ્થાનિક સત્તામંડળને આપવાની રહેશે.
આ હુકમનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ- ૨૨૩ના મુજબ સજા/દંડ થઈ શકશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી કે તેથી ઉપરનાં હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.