લગ્નની મનાઈ એ આપઘાત માટે ઉશ્કેરણી નથીઃ બોમ્બે હાઈકોર્ટ
મુંબઈ, બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા પ્રમાણે ફક્ત લગ્ન માટે મનાઇ કરવી એ આપઘાત માટે ઉશ્કેરવા સમાન નથી.
આ સાથે બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિને આપઘાત માટે ઉશ્કેરવાના ગુનામાં ફક્ત એટલા માટે દોષિત ઠેરવી શકાય નહીં, કારણ કે તેણે એક મહિલા સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો.
આ મામલામાં જસ્ટિસ ઉર્મિલા જોશી ફાલ્કેની સિંગલ બેન્ચે પૂર્વ પ્રેમિકાને આપઘાત માટે ઉશ્કેરવાના આરોપી વ્યક્તિને નિર્દાેષ જાહેર કરીને છોડી મુક્યો છે. આ વ્યક્તિ પર કાયદાની કલમ ૩૦૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટમાં બુલઢાણાના એક મામલાની સુનાવણી ચાલી હતી.
૩જી ડિસેમ્બર ૨૦૨૦એ મહારાષ્ટ્રના બુલઢાણાની એક યુવતિએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યાે હતો. પ્રાપ્ત માહિતી મુજબ પીડિતા નવ વર્ષથી આરોપીની સાથે પ્રેમ સંબંધમાં હતી. તેણીના મોત પછી તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ સંબંધ તોડ્યો જેના કારણે તેમની દિકરી આપઘાત માટે ઉશ્કેરાઈ હતી.
આપઘાત પહેલા યુવતિએ પોતાની સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે, પ્રેમીએ લગ્ન કરવાની મનાઈ કરી દીધી છે, જેનાથી પોતાને દુઃખ થયુ છે. જોકે, હાઈકોર્ટે એ વાત પર ભાર મુક્યો કે એવા કોઈ પુરાવા નથી, જેનાથીએ એ ખબર પડે કે પ્રેમીએ પીડિતાને કેવા પ્રકારે ઉશ્કેરી હતી.
હાઈકોર્ટે ૧૫મી જાન્યુઆરીએ પોતાના ચુકાદામાં કહ્યું કે, એમાં કયાંય એ જોવા મળી રહ્યું નથી કે વ્યક્તિએ ક્યારેય મૃતકને આપઘાત માટે ઉશ્કેરણી કરી હોય. ઉલટાનું પુરાવાઓ પરથી એ સ્પષ્ટ થાય છે કે સંબંધ તૂટ્યા પછી પણ યુવતિ સતત યુવકના સંપર્કમાં હતી.SS1MS