Western Times News

Gujarati News

બનાસ ડેરીએ ૧૯૭૩ કરોડનો પશુપાલકોને ભાવફેર આપ્યો

બનાસની પ્રગતિ વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બની છેઃ ચેરમેન

પાલનપુર,સણાદર ખાતે શનિવારે યોજાયેલી બનાસ ડેરીની પ૬મી વાર્ષિક સાધારણ સભામાં ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂ.૧૯૭૩ કરોડનો ભાવફેર જાહેર કર્યો હતો. જે ગત વર્ષ કરતા વધુ હોઈ પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે. દૂધની સાથે સૌ પ્રથમવાર ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને પણ ૧૦ ટકાનો ભાવફેર અપાયો છે.

આ સાધારણ સભામાં સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવો માન્ય રખાયા હતા. બનાસ ડેરીએ છેલ્લા ૧૦ વર્ષમાં કરેલી પ્રગતિની માહિતી મેનેજીંગ ડિરેકટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી. દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં નિયામક મંડળના પ્રયાસોથી બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે અને ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે. સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા હતા.

સભાને સંબોધન કરતાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે. ઓછા શિક્ષણ વચ્ચે જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે. જે વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે. પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલરહેવું પડશે. વૃક્ષારોપણ અને જળ સંચય સમયની માંગ છે.

ખેતરના શેઢા પર ચંદનનાં વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે. સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે. જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે. રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે. જેનાથી વધુ દૂધ આપતાં દૂધાળા પશુઓનું સંવર્ધન થશે.

સારા બ્રીડની ગાય તૈયાર થશે. રાધનપુર ખાતે ગૌમુત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરાઈ છે. આણંદ યુનિવર્સીટી સાથે મળી પ્રવાહી બાયોફર્ટીલાઈઝર બનાવવાનું શરૂ કર્યું છે જે આપણી જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે. ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ચેરમેને યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાકલ કરી તમામ મદદની તૈયારી દર્શાવી હતી.

સહકારી પ્રવૃતિને વધુ વેગ આપવા માટે તેમણે સણાદર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઈÂન્સ્ટટયૂટ સ્થાપવાની તૈયારી દર્શાી છે. જયારે જિલ્લાના વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડાતા થાય તે માટે આ વર્ષે બનાસ ડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઈÂન્સ્ટટયૂટની સ્થાપના કરશે તેમ જણાવ્યું હતું.

આ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવડીયા, ધારાસભ્ય પ્રવિણભાઈ માળી, લવિંગજી ઠાકોર, ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસ ડેરીના ડિરેકટરો, જિલ્લાના રાજકીય- સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.