શું બાંગ્લાદેશ બીજુ પાકિસ્તાન બની રહ્યું છે?
૧૯૭૧ના એ દ્રશ્યો હજુ યાદ છે કે લાખો બાંગ્લાદેશીઓ મુક્તિનો શ્વાસ લેતા સમયે ભારત ભણી નમન કરતા હતા એક સમયનું પૂર્વ પાકિસ્તાન બહુ ઝડપથી બદલાવા લાગ્યુ છે અને ભારત માટે ચિંતા એ છે કે તેનો વધુ એક પાડોશી દેશ હોસ્ટાઈલ બની રહ્યો છે, વિદેશ નીતિની આ સૌથી મોટી કસોટી હશે કારણ કે અગાઉથી આપણે પાકિસ્તાન, ચીનનો મુકાબલો કરી રહ્યા છીએ અને હવે નેપાળ અને શ્રીલંકા જેવા નાના રાષ્ટ્રો પણ ચીનના પ્રભાવમાં આવવા લાગ્યા છે
બાંગ્લાદેશને લોકશાહી ગળથૂંથીમાં મળી નથી અને પાકિસ્તાનની જેમ જ ત્યાં કટ્ટરવાદીઓનું સામ્રાજ્ય વધી રહ્યું છે. તે હવે ભારત માટે સમસ્યા બની ગયું છે તમે દુશ્મન બદલી શકો છો પરંતુ પાડોશી નહીં, કદાચ ભારત માટે આ એક વાક્ય અત્યંત ચિંતાજનક સાબિત થઈ રહ્યું છે.
વિશ્વગુરૂ તરીકે ભારતની યાત્રામાં કદાચ આપણે પાડોશીઓને બાયપાસ કરીને આગળ વધી રહ્યા છીએ તે કેટલું સફળ થશે તે પણ પ્રશ્ન છે અને તેમાં હવે બાંગ્લાદેશ પણ ઉમેરાયું છે જ્યાં જુન મહિનાના વિદ્યાર્થી આંદોલન અને શેખ હસીના સરકારનું પતન બાદ જે ઘટનાક્રમ બન્યો તેમાં ભારત માટે દુરથી જોવા સિવાય ભાગ્યે જ કોઈ વિકલ્પ ભર્યાે હતો અને હવે આ દેશમાં જ્યારે હિન્દુ કત્લેઆમ થઈ રહી છે તે સમયે ભારત સરકાર શું કરી શકે છે.
તે પ્રશ્ન છે. ૧૯૭૧ પહેલાની પરિસ્થિતિ અલગ હતી કે જ્યારે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યએ લાંબા સમય સુધી જે અત્યાચાર કર્યાે તેની પીડા બાંગ્લાદેશના એક એક નાગરિકો સુધી પહોંચી હતી અને તેના કારણે ભારત માટે તે સમયના પૂર્વ પાકિસ્તાને દરમ્યાનગીરી કરી હતી તે સરળ બની ગઈ હતી કારણે કે લાખો બાંગ્લાદેશીઓ શરણાર્થી બનીને ભારતમાં આવી રહ્યા હતા.
પરંતુ અત્યાર પરિસ્થિતિ અત્યંત વિપરીત છે અને અહીં લઘુમતી ગણાતા હિન્દુઓ માટે તો કદાચ બાંગ્લાદેશ છોડવા સિવાય ભાગ્યે જ કોઈ વિકલ્પ બન્યો છે અને તેમાં ઈસ્કોનના વડા ચિન્મોય ક્રિષ્નાદાસની ધરપકડ અને જે રીતે બાંગ્લાદેશ સરકાર આગળ વધી રહી છે તે પછી કદાચ ભારતને વધુ એક પાકિસ્તાનના સર્જનનું સાક્ષી બનવું પડશે તેવું માનવામાં આવે છે. જોકે હાલ જે કંઈ બની રહ્યું છે તે બાંગ્લાદેશની આંતરીક બાબત છે તેમ કહીને ભારત કેટલું દુર રહી શકે તે પણ પ્રશ્ન છે.
હજુ એક સપ્તાહ પહેલા બાંગ્લાદેશની વચગાળાની સરકાર નોબેલ વિજેતા મુહમ્મદ યુનુસએ હિન્દુઓ સામે જે હિંસા થઈ તેને અત્યંત હળવી ગણાવી હતી. પરંતુ એ દર્શાવે છે કે બાંગ્લાદેશ હવે પાકિસ્તાનની જેમ જ એક ઘાતકી રાષ્ટ્ર બની જાય તો આશ્ચર્ય થશે નહીં. ૧૯૪૭માં ભાગલા બાદ જે રીતે હિંસાના દ્રશ્યો સર્જાયા હતા તેના ઘા હજુ પણ ભારતના લાખો પરિવારો માટે કાયમી પીડા જેવા બની ગયા છે.
પરંતુ પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશની રચનામાં ભારતે જે ભૂમિકા અપનાવી અને આપણા સેંકડો સૈનિકોના બલિદાન પણ થયા તે કદાચ પાકિસ્તાન સામેના સૌથી મોટા વિજય તરીકે આપણે ગર્વ લઇ શકીએ પરંતુ કદાચ બાંગ્લાદેશને લોકશાહી ગળથૂંથીમાં મળી નથી અને પાકિસ્તાનની જેમ જ ત્યાં કટ્ટરવાદીઓનું સામ્રાજ્ય વધી રહ્યું છે. તે હવે ભારત માટે સમસ્યા બની ગયું છે.
છ મહિના પહેલા બાંગ્લાદેશમાં થયેલા બળવામાં શેખ હસીના સરકારને ઉથલાવીને જે રીતે દેખાવકારોએ બંગબંધુ તરીકે ઓળખાતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુલ રહેમાનની પ્રતિમાને તોડી પાડી તે દર્શાવે છે કે બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ ફરી એક વખત હાવી થઈ ગયા છે અને વર્તમાન વડાપ્રધાન મુહમ્મદ યુનુસ પણ કદાચ પાકિસ્તાન સાથે અથવા તો પાકિસ્તાનના હાથમાં રમીને ભારત માટે સમસ્યા પેદા કરી રહ્યા હોય તો આશ્ચર્ય થશે નહીં.
બાંગ્લાદેશના ૧૯૭૧ બાદના ઈતિહાસમાં પ્રથમ વખત કરાંચીથી નીકળેલુ એક વ્યાપારી જહાજ બાંગ્લાદેશના ચિત્તગોંગ બંદરે લાંગર્યુ આમ પાકિસ્તાન અને બાંગ્લાદેશ દેશ વચ્ચે પ્રથમ વખત સમુદ્રી વ્યવહાર શરૂ થયો. બાંગ્લાદેશ એ ઝડપથી એ ભુલી ગયું છે કે એક સમયે આ જ પાકિસ્તાન અને તેના સૈન્યએ લાખો બાંગ્લાદેશીઓની હત્યા કરી હતી
અને સપ્ટેમ્બર માસમાં જ ન્યુયોર્કના પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફ અને યુનુસ વચ્ચે મુલાકાત થઈ જોકે હાલ પાકિસ્તાનની હાલત પણ એવી છે કે તે પોતાની સમસ્યામાંથી પણ બહાર આવી શકે તેમ નથી. પરંતુ એ સમય પણ દુર નથી કે જ્યારે પાકિસ્તાન ૧૯૭૧ના બાંગ્લાદેશ યુદ્ધ પૂર્વે જ્યારે પાકિસ્તાની સૈન્યએ આ દેશમાં અત્યાચાર કર્યા હતા તે બદલ માફી માંગે.
જોકે ભારત માટે આ એક મોટો પડકાર છે. આપણી વિદેશ નીતિની કસોટી છે. ભારતને તેના તમામ પાડોશીઓ સાથેના સંબંધોના દરેક સમયે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. નેપાળ જેવું નાનકડુ રાષ્ટ્ર કે જ્યાં ફક્ત ભારત અને આ દેશ વચ્ચે ખુલ્લી સીમા છે. ત્યાં પણ અવારનવાર ચીન સમર્થિત શાસકો ભારત માટે પ્રશ્ન ઉભા કરે છે.
વાસ્તવમાં ૧૯૯૪માં ભારતમા નિર્વાસીત જીવન જીવી રહેલા બાંગ્લાદેશના લેખિકા તસ્લીમા નસરીનએ ચેતવણી આપી દીધી હતી કે બાંગ્લાદેશમાં ઈસ્લામિક કટ્ટરવાદી માથુ ઉંચકી રહ્યા છે અને બાંગ્લાદેશ બીજુ અફઘાનિસ્તાન બની શકે છે. ભારત વિરોધી હિન્દુ વિરોધી અને પાકિસ્તાન તરફી પ્રોપગેન્ડા બાંગ્લાદેશના યુવાનોનું બ્રેઈન વોશ કરી રહ્યા છે જેહાદીઓનું તાકાત વધી રહી છે.
વાસ્તવમાં જ્યારે બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમ વિદ્યાર્થી આંદોલન થયું તોતેને ભારતનો છુપો ટેકો હોય તેવું પણ માનવામાં આવતું હતું. પરંતુ તે પારખી ન શકાયુ અને બહુ ઝડપી આંદોલન કટ્ટરવાદીઓ અને જેહાદીઓના હાથમાં ચાલ્યું ગયું અને યુનુસ સરકારના શાસન સાથે જ અલ કાયદા સાથે જોડાયેલા અન્સારૂલ્લા બાંગ્લા ટીમના વડા જસીમુદ્દીન રહેમાનીની જેલ મુક્તિ કરવામાં આવી આ સંગઠન હવે અંસાર અલ ઈસ્લામ તરીકે ઓળખાય છે અને તેને ભારતમાં તેનું નેટવર્ક વિસ્તારવા પ્રયત્ન કર્યાે હતો. આ રહેમાની ૨૦૧૩માં એક સેક્યુલર બ્લોગલ રઝીબ હૈદરની હત્યાનો આરોપી છે.
અને નવા શાસનના સમયમાં જે ૭૦૦ જેટલા કટ્ટરવાદીઓ હતા તેઓ જેલ તોડીને નીકળી ગયા તે પછી પણ બાંગ્લાદેશ સરકારે તેમાં કોઈ ચિંતા કરી છે આમ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના નજીકના સંબંધો ભારત માટે સલામતી અને વ્યુહાત્મક બંને ચિંતા પેદા કરી શકે છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે જહાજી વ્યવહારનો પ્રારંભ તે ઈકોનોમીક આર્થિક કરતા જિયો પોલીટીકલ દ્રશ્યો વધુ ગંભીર છે. આ જહાજી વ્યવહારથી પાકિસ્તાનના જહાજો બંગાલના અખાતમાં જ નહીં પરંતુ ભારતની ઉત્તર-પૂર્વ ચેનલ સુધી પહોંચી શકશે અને ભવિષ્યમાં તે ભારત માટે ગંભીર સમસ્યા પેદા કરી શકે છે અને સંભવ છે કે ભારત હવે પાડોશીઓ અંગેની નીતિ વધુ કડક બનાવી પડશે.