બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર સામે અમદાવાદમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન
(તસવીર ઃ જયેશ મોદી)અમદાવાદ, મહારાષ્ટ્રની ચૂંટણીમાં અપાયેલું એક હૈ તો સેફ હૈ સ્લોગન હવે સાર્થક થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે મંગળવારે સવારે રિવરફ્રન્ટ ખાતે માનવ સાંકળ રચાઈ હતી. માનવ સાંકળ રચવા પાછળનો મુખ્ય હેતુ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવાનો અને તેને તાત્કાલિક અટકાવવાની માંગણી કરવાનો હતો.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિરોધ પ્રદર્શન અને આંદોલનો થઈ રહ્યાં છે ત્યારે શહેરમાં હિન્દુ હિત રક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કર્યું હતું. સવારના ૦૮.૩૦થી ૦૯.૧૫ સુધી વલ્લન સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ સુધી માનવ સાંકળ રચાઈ હતી.
હિન્દુત્વના નારા સાથે આજ સવારથી ભારતીય જનતા પાર્ટીના નેતા, કાર્યકર્તાઓ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તા, સંતો-મહંતો સહિતના લોકો રિવરફ્રન્ટ પર હાજર રહ્યા હતા. તમામ લોકોએ બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરો સહિત વિવિધ નારા લગાવ્યા હતા અને એક મોટી માનવ સાંકળ બનાવી હતી.
આજની માનવ સાંકળમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના અધિકારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના બોર્ડ પ્રમુખ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. હાથમાં વિવિધ બેનરો લઈ હિન્દુ પર થતા અત્યાચાર બંધ કરવા નારા પોકારી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે ઈસ્કોનના વડા ચિન્મદાસજી મહારાજને મુક્ત કરવા માટે પણ નારા લગાવ્યા હતા.
આ અંગે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની સ્થિતિ છે એ આપણા માટે શરમજનક છે. મૂર્તિઓ ખંડિત થઈ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાય તેવી માગણી છે. આ સાથે જે સ્વામીને કેદ કરવામાં આવ્યા છે, તેમને ઝડપથી મુક્ત કરવામાં આવે. આપણે સૌ હિન્દુ સાથે છીએ અને હંમેશા સાથે રહીશું.
ભાડજ હરેકૃષ્ણ મંદિરના શ્યામચરણદાસજીએ જણાવ્યું હતું કે, આજે આપણે એક અગત્યની બેઠક માટે એકત્ર થયા છીએ. અમુક મહિનાથી નહીં પણ ઘણાં વર્ષાેથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યાં છે. ઘણાં વર્ષાેથી મૂર્તિઓ ખંડિત કરવામાં આવે છે. પૂજારીઓની હત્યા કરવામાં આવી રહી છે. ઈસ્કોનના બધા સમર્થકોમાં આક્રોશ છે. કોઈ પણ દેશમાં પોતાના ધર્મનું પાલન કરવામાં આવે તેની સ્વતંત્રતા આપવી જોઈએ અને તેનો ભંગ કરનારાઓ સામે કઠોરમાં કઠોર પગલાં લેવાવાં જોઈએ.
વધુમાં તેમણે ઉમેર્યું કે, બાંગ્લાદેશની સરકારને રજૂઆત છે કે સનાતન ધર્મનું પાલન કરનારા લોકોનું રક્ષણ કરે. ચૈતન્ય મહાપ્રભુએ બાંગ્લાદેશમાં જન્મ લીધો છે અને તેમણે ક્યારેય શસ્ત્ર ઉઠાવ્યાં નથી. ટૂંક સમય પહેલાં જ આ વિરોધ પ્રદર્શનમાં ભગવાનનું નામ લેતું ભજન ભજવેલું. તો આપણે બધા સનાતન ધર્મનો અભ્યાસ કરી તેનો એટલી હદે ફેલાવવાનો પ્રયાસ કરીએ, જેટલો પ્રયત્ન સાધુ-સંતો કરે છે.
આજે મોક્ષદા એકાદશી છે. ભગવાન કૃષ્ણે અર્જુનને ભગવદ્ગીતાનો જે આદેશ આપ્યો હતો, તે અવતરણનો દિવસ છે. આપણે બધા જો આપણી એક્તાને વ્યક્ત કરવા માગતા હોઈએ તો આવતી કાલે ભગવદ્ગીતા સૌને વિતરણ કરીએ. આપણે તેનું પાલન કરીને ચોક્કસથી વિજયી થઈશું.
જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ થઈ રહ્યા છે. એના વિરોધમાં અને બાંગ્લાદેશનાં હિન્દુઓનાં સમર્થનમાં આજે સમગ્ર અમદાવાદમાં હિન્દુ સમાજ રોડ પર ઊતરી આવ્યો છે અને રિવરફ્રન્ટ પર માનવ સાંકળ બનાવવામાં આવી છે. ત્યાંનાં જે ઉપદ્રવી છે એમને ચેતવણી આપવામાં આવે છે કે, હિન્દુ સમાજ ક્યારેય કોઈના પર હુમલો કરતો નથી, પણ જો તેમના પર હુમલો કરવામાં આવશે તો એને જરાય સાંખી લેવામાં નહીં આવે,
એટલા માટે બાંગ્લાદેશના હિન્દુઓનાં સમર્થનમાં વિશાળ માનવ સાગર ઉમટ્યો છે. સમગ્ર વિશ્વમાં હિન્દુઓને એક હૈ તો સૈફ હૈ એવો મેસેજ મોકલવા માંગીએ છીએ. બાંગ્લાદેશમાં ભલે હિન્દુઓ ઓછા હોય પણ સમગ્ર વિશ્વના હિન્દુઓ તેમની સાથે છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે. હિન્દુઓનાં મંદિરો તોડવામાં આવી રહ્યાં છે અને હિન્દુઓને પલાયન
કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.