બાંગ્લાદેશનું સમુદ્ર-બંદરો પર અંકુશ જમાવવા ચીનને નોંતરું

ચીન અને બાંગ્લાદેશનો લશ્કરી-આર્થિક સહયોગ ભારત માટે ચિંતાજનક
બાંગ્લાદેશમાં સત્તા ટકાવવા વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર યુનુસના મરણિયા પ્રયાસઃ ચીનના ખોળે માથું નમાવ્યું
નવી દિલ્હી,બાંગ્લાદેશમાં લશ્કરના બળવાની ભીતિ વચ્ચે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ માટે સત્તા ટકાવવાનું અઘરું બન્યું છે. ઘર આંગણે આર્થિક બેહાલી અને ભૂખમરાની સ્થિતિ વિકટ બની રહી હોવાથી યુનુસની હાલત પણ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના જેવી થવાની આશંકાઓ છે. ચારે તરફથી સંકટોમાં ઘેરાયેલા યુનુસે ચીનના ખોળે માથુ નમાવી દીધું છે. બાંગ્લાદેશના સમુદ્ર અને જમીન પર વિસ્તાર અંકુશ જમાવવા યુનુસે ચીનને ખુલ્લુ આમંત્રણ આપ્યું છે.
સત્તા ટકાવી રાખવા ગમે તે હદે જવાની તૈયારી દર્શાવતા યુનુસે ચીનની આંગળી પકડી બાંગ્લાદેશના અર્થતંત્રને ધબકતું કરવાના સપના બતાવ્યા છે. આ સાથે તેમણે ભારતની મુશ્કેલીમાં મૂકવાના બદઈરાદા પણ જાહેર કર્યા છે. બાંગ્લાદેશને ચીનનું ખંડિયું રાષ્ટ્ર બનાવવાની સત્તાવાર જાહેરાત જ બાકી રાખી હોય તેમ યુનુસે કહ્યું હતું કે, ભારતના સાત ઉત્તરપૂર્વી રાજ્યો લેન્ડલોક્ડ (જમીન પ્રદેશ) છે. દરિયા સુધી પહોંચવાનો રસ્તો તેમની પાસે નથી. દરિયો બાંગ્લાદેશ પાસે છે અને આ વિસ્તારના દરિયાનું રક્ષક માત્ર બાંગ્લાદેશ છે. તેથી આ પ્રદેશ સુધી ચીન પોતાના અર્થતંત્રનો વિસ્તાર વધારી શકે છે.
ઈમારતોના નિર્માણ, ઉત્પાદન એકમો બનાવીને ચીન પૂરી દુનિયાના બજાર સુધી પહોંચી શકે છે. ચીનની ચાર દિવસની મુલાકાતે ગયેલા યુનુસના વીડિયોએ સોશિયલ મીડિયા પર ચકચાર જગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતીના સભ્ય સંજીવ સાન્યાલે યુનુસના આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતાં એક્સ પોસ્ટમાં જણાવ્યુ હતું કે, ભારતના ૭ રાજ્ય લેન્ડ-લોક્ડ હોવાનું કારણ દર્શાવી યુનુસે ચીનને જાહેર અપીલ કરી છે.
બાંગ્લાદેશમાં ચીન રોકાણ કરે તે આવકાર્ય હોઈ શકે, પરંતુ ભારતના ૭ રાજયોના ઉલ્લેખનું મહત્ત્વ શું છે? ભૂખમરા અને રાજકીય અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહેલા બાંગ્લાદેશને લોલિપોપ આપવા ચીને નાણાં કોથળી ખુલ્લી મૂકી છે. બાંગ્લાદેશને ૯૦૦ મિલિયન ડોલરની સહાય જાહેર કરાઈ છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં લશ્કરી-આર્થિક સહયોગ વધારવાના ઈરાદા પણ બંને દેશે જાહેર કર્યા છે. ચીનમાં પહોંચેલા યુનુસની અવળવાણી અંગે ભારત તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ બાંગ્લાદેશમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિમાં ચીનને મેદાને ઉતારવાના યુનુસના મરણિયા પ્રયાસે ચિંતા જરૂર વધારી છે.