એક વિદ્યાર્થીના ૨૦ હત્યારાને મૃત્યુદંડ, બાંગ્લાદેશની કોર્ટનું ફરમાન

નવી દિલ્હી, બાંગ્લાદેશમાં એક વિદ્યાર્થીને ઢોર માર મારીને હત્યા કરી નાખવાના કેસમાં ટ્રાયલ કોર્ટે એક સાથે ૨૦ આરોપી વિદ્યાર્થીઓને ફાંસીની સજા ફટકારી હતી, આ સજાને હવે હાઇકોર્ટે પણ યોગ્ય ઠેરવી છે અને આરોપીઓની અપીલને ફગાવી દીધી હતી.
તમામ દોષિત વિદ્યાર્થીઓ બાંગ્લાદેશ યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ અને ટેન્કોલોજી (બીયુઇટી) સાથે સંકળાયેલા છે. અબરાર ફહાદે બાંગ્લાદેશ સરકારની ટિકા કરતી પોસ્ટ ફેસબુક પર કરી હતી, જેને કારણે સરકાર તરફી વિદ્યાર્થીઓના જુથે અબરાર ફહાદને ઘેરી લીધો હતો અને બાદમાં તેનું લિન્ચિંગ કરી હત્યા નીપજાવી હતી.
હત્યાની ઘટના બાદ તમામ આરોપી વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ કાઢી મુક્યા હતા. જ્યારે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ટ્રાયલ કોર્ટે તમામ આરોપી વિદ્યાર્થીઓને ફાંસીની સજા ફટકારી હતી જેને હવે હાઇકોર્ટ દ્વારા પણ યોગ્ય ઠેરવવામાં આવી છે. ફહાદના પિતાએ કહ્યું હતું કે અમને હાઇકોર્ટના ચુકાદાથી સંતોષ છે.
જોકે તમામ હત્યારાઓને તાત્કાલિક ફાંસીએ લટકાવીને કોર્ટના આદેશનું પાલન થવુ જોઇએ. જ્યારે દોષિત વિદ્યાર્થીઓના વકીલ અઝીઝૂર રેહમાન દુલુએ કહ્યું હતું કે અમને આ ચુકાદા અંગે ભારે દુઃખ થયું છે, અમે હવે તેને અપીલ કોર્ટમાં પડકારીશું અને ત્યાં ન્યાય માગીશું.SS1MS