બાંગ્લાદેશે અદાણી પાસેથી વીજળીની ખરીદી અડધી કરી
ઢાંકા, બાંગ્લાદેશે અદાણી પાવર પાસેથી આયાત લગભગ પચાસ ટકા ઘટાડી દીધી છે. બાંગ્લાદેશે લાખો ડોલરની ચુકવણી બાકી હોવાના હાલ ચાલતા વિવાદ અને શિયાળાને કારણે ઘટેલી માંગનું કારણ આપી આયાતમાં ઘટાડો કર્યાે છે. અદાણી પાવરે પેમેન્ટમાં વિલંબને કારણે બાંગ્લાદેશના વીજ પુરવઠામાં ઘટાડો કર્યાે હતો.
જેની શરૂઆત ૩૧ ઓક્ટોબરથી થઈ હતી. એ વખતે બાંગ્લાદેશે અદાણી પાવરને માત્ર ૫૦ ટકા વીજ સપ્લાય ચાલુ રાખવા જણાવ્યું હતું. બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (બીપીડીબી)ના ચેરપર્સન મોહમ્મદ રેઝૌલ કરીમે જણાવ્યું હતું કે, “તેમણે વીજ પુરવઠામાં ઘટાડો કર્યાે ત્યારે અમે આંચકો અને રોષ અનુભવ્યા હતા.
હવે શિયાળાને કારણે વીજળીની માંગ ઘટી હોવાથી અમે તેમને પ્લાન્ટના બંને એકમ ચાલુ રાખવાની જરૂર નહીં હોવાનું જણાવ્યું છે.” ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ અત્યારે વિદેશ હૂંડિયામણની કટોકટીનો સામનો કરી રહ્યું છે.કરીમે જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશે અદાણી પાવરને ૬૫ કરોડ ડોલર ચૂકવવાના બાકી છે. નવેમ્બરમાં તેણે ૮.૫ કરોડ ડોલર અને ઓક્ટોબરમાં ૯.૭ કરોડ ડોલરનું પેમેન્ટ કર્યું હતું.”
જોકે, મીડિયા અહેવાલ મુજબ અદાણી જૂથના અધિકારીએ દાવો કર્યાે હતો કે, બાંગ્લાદેશે ૯૦ કરોડ ડોલર ચૂકવવાના બાકી છે. તેને લીધે પ્લાન્ટની કામગીરી ખોરવાઇ છે અને ઋણખર્ચ વધી રહ્યો છે. અદાણી પાવર ૨૫ વર્ષના કરાર હેઠલ ઝારખંડમાં બે અબજ ડોલરના પ્લાન્ટનું સંચાલન કરે છે.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના કાર્યકાળમાં અદાણી પાવરે ૨૦૧૭માં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પ્લાન્ટના બે યુનિટ છે, પ્રત્યેક યુનિટની ક્ષમતા ૮૦૦ મેગાવોટ છે. જોકે, એક યુનિટ પહેલી નવેમ્બરથી બંધ છે.SS1MS