બાંગ્લાદેશ હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરી દીધો
કોર્ટે કહ્યું છે કે અમે વચગાળાની સરકાર દ્વારા કરાયેલી કાર્યવાહીથી સંતુષ્ટ છીએ તેથી હાલમાં આ મામલે સુઓ મોટો સંજ્ઞાન લેવાની જરૂર નથી
ઢાકા, બાંગ્લાદેશમાં ભારે તણાવ વચ્ચે ઈસ્કોનને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે અમે વચગાળાની સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી સંતુષ્ટ છીએ. તેથી હાલમાં આ મામલે સુઓ મોટો સંજ્ઞાન લેવાની જરૂર નથી. બાંગ્લાદેશમાં બુધવારે સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝ્ઝમાને જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશીષ રોય ચૌધરીની પીઠ સમક્ષ અરજી દાખલ કરીને ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી.
તેમણે ચટગાંવ અને રંગપુરમાં ઈમરજન્સી જાહેર કરવાની પણ અપીલ કરી હતી. સુનાવણીની શરૂઆતમાં એટર્ની જનરલ દ્વારા ડેપ્યુટી એટર્ની જનરલ અસદુદ્દીને સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં અંગેની જાણકારી કોર્ટમાં આપી હતી. તેમણે કોર્ટને કહ્યું કે આ ઘટના પર સરકારનું વલણ કડક છે. આ મામલે અત્યાર સુધીમાં ત્રણ કેસ સામે આવ્યા છે, જેમાં એક કેસમાં ૧૩ લોકોને, એકમાં ૧૪ લોકોને અને અન્યમાં ૪૯ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં ૩૩ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સીસીટીવી દ્વારા વધુ ૬ લોકોની ઓળખ કરવામાં આવી છે. સરકાર દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ એક્ટિવ છે, આરોપીની પૂછપરછ કર્યા બાદ માહિતીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડેપ્યુટી એટર્ની જનરલ અસદુદ્દીને કહ્યું કે, માત્ર ચટગાંવમાં જ નહીં પરંતુ અન્ય સ્થળોએ પણ સુરક્ષા દળો આ મુદ્દા પર સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે કામ કરી રહ્યા છે.
સુનાવણી દરમિયાન એક ન્યાયાધીશે કહ્યું કે લોકોના જીવને વધુ નુકસાન ન થવું જોઈએ. ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માગ પર જજોએ કહ્યું કે, સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે કામ કરી રહી છે અમે સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ અને અમને રાજ્યની જવાબદારીમાં વિશ્વાસ છે. આ દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી કે, ‘આપણા દેશમાં તમામ ધર્મના લોકો ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ છે, પરસ્પર સન્માન અને પ્રેમ ક્યારેય નહીં ગુમાવશે.
તેથી અરજદારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાંગ્લાદેશમાં ઈસ્કોનને તાત્કાલિક રાહત મળી હોવા છતાં પણ તેના પર સંકટ હજુ પણ યથાવત છે. હકીકતમાં કટ્ટરપંથી જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશના કાર્યકર્તાઓ સતત યુનુસ સરકાર પર ઈસ્કોન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે દબાણ કરી રહ્યા છે.
બુધવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલે ઈસ્કોનને કટ્ટરવાદી સંગઠન ગણાવ્યું હતું. આવી સ્થિતિમાં હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કરી દીધો હોવા છતાં યુનુસ સરકાર દ્વારા ઈસ્કોન સામે કાર્યવાહીનો જોખમ તોળાઈ રહ્યું છે. તેથી ઈસ્કોન બાંગ્લાદેશમાં તેની વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેન્ડાને નિષ્ફળ બનાવવાની લડાઈમાં આ ૩ ઉપાયોનો ઉપયોગ કરી શકે છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી કાનૂની અને વહીવટી કાર્યવાહી સામે સંપૂર્ણ તાકાતથી લડાઈ લડે.
ઈસ્કોન એક આંતરરાષ્ટ્રીય મંચ છે, તેથી તેને વૈશ્વિક મંચ પર ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન તરીકે ઉઠાવવો જોઈએ. આઈસીસીમાં બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ કેસ ચલાવવામાં આવે. બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ અંગે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. દેશના હિંદુ સમુદાયના અગ્રણી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે
ત્યારે બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટમાં ઈસ્કોન સંપ્રદાય પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. મીડિયા અહેવાલ મુજબ, અરજીમાં ઈસ્કોનને ‘કટ્ટરવાદી’ સંગઠન ગણાવવામાં આવ્યું હતું તેમજ આક્ષેપ કર્યો છે કે ઈસ્કોન રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે અને સાંપ્રદાયિક અશાંતિને પ્રોત્સાહન આપે છે.