Western Times News

Gujarati News

બાંગ્લાદેશમાં 200 થી વધારે હિન્દુ પરિવારોની હિજરત

ઉગ્રવાદીઓની ભીડે ૧૦૦ થી વધારે હિન્દુઓના ઘરમાં તોડફોડ કરી-પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારને હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા કરવા માટે કહ્યું

ઢાકા,  બાંગ્લાદેશમાં હિન્દુઓની સામે થઈ રહેલી હિંસાની ઘટના સતત વધી રહી છે. યૂનુસ સરકારના વચન છતાં અલ્પસંખ્યકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. સુમનગંજ જિલ્લામાં કટ્ટરપંથીઓની ભીડ હિન્દુઓના ઘર પર હુમલા કરી રહી છે.

થોડા દિવસો પહેલાં હિન્દુઓના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. એક ફેસબુક પોસ્ટમાં હિન્દુ યુવક ઈશ નિંદાનો આરોપ લગાવી હિંસાને અંજામ આપવામાં આવ્યો હતો. ઉગ્રવાદીઓની ભીડે ૧૦૦ થી વધારે હિન્દુઓના ઘરમાં તોડફોડ કરી. ઘરમાં બનેલા પૂજા સ્થળો અને મંદિરોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જોકે, સમગ્ર ઘટનામાં પોલીસે ઈશનિંદાના આરોપમાં સુમનગંજના મંગલાર ગામના રહેવાસી ૨૦ વર્ષીય આકાશ દાસની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, હાલ ૨૦૦ થી વધારે હિન્દુ પરિવારો હિજરત કરી ચુક્યા છે. સમગ્ર સત્તા પરિવર્તન અને હિંસાની વધતી જતી ઘટના બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ પહેલીવાર સાર્વજનિક સંબોધન કર્યું છે. બાંગ્લાદેશના વિજય દિવસ પર ન્યૂયોર્કના એક કાર્યક્રમમાં પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં હસીનાએ યૂનુસ સરકાર પર અલ્પસંખ્યકો ખાસ કરીને હિન્દુઓ પર પૂર્વનિયોજિત નરસંહારનો આરોપ લગાવ્યો છે.

હસીનાએ કહ્યું કે, યૂનુસ સરકાર મારી અને બહેન રેહાનાની હત્યા કરાવવા ઈચ્છે છે. મેં બાંગ્લાદેશ છોડવાનો નિર્ણય લોકોનો જીવ બચાવવા માટે કર્યો હતો, ન કે પોતાનો જીવ બચાવવા માટે. વળી, અમેરિકન કોંગ્રેસી બ્રેડ શેરમને એક નિવેદન આપીને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા કરવા કહ્યું. તેમજ હાલમાં થઈ રહેલાં હુમલા અને ઉત્પીડનને લઈને હિન્દુઓ અને અલ્પસંખ્યક સમુદાય દ્વારા ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનને પણ સંબોધિત કરવા જણાવ્યું હતું.

શેરમને કહ્યું કે, વર્તમાન વહીવટી તંત્રએ હિન્દુ સમુદાયને નિશાનો બનાવીને કરવામાં આવી રહેલી હિંસા સામે કાર્યવાહી કરી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નેતૃત્ત્વ બતાવવું જોઈએ. બાંગ્લાદેશની વચગાળાની સરકારની જવાબદારી છે કે, તે પોતાના હિન્દુ અલ્પસંખ્યકોની રક્ષા કરે અને દેશમાં થઈ રહેલાં હુમલા અને ઉત્પીડનના કારણે જે હજારો અલ્પસંખ્યક હિન્દુઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, તેમને સંબોધિત કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.