બાંગ્લાદેશમાં મહિલાઓ પર હુમલાની ઘટનાઓની તપાસ ઝડપથી કરાશે

ઢાકા, બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર હવે નમતું જોખ્યું હોય તેમ લાગે છે. અગાઉ મહિલાઓ પર રેપ અને અત્યાચારની ઘટના બનતી નથી તેવો દાવો કરનાર બાંગ્લાદેશ સરકારે રવિવારે વચન આપ્યું છે કે આ હુમલાઓની ઘટનામાં તપાસ ઝડપથી કરાશે કેમ કે આવી ઘટનાઓ વધી રહી છે અને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
વચગાળાની સરકારના કાયદાકીય સલાહકાર આસિફ નજરુલે કહ્યું કે સરકાર એક કાયદો ઘડવાનું વિચારી રહી છે, જે અંતર્ગત પોલીસને બળાત્કારના મામલાઓની તપાસ ૧૫ દિવસની અંદર તથા કેસની સુનાવણી ૯૦ દિવસમાં પૂર્ણ કરવી પડશે.
તેમણે વધુમાં કહ્યું કે, આરોપીને ૯૦ દિવસની અંદર કેસનો નિકાલ ન થવાના બહાના પર જામીન આપી શકાય નહીં. જો વહીવટીતંત્ર દ્વારા કોઈ બેદરકારી રાખવામાં આવે તો આ માટે નવા કાયદામાં દંડની ખાસ જોગવાઈ ઉમેરાશે.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ સરકારની આ ટિપ્પણી પશ્ચિમ મગુરામાં એક આઠ વર્ષીય બાળકી સાથે તેની બહેનના સસરા દ્વારા કથિત રીતે ક્‰ર હુમલો અને બળાત્કાર કર્યાની ઘટનાના ત્રણ દિવસ પછી આવી છે, જેના કારણે દેશભરમાં રોષ ફેલાયો હતો, ત્યાર બાદ કાયદા સલાહકારે કડક કાયદાની જાહેરાત કરી છે.
બાંગ્લાદેશમાં તાજેતરમાં જ રોડ પર મહિલાઓ સાથે બળાત્કાર અને હુમલાઓની કેટલીક ઘટનાઓ બની છે. આવી જ એક ઘટના, મુસ્લિમોના પવિત્ર મહિના રમજાન પહેલા રાજધાની ઢાકામાં જાહેરમાં ધૂમ્રપાન કરવા પર બે મહિલાઓ પર હુમલો કરાયો હતો, જેનાથી મીડિયા તેમજ સોશ્યલ મીડિયા પર ભારે રોષ ફેલાયો હતો.
ગૃહ વિભાગના સલાહકાર સેવાનિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે, અમે કાયદાની એજન્સીને બાળકો અન મહિલાની સાથે બળાત્કાર સહિત તમામ પ્રકારની હિંસાની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, હમણા સુધી થયેલી હિંસાની ઘટનાઓની યાદી તૈયાર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.SS1MS