Western Times News

Gujarati News

બાંગ્લાદેશને નવી ચૂંટાયેલી સરકાર મળશેઃ આગામી વર્ષે એપ્રિલમાં ચૂંટણી

કામચલાઉ સરકારના વડા યુનુસથી સૈન્ય, વિપક્ષો અને સમર્થકો પણ નારાજ

હાલ બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર કામ કરી રહી છે

ઢાકા,બાંગ્લાદેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. એપ્રિલ ૨૦૨૬ના પ્રથમ સપ્તાહમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજાશે. હાલ બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર કામ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રાજકીય પક્ષો ડિસેમ્બર સુધી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી.

જેનાથી યુનુસ પર દબાણ વધ્યુ હતું. આ દરમિયાન, શુક્રવારે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(બીએનપી)ના સિનિયર નેતા સલાહુદ્દીન અહમદે કહ્યું કે દેશમાં ડિસેમ્બર પહેલા રાષ્ટ્રીય ચૂંટણી કરાવવી શક્ય છે, કારણ કે સર્વ સંમતિના આધાર પર આવશ્યક સુધારા પૂરા કરવામાં એક મહિનાથી ઓછો સમય લાગી શકે છે.

એક ન્યૂઝ ચેનલે સલાહુદ્દીનના હવાલાથી કહ્યું કે, ડિસેમ્બરને હજુ વાર છે. તેનાથી પહેલા ચૂંટણી કરાવવી શક્ય છે. જો બંધારણીય સંશોધનોથી સંબંધિત પ્રસ્તાવોને છોડીને સુધારાના પ્રસ્તાવો રાષ્ટ્રીય સહમતિથી સ્વીકારી લેવામાં આવે છે તો તેને એક મહિનાથી પણ ઓછા સમયમાં લાગુ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓગષ્ટથી બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા છે. ઓગષ્ટમાં બાંગ્લાદેશની તત્કાલીન સરકારના વડા શેખ હસીનાને ભારે વિરોધને પગલે સત્તા છોડીને ભારત ભાગવું પડ્યું હતું. ત્યાર પછી નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહથી મોહમ્મદ યુનુસ ચારે તરફથી ઘેરાઈ ગયા છે.

સૈન્ય, વિપક્ષો અને અહીંયા સુધી કે તેમના પોતાના સમર્થકો પણ નારાજ છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ યુનુસના કેટલાક સલાહકારોને હટાવવાની માંગ કરી છે. સાથે જ દેશમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. લઘુમતીઓ પર હુમલા વધી રહ્યા છે, જેના કારણે યુનુસ સરકાર પર સવાલ ઊઠી રહ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.