અમદાવાદમાં ઝોયા બનીને વર્ષ ૨૦૧૪થી રહેતી હતી ઝરણા: બાંગ્લાદેશથી આવી વસવાટ કર્યો

AI Image
શંકાસ્પદ પાસપોર્ટની તપાસમાં ક્રાઈમ બ્રાંચે બાંગ્લાદેશી મહિલાને ઝડપી-પોલીસની તપાસમાં તેનો પરિવાર બાંગ્લાદેશ હોવાનું પણ જાણવા મળ્યું
(એજન્સી)અમદાવાદ, પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશી નાગરિકોને હાંકી કાઢવાની કવાયત તેજ કરી દેવાઈ હતી. આ ઉપરાંત શંકાસ્પદ પાસપોર્ટ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ૫૦૦ જેટલા શંકાસ્પદ પાસપોર્ટ અંગે ક્રાઈમ બ્રાંચે એક મહિલાની ધરપકડ કરી છે.
આ મહિલા બાંગ્લાદેશી હોવા છતાં તેણે ભારતીય હોવાના તમામ પુરાવા એકઠા કરીને પાસપોર્ટ મેળવી લીધો હતો. આ પાસપોર્ટના આધારે તેણે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ મહિલા પોતે બાંગ્લાદેશી હોવાનું ભુલી ગઈ હોવાનો ડોળ કરતી હતી.પોલીસની તપાસમાં તેનો પરિવાર બાંગ્લાદેશ હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બનાવટી આધાર કાર્ડ અને ઈલેક્શન કાર્ડ બનાવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવામાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓએ બનાવેલા પાસપોર્ટની તપાસમાં પોલીસે પ્રથમ ગુનો નોંધ્યો છે. ક્રાઈમ બ્રાંચને ૫૦૦ જેટલા પાસપોર્ટની વિગત આપવામાં આવી હતી.જે અંગે તપાસ કરતા ક્રાઈમ બ્રાંચે ઝરણા અખ્તર શેખ નામની મહિલા કે જે ભારતમાં જોયા બનીને વર્ષ ૨૦૧૪થી રહેતી હતી. ઝરણા ઉર્ફે જોયાએ વર્ષ ૨૦૧૬મા અમદાવાદ આવીને વસવાટ કર્યો હતો.
વર્ષ ૨૦૧૭માં યુનુસ નામના વ્યક્તિ સાથે સંપર્ક કેળવી તેના બનાવટી આધાર કાર્ડ અને ઈલેક્શન કાર્ડ બનાવ્યા હતા. તેણે ઉત્તરપ્રદેશમાં તેનો જન્મ થયો હોવાનુ જન્મનુ પ્રમાણપત્ર પણ મેળવ્યુ હતુ.જેની પોલીસ તપાસ કરી રહી છે.
જોયાએ અમદાવાદ આવી એવી સ્ટોરી ઉપજાવી હતી કે તે મુળ યુપીની છે અને પારિવારીક તકરારમાં મુંબઈ ગઈ હતી અને ત્યાર બાદ અમદાવાદ આવી છે. એજ ૨ વર્ષના સમયમાં બનાવટી દસ્તાવેજ અને ભાડા કરારના આધારે પાસપોર્ટ માટે અરજી કરી હતી. જે અંગે નારોલ પોલીસે તેનો નેગેટીવ રિપોર્ટ આપ્યો હોવા છતાં સમય મર્યાદાના કારણે તેને પાસપોર્ટ મળી ગયો છે.
મહત્વનું છે કે જોયા એ વર્ષ ૨૦૦૯માં નારોલ જે કર્ણાવતી સોસાયટીનુ સરનામુ લખ્યુ હતુ. તે વર્ષ ૨૦૧૨મા બની હતી.તેમ છતા તેને પાસપોર્ટ પણ મળી ગયો છે.બનાવટી દસ્તાવેજના આધારે મેળવેલા પારપોર્ટની મદદથી જોયા ઉર્ફે ઝરણા શેખ સાઉદી પણ ગઈ હતી. જ્યાં તેણે ૧૦ મહિના નોકરી પણ કરી હતી. આ ઉપરાંત સાઉથ ઈસ્ટ એશિયા અને ૩ વખત બાંગ્લાદેશ પણ ફરવા ગઈ હોવાનું સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાંચે જ્યારે જોયાની તપાસ કરી ત્યારે તેની પાસેથી બાંગ્લાદેશી અને સાઉદીના ચલણ પણ મળી આવ્યા છે. તેનો ભાઈ બાંગ્લાદેશમા રહેતો હોવાનુ અને તેના દસ્તાવેજ બનાવટી હોવાનુ્ પણ સામે આવ્યું છે.જે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.મહિલા આરોપીએ ગેરકાયદે વસવાટની સાથે જુહાપુરાના યુવક સાથે લગ્ન પણ કર્યા છે.
જે બાદ તેને સંતાન પણ હોવાનુ સામે આવ્યું છે. બીજી તરફ જોયાનો પતિ પણ એ વાત જાણતો ન હતો કે તેની પત્નિ બાંગ્લાદેશી છે અને ગેરકાયદે ભારતમાં વસવાટ કરે છે.જ્યારે પોલીસ તેની તપાસ કરવા પહોંચી ત્યારે હકીકત સામે આવી હતી.તે મુળ બાંગ્લાદેશની વતની છે.પોલીસે તેની તપાસ માટે ૧૮ તારીખ સુધીના રિમાન્ડ પણ મેળવ્યા છે.