ગેરકાયદે ઘુસેલી બાંગ્લાદેશી મહિલા ઊંઝા તાલુકામાંથી ઝડપાઈ

મહેસાણા, મહેસાણા જિલ્લામાં પોલીસે બે દિવસથી હાથ ધરેલી તપાસ અંતર્ગત પશ્ચિમ બંગાળના ૧૮૭ નાગરિકોની તપાસ કરી હતી. જે દરમિયાન ઊંઝાના વણાગલા રોડ પર એક ઓરડીમાંથી ગેરકાયદે ઘુસેલી બાંગ્લાદેશી મહિલાને એસઓજીની ટીમે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાસપોર્ટ-વિઝા વગર ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશી નાગરીકો અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ઝુંબેશ અંતર્ગત મહેસાણા જિલ્લાનાં વિવિધ પોલીસ મથકોના સ્ટાફ દ્વારા પશ્ચિમ બંગાળના કુલ ૧૮૭ નાગરિકોની તપાસ પૂર્ણ કરી છે.
દરમિયાન મહેસાણા એસઓજી પીએસઆઈ એમ.બી.સિંધવ ટીમ સાથે ઉનાવા વિસ્તારમાં આ કામગીરીમાં હતા ત્યારે મળેલી બાતમી આધારે ટીમે ઊંઝાના વણાગલા રોડ ઉપરના મહાકાળી મંદિરની એક ઓરડીમાં રહેતી બાંગ્લાદેશી મહિલા મયુરીખાતુન ઈશ્માઈલ મકુમ (ઉં.વ.૩૦) (મૂળ રહે. જિલ્લો જોશોર, બાંગ્લાદેશ)ની પૂછપરછ કરી હતી.
જેમાં તે બાંગ્લોદેશી હોવાનું જણાતાં એસઓજી કચેરીએ લાવીને વધુ પૂછપરછ કરતાં તેની પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા ન હોવાનું તેમજ બાંગ્લાદેશી નાગરિક હોવાની કબૂલાત કરી હતી.
તેની પાસે કોઈ ભારતીય ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ કે અન્ય પુરાવા પણ ન હોવાનું જણાવતી હતી. મહિલાનો મોબાઈલ ફોન જપ્ત કરી નિવેદન લેવાયું હતું. પાસપોર્ટ વિઝા વગર ભારત દેશમાં ગેરકાયદે પ્રવેશ કરીને ઊંઝા આવેલી બાંગ્લાદેશી મહિલાને રિસ્ટ્રીક્શનમાં રાખવામાં આવી છે.SS1MS