Western Times News

Gujarati News

બેંગ્લોર ખાતે યોજાયેલ 36માં ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સીટી યુવક મહોત્સવમાં GTUના વિધાર્થીઓ ઝળક્યા

જીટીયુના વિધાર્થીઓએ ડિબેટ અને વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ સોલોની સ્પર્ધામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો-દેશભરની કુલ 104 યુનિવર્સીટીઓના 1500થી વધુ વિધાર્થીઓએ લીધો હતો ભાગ

બેંગ્લોર ખાતે યોજાયેલ 36માં ઑલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી યુવક મહોત્સવમાં (All india inter university yuvak mahotsav)  જીટીયુના (GTU) વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. જૈન યુનિવર્સીટી ખાતે યોજાયેલા આ મહોત્સવમાં સમગ્ર દેશભરની કુલ 104 યુનિવર્સીટીઓના 1500થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ડિબેટ અને વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ સોલોની સ્પર્ધામાં જીટીયુના વિધાર્થીઓએ તૃતીય ક્રમાંક હાંસલ કર્યો.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (જીટીયુ) સંલગ્ન એલ.ડી. એન્જિનિયરીંગ અને શાંતિલાલ શાહ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી કૉલેજના વિદ્યાર્થીઓ શુભાંકર પંડિતરાવ અને મોરડિયા પાર્થની ટીમે ડિબેટની સ્પર્ધામાં કુલ 24 ટીમોમાંથી તૃતિય સ્થાન હાંસલ કર્યું હતું.

જ્યારે વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટલ સોલો વાદનની સ્પર્ધામાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (જીટીયુ) સંલગ્ન સાલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના કાંબાડ દેવે પણ કુલ 24 સ્પર્ધકો સામે તૃતિય સ્થાન હાંસલ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓમાં વિવિધ લલિતકળાઓ પ્રત્યે રૂચી કેળવાય અને આપણા કલા વારસાથી અવગત થાય તે અર્થે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગ દ્વારા સમયાંતરે વિવિધ સ્પર્ધામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહીત કરીને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે.

આ અંગે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (જીટીયુ) માત્ર ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે જ નહીં, પરંતુ વિવિધ લલિતકળાઓમાં તથા રમત ગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. જેના પરિણામ સ્વરૂપ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે યુનિવર્સિટીનું નામ ઝળહળતું કરે છે. જીટીયુના કુલસચીવ ડૉ. કે. એન. ખેરે પણ વિજેતા વિદ્યાર્થીઓ, જીટીયુ સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગને અભિનંદન પાઠવ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.