લોન લેવા માટે કાવતરૂ રચનાર આરોપીઓની ધરપકડ કરાઈ
લોન લેવા માટે જબરો કાંડ કર્યો. એક પેઢીના ભાગીદારો, બેંકના બ્રાન્ચ મેનેજર સહિતના સાત લોકોએ રચ્યું કાવતરૂં
અમદાવાદ, લોન લેવા માટે કાવતરૂ રચનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક પેઢીના ભાગીદારો, બેંકના બ્રાન્ચ મેનેજર સહિતના સાત લોકોએ આ કાવતરૂં રચ્યું હતું. આરોપીઓએ કરોડોની લોન લેવા માટે અસ્તિત્વમાં ન હોય તેવી મિલકત મોર્ગેજમાં મૂકી હતી.
બેંકના બ્રાન્ચ મેનેજરે પણ વિઝિટેશન બતાવી લોન મંજૂર કરી મદદગારી કરી હતી. આરોપી રૂપલ બારોટ, નિલેશ બારોટ, ભુપેન્દ્ર, ઇન્દુપ્રસાદ પટેલ અને ક્રિષ્નકાંત પંડતની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. આરોપીઓમાં રૂપલ બારોટ અને નિલેશ બારોટ બેન્ક લોન લેનાર છે.
જે આરોપીઓએ ૧.૯૫ કરોડની લોન લીધી હતી. આરોપીઓમાં રૂપલ બારોટ અને નિલેશ બારોટ ઓર્ચિડ બ્યુટીક પેઢીના ભાગીદાર છે. જેમણે લોનધારક બની આ કૌભાંડ આચર્યુ છે. આરોપીઓએ પેઢી માટે ૧.૯૫ કરોડની લોન મેળવવા એક ફ્લેટ મોર્ગેજમાં મુકવા માટે ખોટો વેચાણ દસ્તાવેજ બનાવી દેવડાવ્યો હતો.
બાદમાં તે મિલકત અસ્તિત્વમાં ન હોવાનું જાણવા છતાં ભુપેન્દ્ર પટેલ નામના શખ્સે ગેરેન્ટર તરીકે રહી બેન્ક લોન અપાવવામાં મદદ કરી હતી. જ્યારે મિલકત વેચનાર તરીકે ગીરીશ ભેસાણિયાએ મદદ કરી હતી. આ મિલકતના વેલ્યુઅર ઈન્દુપ્રસાદ પટેલે અસ્તિત્વમાં ન હોય તેવી મિલકતનો ખોટો વેલ્યુએશન રિપોર્ટ બેન્કમાં આપ્યો હતો.
ઓર્ચીડ બ્યુટીકના ભાગીદારોએ પોતાના તથા પેઢીના અને ગેરેન્ટરના જરુરી દસ્તાવેજ સાથે મિલકતની માલિકી ન ધરાવતા લોકોના નામના ખોટા ભાડા કરારો પણ રજૂ કર્યા હતા. જ્યારે બેન્કના બ્રાન્ચ મેનેજર કુલદીપરાજ સક્સેનાએ આરોપીઓ સાથે મળી મોર્ગેજમાં મુકેલ મિલકત અસ્તિત્વમાં ન હોવા છતાં તે મિલકતની વિઝીટ બતાવી લોન પ્રોસેસ નોટ ઉભી કરી પોતાના હોદ્દાનો દુરપયોગ કરી ૧.૯૫ કરોડની લોન મંજુર કરી હતી.
આ ગુનામાં મશીનરી વેલ્યુઅર ક્રીષ્ણકાંત અમૃતલાલ પંડિતએ શેડમાં મશીનો ન લાગ્યા હોવા છતાં મશીનો લાગ્યા હોવાનો રિપોર્ટ બેન્કમાં રજૂ કરી બેન્કને આજ દીન સુધી મુદ્દલ, વ્યાજ તથા પેનલ્ટી સાથે મળી ૩.૦૩ કરોડનું નાણાકીય નુકસાન પહોચાડ્યું છે.
વર્ષ ૨૦૧૬માં આપેલી લોનમાં બેન્કને વ્યાજ સહિતની રકમ ન મળતા તપાસ કરતા આ મામલે પોલીસને ફરિયાદ કરાઈ હતી. બેન્ક સાથે વિશ્વાસઘાત છેતરપીંડી થતા પોલીસે આ સાતમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપીએ એસ્ટેટમાં મશીનો ન લાગ્યા હોવા છતાં મશીનો લાગ્યા હોવાનો ખોટો રિપોર્ટ બેન્કમાં પણ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હવે ફરાર આરોપી બેન્ક મેનેજર અને અન્ય એક આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.