અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાંકડા તકલાદી નીકળ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નાણાકીય વર્ષ 2023-24માં કાઉન્સિલર બજેટમાંથી રૂ.ત્રણ લાખ સુધીની મર્યાદામાં બાંકડા મુકવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આમ, એક વોર્ડમાં રૂ.12 લાખ ના ખર્ચથી બાંકડા ગોઠવવામાં આવ્યા છે. તત્કાલીન સ્ટેન્ડિંગ કમીટી ઘ્વારા બાંકડાની ખાસ ડિઝાઇન પણ મંજુર કરવામાં આવી હતી.
પરંતુ જે તે સ્થળે બાંકડા ગોઠવાયા બાદ જાહેર થયું કે તેની ગુણવત્તા ખૂબ જ નબળી છે. જેના કારણે આ અંગે વિજિલન્સ તપાસ પણ ચાલી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે અગાઉ રૂપ-રંગ માં નબળા દેખાતા બાંકડા મજબૂતાઈ માં પણ નબળા છે તેમજ જમાલપુર વોર્ડમાં કેટલાક સ્થળે તૂટી પણ ગયા છે.
જમાલપુર ના કોર્પોરેટર રફીક શેખના જણાવ્યા મુજબ બાંકડાની ગુણવત્તા નબળી હોવાથી તેની ફરિયાદ સામાન્ય બોર્ડમાં કરી હતી. જે સાચી સાબિત થઈ છે. શાહપુર પંજાબી ના ડેહલા પાસે મૂકવામાં આવેલ બાંકડા તૂટી ગયા છે. અગાઉ પણ અન્ય જગ્યા પર આ બાંકડા આ રીતે ક્રેક થયેલા જોવા મળે હતા. જ્યારે આ બાબતની સામાન્ય બોર્ડમાં રજૂઆત કરવામાં આવતા ત્યાર પછી અને કોન્ટ્રાક્ટર દ્વારા અન્ય જગ્યાઓમાં બાંકડાઓ બદલતા જોવા મળ્યા હતા. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.