BAPS સંસ્થા હરહંમેશ મુશ્કેલીના સમયમાં મદદ કરવા અગ્રેસર રહી છે -ગૃહ રાજય મંત્રી
રાજયના યુવાનો આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે ત્યારે યુવાનોને વ્યસનના દૂષણને દૂર કરવા આગળ આવવાનો અનુરોધ કરતાં ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી
આણંદ ખાતે ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને શ્રમ-રોજગાર રાજય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયેલ વિરાટ યુવા સંમેલન
આણંદ – ગુરૂવાર :: રાજયના ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આણંદ ખાતે યોજાયેલ વિરાટ યુવા સંમેલનને સંબોધતા રાજયના યુવાનો આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે ત્યારે સમાજમાં વ્યાપી ગયેલ વ્યસનના રાક્ષસને નાથવા માટે યુવાનોને આગળ આવવાનો અનુરોધ કરી વ્યસનમુકત સમાજના નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું હતું.
આણંદ ખાતે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા અક્ષર વાડી ખાતે ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને શ્રમ-રોજગાર રાજય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં વિરાટ યુવા સંમેલન યોજાયું હતું.
ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સમગ્ર વિશ્વમાં જો કોઇ સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ હોય તો તે આપણો ભારત દેશ છે તેમ જણાવી તેમણે આજના ભારતનો યુવાન વધુ શિક્ષિત અને મજબૂત હોવાને કારણે સમગ્ર વિશ્વ જો કોઇથી ડરતું હોય તો તે ભારતના શિક્ષિત યુવાનોથી ડરે છે તેમ ઉમેર્યું હતું.
શ્રી સંઘવીએ સામાજિક જીવનમાં સમાજ સુધારણા માટેના કોઇપણ કાર્યો હોય તો તે કાર્યો કરવાનું કામ બી.એ.પી.એસ. સંસ્થા કરી રહી હોવાનું જણાવી સામાજિક જીવનમાં કોઇપણ આપત્તિ, મહામારી કે મુશ્કેલીઓ આવતી હોય તે તમામ આપત્તિઓ, મહામારી અને મુશ્કેલીઓમાં ગુજરાતના ગામે-ગામ સૌથી પહેલાં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા રાહત કામગીરી કરવામાં અગ્રેસર રહેતી હોય છે તેમ કહ્યું હતું.
સમાજમાં વ્યાપી ગયેલા વ્યસનરૂપી દૂષણોથી વ્યસનમુકત સમાજનું નિર્માણ કરવામાં બી.એ.પી.એસ. સંસ્થાના કાર્યકરો દ્વારા જે ઘરે-ઘરે જઇને સમજાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે તેને મંત્રીશ્રીએ બિરદાવી આ કામગીરી સાથે સંકળાયેલ સર્વેને ધન્યવાદ પાઠવ્યા હતા.
શ્રી સંઘવીએ ગુજરાત જયારે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ડ્રગ્સ જેવી કેફી પદાર્થોનું દૂષણ કોઇપણ સંજોગોમાં ફેલાવવા નહીં દઇએ તેવો સરકારનો મકકમ નિર્ધાર વ્યકત કરતાં કહ્યું હતું કે, સરકારના આ મકકમ નિર્ધારથી ગુજરાત સરકાર દ્વારા છેલ્લા સાત મહિનામાં ચાર હજાર કરોડથીનું વધુ ડ્રગ્સ પકડીને સખ્ત કાર્યવાહી કરીને આવા તત્વોને સ્પષ્ટ સંદેશો પાઠવ્યો છે કે, સરકાર કોઇપણ સંજોગોમાં આવી પ્રવૃત્તિને સાંખી નહીં લે.
શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયના યુવાનોને સામાજિક દૂષણમાંથી બહાર લાવવા ગુજરાત પોલીસ કટિબધ્ધ છે. સમાજમાંથી આ દૂષણને દૂર કરવા આપણે સૌએ સાથે મળી ટીમ ગુજરાત તરીકે સૌના સાથથી કાર્ય કરવું પડશે.
આ યુવા વિરાટ સંમેલનમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા-તાલુકાના સંગઠનના પદાધિકારીઓ, બી.એ.પી.એસ. સંસ્થાના સંતો, અધિકારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.