BAPS સંસ્થાના ગાદીસ્થાન તીર્થધામ બોચાસણમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/BAPS-gurupurnima-1.jpg)
ગુરુવર્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પાવન સાન્નિધ્યમાં ઉત્સવ ઉજવાયો
- પ.પૂ. મહંતસ્વામી મહારાજ, “ભગવાન માટે તમે અણું જેટલું કરો તો ભગવાન મેરુ જેટલું માની લે છે. આપણને ગુરુ મળ્યા છે તે મોટી ડિગ્રી છે. ”
- દેશ વિદેશના 60,000થી વધુ હરિભક્તો મહોત્સવમાં પધાર્યા.
અષાઢી પૂર્ણિમાનો આજનો દિવસ વ્યાસપૂર્ણિમા તરીકે પ્રસિદ્ધ છે અને ભગવાન વેદવ્યાસજી ની સ્મૃતિરૂપે ઉજવવામાં આવે છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગુરુ વિના કોઈ જ સફળતા સંભવિત નથી તો અધ્યાત્મ જેવી ગહન વિદ્યા તો ગુરુ વિના કેવી રીતે સંભવી શકે? ગુરુ આપણને માયાના અંધકારમાથી દૂર કરી અધ્યાત્મિકતાના પ્રકાશ તરફ લઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથમાં અક્ષરબ્રહ્મ સ્વરૂપ સંતને “પ્રગટ ગુરુહરી”, “પરમ એકાંતિક સંત”, “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત” જેવી અનેક ઉપમાઓ આપીને ગુરુનો અપરંપાર મહિમા કહ્યો છે. આવા સંત કે જેમને ભગવદગીતામાં પણ સ્થિતપ્રજ્ઞ તરીકે ઓળખાવ્યા છે.
BAPSના ગાદીસ્થાન બોચાસણમાં અષાઢી પૂર્ણિમા ગુરુપૂર્ણિમા તા.૧૬ જુલાઇ ૨૦૧૯ મંગળવારના રોજ પરંપરાગત રીતે ગુરુવર્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. વહેલી સવારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી ગુરુશિખરોમાં ગુણાતીત ગુરુપરંપરાની મૂર્તિઑનું દર્શન કરી પ્રાર્થના કરી હતી. આજના પવિત્ર દિવસે ગુરુના દર્શન તથા ગુરુભક્તિ અદા કરવા સમગ્ર ભારત દેશ અને વિશ્વના અનેક દેશોમાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો અને ભાવિકો પધાર્યા હતા. ઉપરાંત ઘણા હરિભક્તોએ પદયાત્રા, સાયકલયાત્રા કરીને પણ વિશિષ્ટ ગુરુભક્તિ અદા કરી હતી.
સવારે ૮:૩૦ વાગ્યે નિર્ધારિત સમય અનુસાર ધૂન-પ્રાર્થના-સ્તુતિ સાથે સ્વામિનારાયણ બાગ, બોચાસણ ખાતેના વિશાળ સભાગૃહમાં ગુરુપૂર્ણિમાની સભાની શરૂઆત થઈ હતી. ભગવાન સ્વામિનારાયણે ઉપદેશેલા વચનામૃતમાં બતાવવામાં આવેલ સાચા સંતના લક્ષણ એ કેન્દ્રીય વિચારને પુષ્ટ કરતા કાર્યક્રમોની હારમાળા રજુ થઇ હતી.
ગુણાતીત સંત પરંપરાના ગુરુવર્યો ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ તથા પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાન ગુરુ પ્રગટ બ્રહસ્વરૂપ મહંતસ્વામી મહારાજમાં અસાધારણ દિવ્ય ગુણો વિદ્યમાન છે. ભગવાનના અખંડધારક સંત હોવા છતા અન્ય જીવોના અપમાન – તિરસ્કારો સહન કરવા, સન્માનના પ્રસંગોમાં સ્થિર રહેવું, શાસ્ત્ર કથિત ધર્મ મર્યાદામાં શિરમોડ રહેવું, બૃહદ વૈરાગ્ય કહેતા ભગવાન અને ભગવાનના ભક્ત સિવાય અન્ય કોઈમાં આસક્તિ ના હોવી, અખંડ બ્રાહ્મીસ્થિતિમાં વર્તવું અને ભગવાન ની દાસભાવે ભક્તિ કરવી – આવા સંતનું પ્રાગટ્ય માત્ર એક જ હોય છે કે પોતાના યોગમાં આવતા જીવોને ભગવાનનો આશરો કરાવીને સત્સંગમય અને સુખી જીવન જીવતા કરે છે.
આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો આધારિત ગુણાતીત ગુરુવર્યોના અદ્વિતીય ગુણોને નિરૂપતા પ્રવચનોની હારમાળા વિદ્વાન અને વરિષ્ઠ સંતોના મુખે રજૂ થઈ હતી. પૂ. વિવેકસાગરદાસ સ્વામીએ રસાળ શૈલીમાં પોતે અનુભવેલ પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગો રજૂ કરી ગુરુભક્તિ અદા કરી હતી. આ ઉપરાંત સદગુરૂ સંત પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામીએ ગુણાતીત સંત પ્રગટ બ્રહસ્વરૂપ મહંતસ્વામી મહારાજનો યોગ થાય તો જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય તે વાત દ્રઢ કરાવી હતી.
આજના પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે, “આપણી પ્રગટની ઉપાસના છે. આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ તેનો કેફ અને બળ રાખવું. તમે અણું જેટલું કરો તો ભગવાન મેરુ જેટલું માની લે છે. ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર પધારીને પોતે અક્ષરબ્રહ્મ સ્વરૂપ ગુરુઓની પરંપરા દ્વારા પ્રગટ રહીને અનંત જીવોનો મોક્ષનો માર્ગ ખોલ્યો છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કે જેમણે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત મૂર્તિમાન આપ્યો. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે આ વાત આપણને ખૂબ સરળતાથી સમજાય તે માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમનું ઋણ અનંત જન્મો ધરીએ તો પણ ચૂકવાય તેમ નથી. આપણે ગુરુઓએ બતાવેલા માર્ગ પર ચાલીએ, સૌનો મહિમા સમજીએ, આ સત્સંગમાં બધુ દિવ્ય છે.”
ત્યારબાદ વરિષ્ઠ સંતોએ સૌ વતી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજને પુષ્પહાર પહેરાવી વધાવ્યા હતા. આ પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્થાના પ્રકાશન વિભાગ દ્વારા પૂ.આદર્શજીવન સ્વામી લિખિત “બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જીવનચરિત્ર” (દ્વિતીય ભાગ)નું ઉદઘાટન સ્વામીશ્રીના હસ્તે થયું હતું.
અંતમાં સૌએ ગુરુહરી મહંતસ્વામી મહારાજને પુષ્પાંજલીથી વધાવ્યા હતા અને આરતીનો લાભ પ્રાપ્ત કર્યો હતો. આ પ્રસંગે પૂ સંતોના માર્ગદર્શન સાથે ૫૫૦૦ ઉપરાંત સ્વયંસેવકોએ સેવા બજાવી હતી. ઉપસ્થિત ૬૦,૦૦૦ ઉપરાંત હરિભક્તો માટે વિશિષ્ટ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રે 1.30 થી 4.30 વાગ્યા સુધી પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ચંદ્રગ્રહણની વિશિષ્ટ સભા થઈ હતી.
આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે એલિકોન કંપનીના સી.એમ.ડી. શ્રી પ્રાયશ્વિનભાઈ, આણંદ જિલ્લા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી મહેશભાઇ પટેલ પધાર્યા હતા. જેઓને સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવ્યા હતા.