ભૂખ કરતાં ઓછું જમવાનું તેથી સ્વાસ્થ્ય સારું રહે અને જરૂર ના હોય ત્યાં ચૂપ રહેવાનું એટલે સંબધો સારા રહે
અધ્યાત્મ અને આરોગ્ય દિન “મનના દુઃખની અકસીર દવા એ અધ્યાત્મ છે”……મહંત સ્વામી
સમાજના આંતર-બાહ્ય સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રમુખસ્વામી મહારાજના અધ્યાત્મ અને ચિકિત્સાના સુમેળકારી અભૂતપૂર્વ પ્રદાનને મહાનુભાવોએ બિરદાવ્યું
અસંખ્ય લોકોના આધ્યાત્મિક આરોગ્યના રક્ષક એવા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપતાં સમાજના આરોગ્ય અને ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો
આજે ‘અધ્યાત્મ અને આરોગ્ય દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના આરોગ્ય અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સાથે હજારો સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને સમાજના સ્વાસ્થ્ય રક્ષણ માટે અભૂતપૂર્વ કાર્યો કરવા બદલ શ્રદ્ધાંજલિ આપી હતી.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા દ્વારા સંચાલિત આરોગ્ય સેવાઓનો એક બૃહદ અધ્યાય છે.
પ્રમુખસ્વામી મહારાજે ૭ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોની સ્થાપના કરી હતી. ઉપરાંત ૧૧ નિ:શુલ્ક મોબાઈલ દવાખાનાઓ દ્વારા ૧ કરોડ જેટલાં રોગીઓની સારવાર કરવામાં આવી છે. અનેક રક્તદાન યજ્ઞો, નિ:શુલ્ક રોગનિદાન કેન્દ્રો અને વિભિન્ન સ્વાસ્થ્ય સેવાઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજે સમાજના સ્વાસ્થ્યની રક્ષા કરી છે.
પ્રતિ સપ્તાહ આશરે ૨૮૮૦ જેટલું અંતર કાપતા ૧૪ મોબાઈલ દવાખાનાઓ દ્વારા ૧૩૩ ગામોના ૫૬ લાખ કરતાં વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત ૧૨૨૭ જેટલાં રોગનિદાન કેન્દ્રો દ્વારા ૨,૯૧,૦૦૦ લોકોનું નિદાન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સ્વામીજીએ ૪૦ લાખ લોકોને વ્યસનમુક્તિની પ્રેરણા આપી સમગ્ર રાષ્ટ્રના આરોગ્યની રક્ષા કરી છે, બીજી બાજુ, તેમણે સમાજના આધ્યાત્મિક આરોગ્યની પણ ચિંતા કરી હતી. વિશ્વભરમાં ૧૨૩૧ જેટલાં મંદિરો, ૯,૫૦૦ કરતાં વધુ બાળ-યુવા કેન્દ્રો અને ૯૦૦૦ થી વધારે પુરુષ-મહિલા સત્સંગ કેન્દ્રોની સ્થાપના દ્વારા સર્વેના આધ્યાત્મિક આરોગ્યને સશક્ત બનાવ્યું.
પ્રમુખસ્વામી મહારાજ પ્રેરિત આરોગ્યસેવાના કાર્યને BAPS દ્વારા કોરોના સમયમાં અભૂતપૂર્વ રીતે હાથ ધરવામાં આવ્યું હતું.
· જાનના જોખમે કોરોનાના દર્દીઓની સેવા કરતાં કોરોના વોરિયર્સ માટે ૧,૮૦,૦૦૦ થી વધારે પી. પી. ઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
· ૨,૦૦,૦૦૦ થી વધુ ગ્રામીણ-પછાત દર્દીઓની મોબાઈલ દવાખાના દ્વારા સારવાર કરવામાં આવી.
· ૨૫૦ થી વધુ હોસ્પિટલોને દેશ-વિદેશમાં વિવિધ સ્તરે સહયોગ આપવામાં આવ્યો.
· ૧,૦૦૦ થી વધુ હોસ્પિટલ બેડ્સનું દાન કરવામાં આવ્યું.
· ૫,૦૦૦ લિટરથી વધુ સેનીટાઈઝરનું દાન કરવામાં આવ્યું.
· તનની સાથે મન અને આત્માની તંદુરસ્તી માટે ૩૦,૦૦,૦૦૦ થી વધુ લોકોએ ઓનલાઈન સત્સંગનો લાભ મળ્યો.
· ૨,૫૬,૦૦૦ થી વધુ લોકોને ફોન કોલ્સ દ્વારા હૂંફ અને માર્ગદર્શન અપાયાં.
· ૧૧,૦૦૦ થી વધુ સ્વયંસેવકોએ વિવિધ સ્તરે સેવાઓ આપી.
· ૧૩૨ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની સાથે ક્રાયોજેનિક્ ટેન્કસ
· ૭૮ લાખ લિટર કરતાં વધુ ઑક્સીજનયુક્ત સિલિન્ડર્સનું વિતરણ
· ૧૩૦૦ કરતાં વધુ ઑક્સીજન કોન્સનટ્રેટર્સનું અનેક સ્થળોએ વિતરણ
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વાસ્થ્યની જાળવણી માટે:
· ડસ્ટ-ફ્રી વતાવરણનું સર્જન, નગરમાં અંદર ૨૦૦ એકર જગ્યામાં ૧ કરોડ કરતાં વધુ પેવર બ્લોક્સ
· પીવાનું શુદ્ધ પાણી – પાણીની પરબમાં RO પાણી ઉપલબ્ધ
· નગરમાં નિશુલ્ક ૨૪ આરોગ્ય સહાય કેન્દ્રો, ૬ ફરતાં દવાખાના
· ૪૫૦ ભાઈઓ અને બહેનોનો મેડિકલ સ્ટાફ
· ત્રણ ઇમરજન્સી નંબર પર તાત્કાલિક મેડિકલ સેવા માટે સંપર્કની વ્યવસ્થા
· રોજના સરેરાશ ૧૫૦૦ કરતાં વધુ દર્દીઓની તપાસ, માર્ગદર્શન અને સારવાર
· ૧૦ સંતો અને ૨૧૫૦ સ્વયંસેવકો દ્વારા નિરંતર સ્વચ્છતા વિભાગ કાર્યરત
સંધ્યા કાર્યક્રમ:
ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે ૫.૧૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPS ના સંગીત વૃંદ દ્વારા ‘દરદ મિટાયા મેરા દિલ કા’ કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ શ્રેણી હેઠળ પ્રમુખસ્વામી મહારાજના આરોગ્ય સેવામાં અધ્યાત્મના સંગમના વિલક્ષણ કાર્યને વર્ણવ્યું હતું, “પ્રમુખસ્વામી મહારાજ નગર માં પ્રમુખસ્વામી મહારાજ ની ધૂન કરતી હસ્તમુદ્રા મૂકવામાં આવી છે જે દર્શાવે છે કે પ્રમુખસ્વામી મહારાજ હંમેશા ભગવાનની ધૂન અને પ્રાર્થના પર મદાર રાખીને કામ કરવાવાળા પુરુષ હતા. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખસ્વામી મહારાજ ની જ્ઞાન મુદ્રા, વંદન મુદ્રા અને પૂજન મુદ્રા અને અન્ય મુદ્રાઓ આપણને તેમની ભગવાન પ્રત્યે ની શ્રદ્ધા અને ભક્તિનો પરિચય કરાવે છે.”
ત્યારબાદ BAPS ની આરોગ્ય સેવાઓની ઝાંખી કરાવતી વીડિયો પ્રસ્તુત કરવામાં આવી હતી. BAPS ના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામી અને પૂ. ડૉક્ટર સ્વામીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું.
BAPS ના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ જણાવ્યું, “આજના સમયમાં ડોકટરોને પણ આધ્યાત્મિકતાની જરૂર છે.પ્રમુખસ્વામી મહારાજે કોઈ પણ શસ્ત્રક્રિયા કે સારવાર પહેલાં કે પછી ક્યારેય પણ દવા અંગે પૂછ્યું નહોતું કે ,”આ દવા શેની છે ?” તેઓ એટલા સ્થિતપ્રજ્ઞ પુરુષ હતા.
પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે “અહમ્ અને મમત્વ એ મનનો કચરો છે” અને તેને દૂર કરવા માટે વિશ્વભરમાં સત્સંગ કેન્દ્રોની સ્થાપન કરીને સૌના આધ્યાત્મિક આરોગ્યની સંભાળ લીધી છે. “
BAPS ના વરિષ્ઠ સદ્ગુરુ સંત પૂ. ડૉક્ટર સ્વામીએ જણાવ્યું, “ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે તેના ચાર પુરુષાર્થ કહ્યા છે જે અનુક્રમે ધર્મ,અર્થ, કામ અને મોક્ષ છે.
જેમાં જીવનનો અંતિમ પુરુષાર્થ એ મોક્ષ છે માટે જો આપણે તે ધ્યાનમાં રાખીશું તો શરીરની સંભાળ કઈ રીતે રાખવી તે સમજાશે કારણકે ઉત્તમ સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે.
ભગવાને આપણને જે શરીર આપ્યું છે તેની કિંમત અગણિત છે તો તેની કિંમત સમજવી જરૂરી છે માટે આપણે શરીરમાં ઓછામાં ઓછા રોગો થાય તેવી જીવનશૈલી રાખવી જોઈએ. શુદ્ધ , શાકાહારી અને સાત્વિક ભોજન વડે આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ અને તેના માટે આહારશુદ્ધિ ખૂબ જરૂરી છે.”
આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ઑલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર, ડૉ એમ શ્રીનિવાસે જણાવ્યું, “આરોગ્યમાં જ્યાં સુધી આધ્યાત્મિકતા ભળતી નથી ત્યારે સુધી સંપૂર્ણ નિરોગી રહી શકાતું નથી.
પ્રમુખસ્વામી મહારાજે હંમેશા કહેતા કે “બીજાના ભલામાં આપનું ભલું છે” અને જ્યારે જ્યારે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આહાર શુદ્ધિ અને મનની શુદ્ધિ શું છે.
આજનો દિવસ મારા માટે જીવનભરની સ્મૃતિ બની રહેશે અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા તે માટે હું બહુ જ સૌભાગ્યશાળી છું.”
જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર પદ્મ શ્રી ડૉ અશ્વિન મહેતાએ જણાવ્યું, “આહાર, આચાર, વિચાર અને સંસ્કાર આ તમામ એકબીજા સાથે સંકળાયેલા છે
હિન્દુ ધર્મનો આહાર વૈજ્ઞાનિક બાબતો સાથે સંલગ્ન છે અને શુદ્ધ અને સાત્વિક આહાર દ્વારા શરીર નિરોગી રહે છે. વિશ્વનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી તે શાકાહારી છે. પ્રમુખસ્વામી મહારાજ તેમનું સમગ્ર જીવન બીજા માટે જીવ્યા છે અને આ વાત પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી છે.
પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્યો માટે આવતી અનેક પેઢીઓ માનશે નહિ કે આવી વ્યકિત આ ધરતી પર વિહાર કરી રહી હતી કારણકે પ્રમુખસ્વામી મહારાજ પળેપળ બીજાના ભલાનો જ વિચાર કરતા હતા.
ઘરસભા પણ માનસિક સ્વાસ્થ્ય સાથે સંલગ્ન છે માટે ઘર સભા કરવી જોઈએ કારણકે જેનું મન શુદ્ધ એનું તન શુદ્ધ અને જેનું તન શુદ્ધ એનું મન શુદ્ધ.”
હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન પદ્મશ્રી ડૉ તેજસ પટેલએ જણાવ્યું, “પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંતો મહંતોને મારા સાષ્ટાંગ દંડવત્ પ્રણામ. હું આ સંસ્થા માટે ડોક્ટર તેજસ કે પદ્મશ્રી નથી હું માત્ર તેજસ જ છું.
૧૯૭૮ માં જ્યારે મારો બોર્ડમાં નંબર આવ્યો ત્યારે મને પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ આપેલા તે મને આજે પણ યાદ છે અને એ પરિચય છેક છેલ્લા સમય સુધી રહ્યો.
પ્રમુખસ્વામી મહારાજની સાદાઈ અને વિનમ્રતા મારા હૃદયને સ્પર્શી ગઈ છે અને તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિ તેમનાથી ખૂબ જ પ્રભાવિત થઈ જતી. પ્રમુખસ્વામી મહારાજનો આગેવાનીનો ગુણ મને બહુ જ ગમે છે કારણકે પ્રમુખસ્વામી મહારાજના આ ગુણે આ સંસ્થાને વિશ્વફલક પર મૂકી દીધી છે.
પ્રમુખસ્વામી મહારાજે સમર્પિત સ્વયંસેવકોનું નિર્માણ કર્યું છે અને આજે વિશ્વભરના ૮૦,૦૦૦ સ્વયંસેવકો હળીમળીને એકસાથે સેવા કરે છે એનો શ્રેય પ્રમુખસ્વામી મહારાજને જાય છે.”
શ્રી વલ્લભ કુળભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજકુમારજી મહારાજશ્રી, વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન (VYO) એ જણાવ્યું, “તમામ ભક્તોના હૃદયમાં રહેલા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આપણે હાજર છીએ તે આપણું સૌભાગ્ય છે.
અધ્યાત્મ અને આરોગ્ય બંને માં પવિત્રતા,પ્રયાસ, પ્રભુ કૃપા અને પ્રમુખસ્વામી મહારાજ ના આશીર્વાદ ખૂબ જ આવશ્યક છે. ચંદન પોતે ખુદ ઘસાઈને અન્યને સુંગધ આપે છે તે રીતે પ્રમુખસ્વામી મહારાજે પોતાની કાયાને ઘસીને દુનિયાને સુવાસિત કરી છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વચ્છતાની સાથે સાથે ભવ્યતા અને દિવ્યતા જોવા મળે છે , અહી વૈદિક યજ્ઞોની સાથે સેવાયજ્ઞો પણ થઈ રહ્યા છે.
યજ્ઞ , દાન અને તપ નિઃસ્વાર્થ ભાવે થવું જોઈએ અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તાદૃશ જોવા મળે છે અને તેનું શ્રેય યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને જાય છે કારણકે તેઓએ આ સમાજનું નિર્માણ કર્યું છે.
બી.એ.પી.એસ સંસ્થાએ વિશ્વ માટે રોલ મોડલ સમાન છે જેનું બીજ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે રોપ્યું હતું. જેમ કુંભકાર માટલાને ઘડે છે અને તપાવે છે ત્યારે માટલું પરિપક્વ બને છે તે રીતે પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ થી વધારે નિયમધર્મ યુક્ત સંતોનું નિર્માણ કર્યું છે જે સમાજસેવાનું સુંદર કાર્ય કરી રહ્યા છે.
ભગવાન સ્વામિનારાયણે આપણને સૌને શિક્ષાપત્રીની ભેટ આપી છે જે તેમનું આપણા પરનો મોટો ઉપકાર છે. મહંત સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આ રીતે જ આપ સૌ સેવા કરી શકો તેવી મારી અંતરની પ્રાર્થના છે”
પંજાબના ગવર્નર શ્રી બનવારીલાલ પુરોહિતે જણાવ્યું, “મારું સૌભાગ્ય છે કે આ વિશાળ પ્રમુખસ્વામી મહારાજ નગર અને શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું છે અને આ નગરને જોઈને હું ખૂબ જ અભિભૂત થઈ ગયો છું.
એક ક્ષણ માટે મને એમ વિચાર આવે છે કે જો પ્રમુખસ્વામી મહારાજ થોડા વર્ષો વધારે જીવ્યા હોત તો આજનો મહોત્સવ અલગ જ હોત પરંતુ મહાપુરુષો આ પૃથ્વી પર પોતાની રીતે આવે છે , આ પૃથ્વી પર કાર્ય કરે છે અને કાર્ય પૂર્ણ થયા પછી પાછા પોતાના ધામમાં જતાં રહે છે.
મેં પ્રમુખસ્વામી મહારાજના દર્શન ઓગસ્ટ ૧૯૯૦ માં નાગપુરમાં કર્યા હતા. “વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવના પ્રમુખસ્વામી મહારાજે અનેક મંદિરોના નિર્માણ દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રસરાવી છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સતયુગ જેવા વાતાવરણની અનુભૂતિ થાય છે અને આવા વાતાવરણમાં અને સાધુ સંતોની નિશ્રામાં રહેશો તો જીવન ઉન્નત થશે.
આપણી ભારતીય સંસ્કૃતિ ૫૦૦૦ વર્ષોથી ચાલી આવે છે તેના મૂળમાં ધર્મ અને આધ્યાત્મિકતા છે અને હું આ સંસ્થાનો આભારી છું કારણકે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજે બતાવેલા આદર્શો અને પથ પર ચાલીશું તો ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે.“ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું,
“આજે વિજ્ઞાન પણ સ્વીકારે છે કે પ્રાર્થના કરવાથી અને સેવા કરવાથી તેમજ માફ કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઉપવાસ કરવાથી શરીરને લાભ થાય છે”. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે “કમ ખાના અને ગમ ખાના” અર્થાત્ ભૂખ કરતાં ઓછું જમવાનું તેથી સ્વાસ્થ્ય સારું રહે અને જરૂર ના હોય ત્યાં ચૂપ રહેવાનું એટલે સંબધો સારા રહે કારણકે દુનિયાના મોટા ભાગના ઝગડા બોલવાના કારણે જ થયા છે અને પ્રમુખસ્વામી મહારાજ એ જ રીતે આખું જીવન જીવ્યા છે. “કથા અને સેવા કરશો તો તબિયત સારી રહેશે. મનના દુઃખની અકસીર દવા એ અધ્યાત્મ છે.”