Western Times News

Gujarati News

રોમમાં 25મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં સ્વામિનારાયણ અક્ષર-પુરુષોત્તમ તત્ત્વજ્ઞાનનું સ્વાગત કરવામાં આવ્યું

બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની અધ્યક્ષતામાં યુકે, યુએસએ અને ભારતના વિદ્વાનો દ્વારા ‘અક્ષર-પુરુષોત્તમ દર્શન અને આધ્યાત્મિક ઇકોલોજી’ વિષયક વિશિષ્ટ સત્રનું આયોજન થયું

વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીના પ્રમુખ પ્રોફેસર લ્યુકા સ્કારેન્ટિનોએ સનાતન ધર્મની વેદાંત પ્રસ્થાનત્રયી પર આધારિત અક્ષર-પુરુષોત્તમ દર્શનને રજૂ કરતા ‘સ્વામિનારાયણ ભાષ્યમ’ને સ્વીકારીને હર્ષ વ્યક્ત કર્યો

યુરોપની સૌથી મોટી યુનિવર્સિટી ‘સેપિઅન્ઝા યુનિવર્સિટી ઓફ રોમ’માં 1 થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાયેલ આ કોન્ફરન્સમાં 120 દેશોના, 89 તત્ત્વજ્ઞાન વિદ્યાશાખાઓના 5000 કરતાં વધુ વિદ્વાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થના આધ્યાત્મિક વડા અને મહાન સંત પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રીય તત્ત્વજ્ઞાન – દાર્શનિક પરંપરાનું ઈટલીના ઐતિહાસિક શહેર રોમમાં 25મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણના આ વૈદિક તત્ત્વજ્ઞાનને ‘અક્ષર-પુરુષોત્તમ દર્શન’ તરીકે ઓળખવામાં આવે છે.

આ આઠ દિવસીય પરિષદનું આયોજન વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક અને યુરોપની સૌથી મોટી યુનિવર્સિટી, રોમની સેપિએન્ઝા યુનિવર્સિટીમાં 1 થી 8 ઓગસ્ટ 2024 દરમ્યાન કરવામાં આવ્યું હતું. વિવિધ વિદ્યાશાખાઓ અને પૃષ્ઠભૂમિ ધરાવતા 120 થી વધુ દેશોના 5,000 કરતાં વધુ વિદ્વાનો અને તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓએ આ વર્લ્ડ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલોસોફિકલ સોસાયટીઝ (FISP) દ્વારા આયોજિત આ કોન્ફરન્સે વિશ્વભરની 89 જેટલી ફિલોસોફિકલ શાખાઓના તેજસ્વી વિદ્વાનો માટે, વૈશ્વિક પડકારોને લક્ષમાં રાખીને માનવ અસ્તિત્વની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવા એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

કોન્ફરન્સ દરમિયાન, શુક્રવાર, 2 ઓગસ્ટના રોજ,  મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની અધ્યક્ષતા હેઠળ અક્ષર-પુરુષોત્તમ દર્શન અને  આધ્યાત્મિક પર્યાવરણીય વિઝન પર એક રસપ્રદ સત્ર યોજાયું હતું. વૈદિક અક્ષર-પુરુષોત્તમ દર્શનના માધ્યમથી પર્યાવરણ જાગૃતિનો આ સત્રમાં ઉદઘોષ થયો હતો. આ સત્રમાં યુકે, યુએસએ અને ભારતના વિદ્વાનોએ અક્ષર-પુરુષોત્તમ દર્શનના સિદ્ધાંતો કેવી રીતે માનવસેવા અને પર્યાવરણ સાથે સુમેળ સાધે છે તે વિષયક સંશોધનો રજૂ કર્યા.

આ પ્રસંગે દિલ્હી યુનિવર્સિટીના તત્વજ્ઞાનના પ્રોફેસર બાલગણપતિ દેવારાકોન્ડાએ કહ્યું:  “અક્ષર-પુરુષોત્તમ વેદાંત દર્શનનું  મૂળ પવિત્ર સનાતન હિંદુ શાસ્ત્રોમાં છે, પશ્ચિમી તત્વજ્ઞાનના વિદ્વાનોને આ દર્શનમાં રસ લેતા જોઈને આનંદ થયો. આ એવા મૂળભૂત મૂલ્યો અને માન્યતાઓ છે, જે  આપણા વિશ્વમાં એક શક્તિશાળી સકારાત્મક પ્રભાવ પેદા કરી શકે છે.”

વ્યાખ્યાન સત્રો ઉપરાંત, વર્કશોપ, પરસ્પર સંવાદ અને મુલાકાતો દ્વારા સંતો અને વિદ્વાનોએ વિવિધ દાર્શનિક વિચારોનું અર્થપૂર્ણ આદાન-પ્રદાન કર્યું હતું.

FISP અને વિશ્વ તત્વજ્ઞાન કોંગ્રેસના પ્રમુખ પ્રોફેસર સ્કારન્ટિનો, અને ભદ્રેશદાસ સ્વામીએ આ પરિષદની ફળશ્રુતિ અને તેની ભવિષ્યની દિશા વિશે ચર્ચા કરી હતી. તેમણે વર્તમાન સમાજમાં તત્વજ્ઞાનની પ્રાસંગિકતા, સતત સંવાદ અને રિસર્ચની જરૂરિયાતને દૃઢાવી હતી.  પ્રોફેસર સ્કારેન્ટિનોએ પરિષદમાં અક્ષર-પુરુષોત્તમ દર્શન રજૂ કરવા બદલ ભદ્રેશદાસ સ્વામીનો આભાર માન્યો હતો.

દાર્શનિક ચર્ચા પછી, પ્રોફેસર લુકા સ્કારન્ટિનોએ, વેદાંત પ્રસ્થાનત્રયી પર એકવીસમી સદીના સંસ્કૃતમાં લખાયેલા નૂતન શાસ્ત્રીય ભાષ્યો ‘સ્વામિનારાયણ ભાષ્યમ’ના ગ્રંથોને તેના લેખક મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી પાસેથી સ્વીકારીને આનંદ વ્યક્ત કર્યો હતો.

જાપાનના ફિલોસોફિકલ એસોસિએશનના પ્રમુખ અને વર્લ્ડ કોંગ્રેસ ફિલોસોફીની આગામી કોન્ફરન્સના યજમાન પ્રોફેસર નોબુરુ નોટોમી પણ આ બેઠકમાં હાજર હતા. તેમણે અક્ષર-પુરુષોત્તમ દર્શનને 2028માં ટોક્યોમાં યોજાનારી 26મી વર્લ્ડ કોંગ્રેસ ઑફ ફિલોસોફીમાં રજૂ કરવા આમંત્રણ આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.