૭ ડિસેમ્બરે BAPSના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ભવ્ય ઉજવણી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરાશે
નિ:સ્વાર્થ સેવા અને સમર્પણને વધાવતો વિશ્વનો એક અભૂતપૂર્વ વિરાટ કાર્યક્રમ-આશરે ૭૫,૦૦૦ જેટલાં કાર્યકરો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે.
આદિવાસીઓથી લઈને વિશ્વના અનેક દેશો સુધી વ્યાપેલી બી.એ.પી.એસ. સંસ્થાની વૈશ્વિક સામાજિક અને આધ્યાત્મિક સેવાઓમાં સમર્પિત એક લાખથી વધુ નિ:સ્વાર્થ કાર્યકરોનું થશે અભિવાદન…
૨૦૦૦થી વધુ સ્વયંસેવક પર્ફોર્મર્સના વિરલ સમન્વય દ્વારા થશે એક ઐતિહાસિક પ્રસ્તુતિ…
સનાતન સંસ્કૃતિના જતન માટે સમાજને નિ:સ્વાર્થ સેવાભાવી કાર્યકરોની ભેટ ધરનાર પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મદિને અપાશે વિશિષ્ટ ભાવાંજલિ…
બી.એ.પી.એસ.ના વિરાટ કાર્યકરવૃંદના આ ઐતિહાસિક અભિવાદન સમારોહમાં બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત…
(જૂઓ વિડીયો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે ચાલી રહેલી તૈયારીઓનો ડ્રોન વ્યુહ)
બી.એ.પી.એસ કાર્યકર સુવર્ણ મહોત્સવ – પૂર્વભૂમિકા
ગુજરાતનાં આદિવાસી ક્ષેત્રોથી લઈને અમેરિકા ખંડ સુધી વિસ્તરેલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની, અનેકવિધ સામાજિક કે આધ્યાત્મિક સેવાપ્રવૃત્તિઓની આધારશિલા છે બી.એ.પી.એસ. સંસ્થાના સમર્પિત કાર્યકરો. નિષ્ઠા, સમર્પણ, ભક્તિ અને સેવાની લગનીથી છલકાતા કાર્યકરો જ્યાં હોય ત્યાં પ્રત્યેક કાર્યમાં એક આગવો પ્રભાવ નીખરી ઊઠે છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા તેનું એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી આ નિઃસ્વાર્થ સેવાની સરવાણી અવિરત વહી રહી છે. સન ૧૯૦૭માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના થયા બાદ, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં આ સત્સંગ-કાર્યકરો દ્વારા સેવાની પ્રવૃત્તિઓ અહોરાત્ર ગતિમાન હતી જ,
પરંતુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે દીર્ઘદૃષ્ટિથી ૧૯૭૨માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત્ માળખું સ્થાપિત કર્યું હતું. એ વાતને આજે ૫૦ વર્ષનો સમય વીતી ગયો છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના પ્રચંડ પુરુષાર્થથી બી.એ.પી.એસ. સંસ્થાના લાખો સ્વયંસેવકો અને એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરોનું એક વૈશ્વિક વૃંદ તૈયાર થયું છે.
આ કાર્યક્રમમાં પ્રેઝેન્ટેશનની ત્રણ થીમ નક્કી કરવામાં આવી છે એ શું છે અને એ અંગે વિચાર કેમ આવ્યો કે આવું કરવું જોઈએ એ અંગે પૂછતાં બ્રહ્મ વિહારી સ્વામીએ કહ્યું, અહીં સીડ્સ (બીજ) જે આધ્યાત્મિક છે જેમાં કાર્યકરના આધ્યાત્મરૂપી બીજની સ્થાપના અંગે દર્શાવવામાં આવશે.
બીજું ટ્રીઝ કે જેમાં કાર્યકરોના વેલ્યુઝ છે એ ગમે તેવા વાવાઝોડામાં પણ ક્યારેય ડગતાં નથી એટલે એ અંગેની થીમ છે જ્યારે ત્રીજુ ફ્રૂટ્સ છે. એટલે કે તમે પૃથ્વી ઉપર તો તમે ફ્રુટ્સને જોઈ શકો છો પણ આકાશમાં ફ્રુટ્સ જોવા અને ખીલવવા એ નિસ્વાર્થ લોકો હોય એ જ કરી શકે એટલે એ દર્શાવતું એક આયોજન છે.
બ્રહ્મ વિહારી સ્વામીએ આગળ કહ્યું, આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિત રહેવાની ઘણી ઈચ્છા હતી. પોતે પણ તેઓ માને છે કે પ્રમુખ સ્વામી મહારાજના કાર્યકર છે એમની એક ભાવના છે જ્યારે તેઓ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવ્યાં ત્યારે તેમણે કહ્યું હતું કે, અહીં 80 હજાર કાર્યકર્તાઓ છે પણ 80 હજારને એકમો કાર્યકર્તા હું છું. કેમ કે આખી જિંદગી તેમણે સમાજની સેવા કરી છે. એમની ભાવનાથી પણ દેશમાં અન્ય કાર્યક્રમોમાં ખૂબ જ વ્યસ્ત હોવાથી તે વર્ચ્યુઅલી હાજર રહેશે.
આ કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી ૨૦૨૪માં સુરત ખાતે ગૌરવવંતા ‘બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ મહોત્સવ‘ પર્વનો મંગલ આરંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન સંયુક્ત-યુવા-બાળ-મહિલા-યુવતી-બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવાજતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ દબદબાભેર યોજાયા હતા.
‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ વિષયક પૂર્વ તૈયારીઓ
છેલ્લા ત્રણ મહિનાથી કુલ ૩૩ જેટલા સેવાવિભાગો અને ૧૦,૦૦૦ જેટલા સ્વયંસેવકો સેવારત.
- સ્ટેડિયમમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે.
- આશરે ૭૫,૦૦૦ જેટલાં કાર્યકરો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે.
‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ વિષયક
- એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરો
- વિશ્વના ૩૦ દેશોમાં સેવારત BAPS કાર્યકરોનું થશે આગમન
- ૨૦૦૦થી વધુ પર્ફોર્મર્સ
- બી.એ.પી.એસ.ના સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લાં બે મહિનાઓથી તૈયારી.
- કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવનાર પ્રોપર્ટીઝને ભારે રિસર્ચ બાદ બનાવવામાં આવી. રાયસણમાં 34 એકરની જગ્યામાં વર્કશોપ ઊભું કરાયું.
- પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક નેતાઓ, મહાનુભાવો રહેશે ઉપસ્થિત
- ૭ ડિસેમ્બર અને શનિવારે સાંજે ૫.૦૦ થી ૮.૩૦ મસુધી ચાલનાર આ રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં અદભૂત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત થશે: (૧) બીજ: છેલ્લાં ૧૦૦ કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજૂઆત આ વિભાગમાં થશે. (૨) વટવૃક્ષ: એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે. (૩) ફળ: આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે.
- ખાસ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ફક્ત રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે. આસ્થા ચેનલ અને baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આપ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘરે બેઠાં માણી શકશો.
બી.એ.પી.એસ.ના કાર્યકરોની અવિરત સેવાઓની એક આછેરી ઝલક
બી.એ.પી.એસ. સંસ્થાના એક લાખ જેટલાં કાર્યકરો કરોડો માનવ-કલાકો પ્રતિવર્ષ નિ:સ્વાર્થ સેવામાં આપે છે. સંસ્થાની કરોડરજ્જુ સમાન આ કાર્યકરો દ્વારા બી.એ.પી.એસ.ની સેવાપ્રવૃતિઓમાં પ્રદાનની એક ઝાંખી અત્રે પ્રસ્તુત છે:
- બાળ – યુવા – મહિલા ઉત્કર્ષ કેન્દ્રો: ૨૧,૦૦૦ બાળ – યુવા – મહિલા મંડળોમાં પ્રતિવર્ષ લાખો સભાઓ દ્વારા આધ્યાત્મિક, નૈતિક, પારિવારિક મૂલ્યો અને સનાતન સંસ્કૃતિના પવિત્ર વારસાનું સિંચન કરવામાં આ કાર્યકરો પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત વિરાટ પાયે વ્યસનમુક્તિ અભિયાન, પારિવારિક એકતા અભિયાન, સ્વચ્છતા અભિયાન, હોસ્પિટલોમાં બીમાર દર્દીઓ માટે પ્રાર્થના યજ્ઞો, વગેરે અનેક સેવાકાર્યોનું તેઓ વહન કરે છે.
- શૈક્ષણિક સેવાઓ: સેંકડો સુવિધાસજ્જ અદ્યતન શૈક્ષણિક સંકુલોમાં હજારો વિદ્યાર્થીઓને સંસ્કારયુક્ત શિક્ષણ તેમજ વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપીને કાર્યકરો તેમની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરે છે.
- રાહત સેવાઓ: આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્યરૂપે સેંકડો નૂતન શાળાઓનું નિર્માણ, કુલ ૨૫ ધ્વસ્ત ગામો-વસાહતો દત્તક લઈને તેનું પુનઃનિર્માણ, પ્રાકૃતિક આપત્તિઓનાં પ્રસંગોએ ૨૦૦૦થી વધુ ગામડાઓમાં રાહતસેવા – આવી અનેક સેવાઓ કરીને આ કાર્યકરોએ સમાજને હંમેશાં સુખદુખમાં પોતાનો સાથ આપ્યો છે. કોવિડ મહામારી હોય કે રેલ-હોનારતો હોય, યુક્રેન-રશિયા યુદ્ધ સમયે ભારતીય વિદ્યાર્થીઓને કટોકટીના સમયમાં સહાય હોય, ત્સુનામીની ગોઝારી ઘટના હોય કે ભૂકંપની ભયાનક યાતના હોય, પ્લેગ જેવા રોગચાળાની ભરમાર હોય કે ભયંકર દુષ્કાળના ઓળા હોય – બી.એ.પી.એસ.ના આ કાર્યકરો ખડે પગે સેવામાં તૈયાર રહ્યા છે.
- તબીબી સેવાઓ: કુલ ૭ જેટલી આધુનિકતમ હોસ્પિટલોમાં સારવાર, ૧૨ ફરતાં દવાખાનાઓ દ્વારા પ્રતિવર્ષે લાખો દર્દીઓની નિ:શુલ્ક સારવાર, રોગનિદાન યજ્ઞો અને રકતદાન યજ્ઞો દ્વારા સેવાની અવિરત શૃંખલા. દેશ-વિદેશમાં અનેક હોસ્પિટલોમાં આર્થિક અનુદાનો. આવી વિવિધ તબીબી સેવાઓમાં કાર્યકરો તત્પર રહે છે.
- સ્વામિનારાયણ અક્ષરધામ અને સંસ્કારધામ-મંદિરોના નિર્માણ: ગાંધીનગર, દિલ્લી અને રૉબિન્સવિલ, ન્યૂજર્સીના સ્વામિનારાયણ અક્ષરધામ જેવા મહામંદિરો હોય કે પછી લંડનના વિશ્વવિખ્યાત મંદિરથી લઈને અબુધાબીનું પ્રસિદ્ધ બી.એ.પી.એસ. હિન્દુ મંદિર હોય, વિશ્વભરમાં બી.એ.પી.એસ.ના ૧૮૦૦ કરતાં વધુ સંસ્કારધામ-મંદિરો કાર્યકર્તાઓના અકલ્પનીય સમર્પણના સાક્ષી છે. તાજેતરમાં અમેરિકામાં નિર્મિત ભારતીય સંસ્કૃતિનું અદ્વિતીય સ્મારક સ્વામિનારાયણ અક્ષરધામ, ૧૨,૫૦૦ કરતાં વધુ નવયુવાન સ્વયંસેવકો- કાર્યકરોએ નિર્માણમાં જોડાઈને ક્યારેય ન રચાયો હોય તેવો ઇતિહાસ સર્જી દીધો હતો.
- વિરાટ સાંસ્કૃતિક મહોત્સવો: ડિસેમ્બર-૨૦૨૨ થી જાન્યુઆરી-૨૦૨૩ સુધી અમદાવાદના આંગણે ૬૦૦ એકરમાં આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ૮૦,૦૦૦ જેટલાં સ્વયંસેવકોએ તેઓના પુરુષાર્થ અને સમર્પણથી એક અભૂતપૂર્વ ઇતિહાસ રચી દીધો, જેની વિશ્વપ્રસિધ્ધ મેનેજમેન્ટ સંસ્થા આઈ.આઈ.એમ અમદાવાદ દ્વારા પણ ત્રણ કેસ સ્ટડીઝ લોન્ચિંગ દ્વારા તાજેતરમાં નોંધ લેવામાં આવી હતી. આવા અનેકવિધ મહોત્સવોમાં બી.એ.પી.એસ.ના કાર્યકરોએ અભૂતપૂર્વ સેવાઓ કરી નિ:સ્વાર્થ સેવાનો અનોખો આદર્શ પૂરો પાડ્યો છે.
- આદિવાસી સેવાઓ: ૨૦૦૦થી વધુ ગામોમાં આદિવાસી ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, આદિવાસી ગામોમાં હજારો બાળ-યુવા-સંયુક્ત સભાઓ દ્વારા સંસ્કાર સિંચન, આદિવાસી પરિવારોની શૈક્ષણિક અને તબીબી સેવાઓના વિવિધ પ્રકલ્પોમાં કાર્યકારોનું સમર્પણ વંદનીય રહ્યું છે.
- પ્રતિભાવિકાસ પર્વો: છેલ્લાં ૨૫ વર્ષોથી યુવતીઓના વ્યક્તિત્વ વિકાસ માટે યોજાતા પ્રતિભાવિકાસ પર્વોમાં લાખો યુવતીઓને સ્વનિર્ભર થવાની તાલીમ આપવામાં આવી છે.
- પર્યાવરણીય સેવાઓ: નર્મદા યોજના વિષયક જનજાગૃતિ અને કાર્યક્રમો, અનેક વૃક્ષારોપણ અભિયાનો, સ્વચ્છતા અભિયાનો, જળસંચય અભિયાનો વગેરે પ્રકલ્પોમાં આ કાર્યકરોની સેવાઓ નોંધપાત્ર રહી છે.
સામાજિક – પારિવારિક જવાબદારીઓ વચ્ચે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સેવા આપતા આ નિ:સ્વાર્થ કાર્યકરો, બી.એ.પી.એસ.ની સેંકડો સેવાપ્રવૃત્તિઓનું એક ગૌરવભર્યુ સુવર્ણ પૃષ્ઠ છે. ગુરુવર્યોના નિ:સ્વાર્થ પ્રેમથી અંકુરિત થયેલું બી.એ.પી.એસ. કાર્યકર પ્રવૃત્તિનું બીજ આજે વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું છે અને વિશ્વના કરોડો લોકો આ વટવૃક્ષના મધુર ફળોનો આસ્વાદ માણી રહ્યા છે.