‘ઉદ્યોગ અને વ્યવસાયમાં નૈતિકતાના પુરસ્કર્તા – પ્રમુખસ્વામી મહારાજ’ વિષય પર સેમિનાર યોજાયો
પી પી સવાણી (P P Savani Uni. Surat) યુનિવર્સિટી, સુરત તથા આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર (BAPS) ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
કોસંબા સુરત, વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે ચીંધેલા રાહે, માનવ માત્રના સર્વાંગી ઉત્કર્ષ માટે, પોતાના જીવનની ક્ષણે-ક્ષણનું બલિદાન આપનાર, અવિરત વિચરણ કરી ગામેગામ અને દેશ-પરદેશમાં પધરામણીઓ કરી,
અસંખ્ય લોકોનાં સુખ-દુઃખમાં ભાગીદાર બની, તેમને આત્મીયતાપૂર્ણ વ્યક્તિગત મુલાકાત આપનાર, લોકસેવાનાં વિરાટ કાર્યોની અવિરત વણઝાર વચ્ચે અહોરાત્ર સેવાકીય પ્રવૃત્તિઓ કરી જીવપ્રાણીમાત્રમાં પરમાત્માનાં દર્શન કરી સેવાનો આનંદ લેતાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના બહુપરિમાણીય વ્યક્તિત્વને જુદા-જુદા દૃષ્ટિકોણથી મૂલવતી અને તેઓના દિવ્ય જીવન કાર્યને અર્ઘ્ય આપતી વિવિધ કાર્યક્રમોની શૃંખલાઓ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે.
ભારતીય સનાતન ધર્મના સાધુને શોભે તેવો પ્રમુખસ્વામી મહારાજમાં નૈતિકતાનો આગવો ગુણ હતો. સામાન્ય સંજોગોમાં તો સૌ કોઇ પ્રામાણિકતા દાખવી શકે. પરંતુ મથામણ પછીએ જ્યારે રસ્તો નીકળતો ન દેખાય ત્યારે માનવીના સદ્ગુણોને ઝોકું આવી જાય છે. અને તે અઘટિત માર્ગે જઇને પણ કાર્ય પૂરું કરવા તૈયાર થઇ જાય છે.
આવા સમયે આવા સંજોગોનો શિકાર થયા વિના વ્યક્તિ યોગ્ય પગલું ભરે તેના માટે જાણે-અજાણે, પત્ર, ફોન દ્વારા અને ક્યારેક રૂબરૂ તો ક્યારેક સમૂહમાં આશીર્વાદના રૂપમાં શીખ આપી દરેકને ઘરમાં, ધંધા-વ્યવસાયમાં નૈતિકતાના પાઠ શીખવાડ્યા છે.
આવી રીતે સ્વામીશ્રીએ કરેલા વ્યક્તિઘડતર, સમાજસેવાના મૂલ્યો અને નૈતિકતા રાખવા અંગેના નેક અને નક્કર ઇરાદાઓના ઉપલક્ષ્યમાં પી પી સવાણી યુનિવર્સિટી, કોસંબા સુરત અને આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે “ઉદ્યોગ અને વ્યવસાયમાં નૈતિક્તાના પુરસ્કર્તા – પ્રમુખસ્વામી મહારાજ” એ વિષય પર તા.14-07-2022ના રોજ પી.પી. સવાણી ઓડિટોરિયમ હોલ ખાતે સવારે 01.00 થી 03.30 દરમ્યાન વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પી.પી. સવાણી યુનિવર્સિટી, સુરતના પ્રમુખશ્રી, ડૉ. પરાગ સંઘાણી, વક્તા તરીકે મોટિવેશન સ્પીકર, સુરતના એજ્યુકેશનાલિસ્ટ શ્રી હરિકૃષ્ણભાઈ વીંછી, આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના નિયામકશ્રી, પ્રો. ડૉ. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામી તેમજ કોઠારીશ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સુરતના પૂ. ઉત્તમપ્રકાશદાસ સ્વામી વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાગાન તેમજ દીપપ્રાગટ્યથી થઈ. ત્યારબાદ પરમ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ શ્રીપ્રમુખસ્વામી મહારાજની આયોજનશક્તિ, નિર્ણયશક્તિ તથા દૂરંદેશિતાથી તેમને કરેલાં વિવિધ માનવ ઘડતરલક્ષી કાર્યોની સ્મૃતિ વીડિયોના માધ્યમથી કરાવાઈ હતી.
પી.પી.સવાણી યુનિવર્સિટી, સુરતના કુલપતિશ્રી, ડૉ. પરાગ સંઘાણી મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું તથા સેમિનારના આયોજન અંગેની પૂર્વ યોજના વિષે માહિતી આપી હતી તેમજ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય ગુણોની સ્મૃતિ કરી હતી. સંચાલકશ્રીએ બંને વક્તાનો પરિચય આપ્યો હતો.
‘ઉદ્યોગ અને વ્યવસાયમાં નૈતિકતાના પુરસ્કર્તા – પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વક્તવ્ય રજૂ કરતા શ્રી હરિકૃષ્ણ વીંછીએ જણાવ્યું કે, “ભારતમાં પ્રાચીન સમયથી સંસ્કૃતિનું ઘડતર સંતોથી જ થયેલું છે. તેવી રીતે વર્તમાનકાળે ઉદ્યોગ અને વ્યવસાયમાં નીતિમત્તા રાખવી પ્રમુખસ્વામી મહારાજે શીખવી છે.
ગાંધીજીના ત્રણ ગુરુઓ હતા (1) શ્રીમદ્ રાજચંદ્ર (2) જ્હોન રસ્કિન અને (3) એરિસ્ટોટલ. તેમાં જોન રસ્કિન કહે છે કે ‘જાણતા નથી તે જણાવતા રહેવું, અને વર્તતા નથી તેને વર્તતા કરવા તે શિક્ષણ.’ સનાતન હિંદુ સંસ્કૃતિ કર્મના સિદ્ધાંતને માને છે ‘જેવું કર્મ કરશો તેવું પામશો.’ તેમ તમે નીતિથી કાર્ય કરશો તો તમે તેવા ફળ મેળવશો
અને જો અનીતિથી કરશો તો એનું ફળ પણ એવું જ મળશે. તેમણે ઘણા દૃષ્ટાંતો આ સંદર્ભમાં આપ્યા હતા. સારું બનવું સહેલું છે? કે ખરાબ બનવું સહેલું છે? એવો વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછી સારું બનવું સહેલું છે એવી સવળી સમજણ પ્રમુખસ્વામી મહારાજે તેમના સંતો હરિભક્તોને આપી છે એ વાત જણાવી હતી.
ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, પહેલાં શરીર બળ કામ કરતું, પછીના સમયમાં ધન બળ કામ કરતું થયું, તેના પછીના સમયમાં બુદ્ધિબળ કામ કરતું થયું અને હવે પછીના સમયમાં નીતિબળ કામ કરશે. ઇકોનોમીનો સિદ્ધાંત છે કે સપ્લાય ઓછો એટલે કિંમત વધે. વર્તમાન સમયમાં જ્યારે આપણે કહીએ છીએ કે, અત્યારે ચારિત્રના ધજાગરા થઈ રહ્યાં છે, ચારિત્રહીન પ્રજા થઈ છે.
જ્યારે આપણે નીતિમાં રહીશું તો સાહજિક રીતે આપણી કિંમત વધશે. તો શા માટે નીતિમત્તા ન રાખવી? પ્રમુખસ્વામી મહારાજે અનૈતિક રીતે વ્યવસાય કરતા વ્યક્તિને જણાવ્યું હતું કે, તમે આ ધંધો કરો છો એ યોગ્ય નથી. પ્રમુખસ્વામી મહારાજની પાસે એક રાજકારણી આવ્યા
ત્યારે સ્વામીશ્રીએ તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે, તમે દ્વારકા અને સોમનાથ જેવા તીર્થક્ષેત્રમાં મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપો છો એ ખોટું છે. એમ પ્રમુખસ્વામી મહારાજને કોઈપણ વ્યક્તિને સાચી વાત કહેવામાં સંકોચ થતો નહીં. આમ તેમણે ઘણા પ્રસંગો જણાવીને પ્રમુખસ્વામી મહારાજે ઉદ્યોગ અને વ્યવસાયમાં નૈતિકતાનો બોધ આપ્યો હતો તે વાત કરી વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.
આ જ વિષય પર વક્તવ્ય રજૂ કરતા દ્વિતીય વક્તા પ્રો. ડૉ. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ સૌ પ્રથમ કાર્યક્રમમાં હાજર શ્રોતા વિદ્યાર્થીઓને સંબોધીને વાત કરી કે, અત્યારે તમને એમ લાગશે કે અમારે ઉદ્યોગ અને વ્યવસાયમાં નૈતિકતાના પ્રવચનની શી જરૂર છે.?
પરંતુ તેમને જણાવ્યું કે, અત્યારથી જ જે વાત તમારા મનમાં સ્પષ્ટ હશે એ તમે ઉદ્યોગપતિ થાવ, મોટો ધંધો વ્યવસાય કરતા થાવ ત્યારે પણ તમારા જીવનમાં રહેશે એટલા માટે આ કહેવું પડે છે. તેમણે અમેરિકાના નીલેશ પટેલનો દાખલો આપીને કહ્યું હતું કે, ત્રણ મિલિયન ડોલરની લોટરી એક મહિલાને લાગેલી અને એ ટિકિટ તેમણે પ્રામાણિકપણે તે મહિલાને આપી દીધી અને તેમને લોટરી લાગી છે એમ સ્પષ્ટ જણાવ્યું.
એ એમના બાળપણના નીતિમત્તાના ગુણો આપણને જણાવે છે. તેમને બીજું દ્રષ્ટાંત આપ્યું હતું કે, ગુજરાત પરિવહન વિભાગમાં નોકરી કરતા અશોકભાઈ રાવળ પરચેજ ઓફિસર હોવા છતાં એમણે ક્યારેય લાંચ લીધી ન હતી. આ નીતિમત્તા ગણાય. તેનું કારણ સ્વામીશ્રીએ શીખવેલા નીતિમત્તાના પાઠ.
આ ઉપરાંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન-કવન અને સ્વામીશ્રીએ કરેલ કાર્યો વિશે વિસ્તૃત સમજ આપી હતી. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આગામી સમયમાં આયોજિત કાર્યક્રમોની રૂપરેખા સવિસ્તર પ્રસ્તુત કરી હતી.
કાર્યક્રમના અંતમાં સમાપન પ્રવચનમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સુરત કોઠારીશ્રી, પૂ. ઉત્તમપ્રકાશદાસ સ્વામીએ કહ્યું કે, સમાજમાં નૈતિકતાને પ્રાધાન્ય આપવું એ પ્રમુખસ્વામી મહારાજનું કાર્ય છે. તેમણે અંગ્રેજી કહેવત કહી હતી. ‘If wealth is lost nothing is lost. Health is lost something is lost. Character is lost everything is lost.’
પ્રમુખસ્વામી મહારાજનું સૂત્ર તેમણે જણાવ્યું હતું કે ‘ચારિત્ર્યવાન બનો અને ચારિત્ર્યવાન સમાજ તૈયાર કરો.’ આને કારણે જ પ્રમુખસ્વામી મહારાજને રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ જેવા પણ ચાહતા અને પોતાના અલ્ટીમેટ ગુરુ તરીકે તેઓને સ્વીકારતા.
આમ, પી.પી. સવાણી યુનિવર્સિટી, કોસંબા સુરત ખાતે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્વામીશ્રીના દિવ્ય જીવન-કાર્યમાંથી પ્રેરણા આપતા ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં આમંત્રિતો તેમજ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી.પી. સવાણી યુનિવર્સિટી, કોસંબા સુરત શ્રી સુમિતભાઇ વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું અને સભાના અંતમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી ડૉ. સતીષભાઈ બિરાદરે આભારવિધિ કર્યો હતો.