પ્રમુખસ્વામી મહારાજે આપેલી સમજણથી શાંતિનો રાજમાર્ગ ખુલ્લો થઈ જાય છે
અમદાવાદમાં તૈયાર કરાયેલા BAPSના પ્રમુખ સ્વામી નગરમાં બુધવારે સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો હતો. સંવાદ, વિડિયો, નૃત્ય દ્વારા પ્રમુખસ્વામી મહારાજના એશિયા પેસિફિક દેશોમાં સંસ્કૃતિ પ્રસારના કાર્યને દર્શાવતી રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અનેક સંતોએ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
BAPS ના પૂજ્ય ગુણચિંતન સ્વામીએ ‘સમજણનો આયામ’ વિષયક વક્તવ્યમાં જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજે આપેલી સમજણથી શાંતિનો રાજમાર્ગ ખુલ્લો થઈ જાય છે. મૃત્યુ સામે હોય છતાં પણ બળની વાત કરનારા હરિભક્તો પ્રમુખસ્વામી એ તૈયાર કર્યા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે ‘સમજણ આપત્કાળે કળાય છે‘ અને પ્રમુખસ્વામી મહારાજે તેવા હરિભક્તોનું નિર્માણ કર્યું છે.”
BAPS ના પૂજ્ય પ્રિયચિંતન સ્વામીએ ‘સંસ્કારનો આયામ’ વિષયક વક્તવ્યમાં જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજે પ્રમાણિકતા, તપ, જ્ઞાન, નિયમધર્મ અને આજ્ઞાના સંસ્કારોનું સિંચન દેશ વિદેશના તમામ બાળકોમાં કર્યું છે. તમામ બાળ બાલિકાઓ અને સત્સંગીઓ નિયમ ધર્મમાં રહીને ગુરુહરિનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે.”
BAPS ના પૂજ્ય આર્ષપુરુષ સ્વામીએ ‘સુહૃદભાવનો આયામ’ વિષયક વક્તવ્યમાં જણાવ્યું,
“ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું કે, ‘જ્યાં સંપ અને સુહૃદયભાવ દયા અને મર્યાદા હોય ત્યાં પ્રભુ નિવાસ કરીને રહે છે. સમગ્ર ભક્ત સમુદાય એક પરિવારના ભાવ સાથે જીવી રહ્યા છે.”
BAPS ના પૂજ્ય પરમચિંતન સ્વામીએ જણાવ્યું, “સત્સંગ વ્યક્તિને વિવેક આપે છે,
જીવન પરિવર્તન તરફ આગળ લઈ જાય છે, સત્સંગ ભગવતશ્રદ્ધા દૃઢાવે છે, સત્સંગ વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન પ્રેરે છે અને અંતે મોક્ષ તરફ લઈ જાય છે. મહંતસ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં કહ્યું છે કે ‘સઘળું સુફળ સત્સંગ કરવાથી પ્રાપ્ત થાય છે , માટે મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો.‘ સત્સંગ કરવા માટે મંદિર ખૂબ જ જરૂરી છે અને પ્રમુખસ્વામી મહારાજે અનેક મંદિરોનું નિર્માણ દેશ વિદેશમાં કર્યું છે.”
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધાથી સત્સંગ વધે છે. એકતા અને સંપથી કાર્ય સિદ્ધ થાય છે. સૌ સુખી થાય એ પ્રાર્થના!”
અનેક અગ્રણીઓએ પણ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આદરણીય જૈન ધર્મગુરુ પરમ પૂજ્ય વિજય અભયસૂરીશ્વરજી મહારાજે ભગવાન સ્વામિનારાયણ લિખિત શિક્ષાપત્રી ગ્રંથના મહિમાનું ગાન કર્યું હતું અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સંસ્કૃતિ માટેના કરેલાં યુગકાર્યને બિરદાવ્યું હતું.