પ્રમુખસ્વામી મહારાજ ‘બીજાના ભલામાં આપણું ભલું છે’ એ સંદેશ સાથે જીવ્યા: ઋષિ સુનક
ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર શ્રી એલેક્સ એલિસે જણાવ્યું,
“હું અહી હાજર હજારો સ્વયંસેવકોને વંદન કરું છું કારણકે તેમના કારણે આ ભવ્ય અને દિવ્ય નગરની રચના શક્ય બની છે. આ બીએપીએસ સંસ્થા એ ભુજનો ભૂકંપ હોય , કોરોનાનો મહામારી હોય કે યુક્રેન ક્રાઇસીસ હોય, દરેક સમયમાં હમેશા સમાજસેવાના ઉત્તમ કાર્યો કર્યા છે.
પ્રમુખસ્વામી મહારાજે તૈયાર કરેલા ભક્તો એ એક સેતુ સમાન છે જે આધ્યાત્મિકતા, સહિષ્ણુતા અને શાંતિના પાઠ વિશ્વભરના લોકોને શીખવે છે. ‘બીજાના ભલામાં આપણું ભલું’ એ સૂત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશો આપ્યો છે.”
બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી ઋષિ સુનકે વિડિયો શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવ્યું,
“ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સર્વે મહાનુભાવોને જય સ્વામિનારાયણ. આ શુભ પ્રસંગે મારી શુભેચ્છાઓ પાઠવતા હું ગર્વની લાગણી અનુભવું છું. પ્રમુખસ્વામી મહારાજ ‘બીજાના ભલામાં આપણું ભલું છે’ એ સંદેશ સાથે જીવ્યા.
યુકેમાં વિખ્યાત ભવ્ય નિઝડન (લંડન) મંદિરના સર્જનમાં તેઓ પ્રેરણામૂર્તિ હતા; એવું મંદિર જે તેની સુંદરતાની સાથે સ્થાનિક સ્તરે સેવાકાર્યો માટે સૌ માટે નિરાળું સ્થાન ધરાવે છે. પ્રમુખસ્વામી મહારાજે સીંચેલી સેવાની ભાવના યુકેના તમામ BAPS મંદિરોમાં જોવા મળી રહી છે. કોવિડના સમયમાં મંદિર માત્ર હિન્દુઓ માટે જ નહીં, પરંતુ હજારો લોકો માટે, સમગ્ર સ્થાનિક સમુદાય માટે આગળ આવ્યું અને સેવાઓ પૂરી પાડી.
વેમ્બલી સ્ટેડિયમ હોય કે માર્ગ હોય, અનેકવિધ સ્થાનોમાં પ્રમુખસ્વામી મહારાજને વિશિષ્ટ અંજલિ અપાઈ છે. આજે આપ સૌ જ્યારે પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી ઉજવવા એકત્ર થયા છો ત્યારે હું આપ સૌને આદરાંજલિ પાઠવું છું અને તેમના અદભૂત સંસ્કારવારસાને નમન કરું છું. આ મહોત્સવની સફળતા માટે આપને ખૂબ શુભેચ્છાઓ.”
યુકે– હેરો ઈસ્ટના સંસદ સભ્ય પદ્મશ્રી બોબ બ્લેકમેને જણાવ્યું,
“મારા માટે સૌભાગ્યની વાત છે કે આવા ભવ્ય અને વિશાળ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં ભાગ લેવા મળ્યો. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે “બીજાના ભલા માં આપનું ભલું“ અને આ સૂત્ર આપણે સૌ જીવનમાં ઉતારીને વિશ્વમાં શાંતિ પ્રસારી શકીએ છીએ. પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ થી વધારે માનવ ઉત્કર્ષના મંદિરોનું નિર્માણ કરીને ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવાનું કાર્ય કર્યું છે.
હું બીએપીએસ ના ૮૦,૦૦૦ સ્વયંસેવકો અને જમીનદાતાઓ આભાર માનું છું કારણકે તેઓની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણના કારણે આ શતાબ્દી મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ નગર શકી બન્યું છે. હું આપ સૌને આશ્વસ્થ કરવા માગું છું કે હું યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને હિન્દુ ધર્મના વિકાસ-સેવા માટે સતત પ્રયત્નશીલ રહીશ.”
યુકે– બ્રેન્ટ નોર્થના સંસદ સભ્ય પદ્મશ્રી બેરી ગાર્ડિનરે જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ માટે નાનામાં નાનો હરિભક્ત અગત્યનો હતો કારણકે તેઓ દરેક હરિભક્તોમાં ભગવાનના દર્શન કરતાં હતા.પ્રમુખસ્વામી મહારાજની આંખો ખૂબ જ દિવ્ય અને અદ્ભુત હતી કારણકે તેમની આંખો માણસમાં રહેલી અચ્છાઈને જ જોતી હતી અને ‘જે સારું છે એ મારું છે” એ સૂત્ર સાથે હંમેશા તેમની આંખોમાંથી કરુણા અને પ્રેમ જ વહ્યા છે.”