IIM-A પ્રમુખસ્વામી મહારાજ નગર પર કેસ સ્ટડી કરી રહ્યું છે: ઉપાસના એ. અગ્રવાલ

Upasana A. Agarwal (NITIE)
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૧0 જાન્યુઆરી, ૨૦૨૩, મંગળવારના રોજ યોજાયેલ પ્રોફેશનલ કોન્ફરન્સ
લીડરશીપ સિમ્પોઝિયમ-ઇન્ડિયન એસોસિએશન ઓફ એમ્યુઝમેન્ટ પાર્કસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (IAAPI) સાથે અમદાવાદમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી જન્મોત્સવના ભાગરૂપે એક દિવસીય ‘લીડરશીપ સિમ્પોઝિયમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સનું નેતૃત્વ અનેક અગ્રણી વક્તાઓની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમ કે શ્રી શ્રીકાંત ગોએન્કા, (ડિરેક્ટર, ઈન્ડિયન એસોસિએશન ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (IAAPI)) શ્રી વેંકટેશ મહેશ્વરી (ઉદ્યોગ સાહસિક, ગોક્યો આઉટડોર એપેરલ એન્ડ લાઈફસ્ટાઈલ પ્રાઈવેટ લિમિટેડ) અને ઉપાસના. એ. અગ્રવાલ (પ્રોફેસર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE)).
ઉપાસના એ. અગ્રવાલ (પ્રોફેસર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ (NITIE)) એ ‘ઉચ્ચ પ્રદર્શન સંસ્થાઓના નિર્માણમાં નેતૃત્વની ભૂમિકા’ના સત્રમાં કહ્યું, “મને આનંદ છે કે IIM-A પ્રમુખસ્વામી મહારાજ નગર પર કેસ સ્ટડી કરી રહ્યું છે. અને તે અહી ઉપસ્થિત રહેવાનું એક મુખ્ય કારણ છે.
એક નેતાના પ્રભાવને તેમણે લોકોના જીવનમાં કેટલી અસર કરી છે તેના દ્વારા સમજી શકાય. પ્રમુખ સ્વામી મહારાજે તેમના આધ્યાત્મિક નેતૃત્વ દ્વારા લોકોમાં સકારાત્મક પરિવર્તન કર્યું છે અને લોકોના જીવનમાં કાયમી અસર ઊભી કરી છે. અસરકારક નેતૃત્વની આવશ્યકતાઓ બૌદ્ધિક ગુણાંક (IQ), ભાવનાત્મક ગુણાંક (EQ),
આધ્યાત્મિક ગુણાંક (SQ) અને ભૌતિક ગુણાંક (PQ) દ્વારા માપવામાં આવે છે. અસરકારક નેતાઓમાં EQ અને સહાનુભૂતિનું ઉચ્ચ સ્તર હોય છે. તેઓ આશાવાદી છતાં વાસ્તવવાદી હોય છે, તેમની અનુકૂલન-ક્ષમતા ઉચ્ચ હોય છે. તેઓ અસરકારક રીતે સંવાદ કરે છે અને સમસ્યાઓના મૌલિક સમાધાન આપી શકે છે.”

શ્રી શ્રીકાંત ગોએન્કા, (ડિરેક્ટર, IAAP))એ તેમના સ્વાગત પ્રવચનમાં દિવસના કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું, “સ્વામિનારાયણ સંપ્રદાય અને BAPS સ્વામિનારાયણ સંસ્થા પાસેથી નેતૃત્વ અને સંચાલનના ઘણા પાસાઓ શીખી શકાય છે.”
શ્રી વેંકટેશ મહેશ્વરી (ઉદ્યોગસાહસિક, ગોક્યો આઉટડોર એપેરલ એન્ડ લાઈફસ્ટાઈલ પ્રાઈવેટ લિમિટેડ)એ ‘ધ માઉન્ટેન્સ આર કોલિંગ એન્ડ આઈ મસ્ટ ગો’ વિષય પર વર્ષ 2018માં માઉન્ટ એવરેસ્ટ સમિટ પર ચડતી વખતે તેમના અનુભવો, પડકારો રજૂ કરતાં જણાવ્યું, “માઉન્ટ એવરેસ્ટ પર ચડવું એ મારા બાળપણની ઈચ્છા હતી.

એવરેસ્ટ પર ચઢીને, હું તે હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે માત્ર 10% પર્વતારોહકો 45 વર્ષની ઉંમર પહેલા સફળતાપૂર્વક કરી શક્યા છે. વ્યક્તિએ સમજવું જોઈએ કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી અને નિષ્ફળતાને પણ સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. વ્યક્તિએ સામર્થ્ય કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બદલાતા સંજોગો સાથે સંતુલન સાધવું એ નેતૃત્વનો અનિવાર્ય ગુણ છે.”
BAPS ના વિખ્યાત મોટિવેશનલ સ્પીકર પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું,
“પ્રમુખ સ્વામી મહારાજ નગરની સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતા, જે માનવીય સમજની બહાર છે, તે 80000 સ્વયંસેવકોની સંપૂર્ણ સ્વયંસેવાનું પરિણામ છે જે વિવિધ શૈક્ષણિક બેકગ્રાઉન્ડ, પરિવારો, અને ઉછેર ધરાવે છે. આ સ્વયંસેવકો કે જેઓ BAPS ની સૌથી મોટી શક્તિ છે તેઓ પરમ પવિત્ર પ્રમુખસ્વામી મહારાજના અનુકરણીય આધ્યાત્મિક નેતૃત્વમાંથી પ્રેરિત છે.

પ્રમુખસ્વામી મહારાજના અનુકરણીય આધ્યાત્મિક નેતૃત્વની તાકાત એ બાબતથી જોઈ શકાય છે કે આ 600 એકર જમીનની માલિકી ધરાવતા લગભગ 300 ખેડૂતોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યોથી પ્રેરિત થઈને આ ઉજવણીઓ માટે એક વર્ષ માટે આખી જમીન દાનમાં આપી દીધી હતી. અને રિ-એમ્બર્સમેન્ટ લેવાનો ઇનકાર કર્યો હતો.
પ્રમુખસ્વામી મહારાજ નગર એ પ્રમુખસ્વામી મહારાજના આવા નિઃસ્વાર્થ નેતૃત્વને અંજલિ છે. આ સંકુલ દિવ્યતા દ્વારા સંચાલનનું એક ઉત્તમ ઉદાહરણ છે. બાળનગરી દ્વારા બાળકોને સફળતા હાંસલ કરવા માટે પ્રાર્થના અને સખત મહેનતની આવશ્યકતા, સારા સંગનું મહત્વ અને માતા-પિતા અને વડીલોનું સન્માન કરવાના પાઠ શીખી શકે છે .”