IIMથી લઈ, મેલબોર્ન યુનિવર્સિટીના ડીગ્રી ધારક સહિત 46 યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી
અત્યંત તેજસ્વી અને ઉચ્ચ શિક્ષિત આ યુવાનો પ્રભુનિષ્ઠા, આત્મકલ્યાણ સાથે સમાજ અને રાષ્ટ્રની સેવા માટે કટિબદ્ધ થશે.
• પોતાની ઉચ્ચ કારકીર્દી અને વૈભવને ત્યજીને આ યુવાનો વૈરાગ્યના માર્ગે ચાલીને સમાજ અને સંસ્કૃતિની રક્ષા માટે પ્રયાણ કરશે.
• દીક્ષાર્થીઓમાં ભારતની ખ્યાતનામ IIM થી લઈ, મેલબોર્ન યુનિવર્સિટીના ડીગ્રી ધારકો છે. તે સિવાય ૪ અનુસ્નાતક , ૨૨ સ્નાતક , ૧૮ ઇજનેર, ૧ શિક્ષક, ૧ ફાર્માસિસ્ટ સહિત કુલ ૪૬ નવયુવાનોએ પાર્ષદી દીક્ષા લીધી
• પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી સારંગપુર તીર્થમાં ‘સંતતાલીમ કેન્દ્ર’ નો ચાર દાયકા પૂર્વે થયો હતો આરંભ, જેમાં આપવામાં આવે છે સાત વર્ષની તાલીમ
ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભો છે – શાસ્ત્ર, મંદિર અને સંત. પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આ ત્રણેય આધારસ્તંભોને મજબૂત કરવાનું યુગકાર્ય કર્યું છે.
એમાંય, સુશિક્ષિત નવયુવાનોને વીતરાગની પ્રેરણા આપીને, તેમને ત્યાગાશ્રમના પથ પર પ્રયાણ કરાવીને સ્વામીશ્રીએ 1000થી વધુ સુશિક્ષિત સંતોની સમાજને ભેટ ધરી છે, તેને ભારતનો સમગ્ર ધાર્મિક સમાજ અહોભાવની નજરે નિહાળે છે.
6 જાન્યુઆરી, 2023 અને શુક્રવારના રોજ પ્રમુખસ્વામી મહારાજ નગર (PSM100 years) માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સવારે ૯ વાગ્યે દીક્ષા સમારોહનો માંગલિક અવસર યોજાયો હતો.
આ પ્રસંગે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ચરણે જીવન સમર્પિત કરવા થનગનતા યુવાનોના હૈયે અનેરો ઉત્સાહ ઉમંગ અનુભવાતો હતો. પોતાના વહાલસોયા પુત્રને સ્વામીશ્રીના ચરણોમાં અર્પણ કરી ચૂકેલા વાલીઓ અને સગા–સ્નેહીઓના હૈયામાં પણ અનેરો ઉમંગ હતો.
BAPSના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજાવિધિમાં દીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ પૂજાવિધિને અનુસરતા હતા. સંતોના કંઠેથી ઉચ્ચારતી મહાપૂજાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી.
મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા. દીક્ષાસમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ અને સૌ નવદિક્ષિતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી.
IIM ઉદયપુરમાં જેમણે અભ્યાસ કરેલો છે તેવા શ્રી હાર્દિકભાઈ મિસ્ત્રી, જેમણે આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી તેમણે જણાવ્યું,
“સાધુ થવાનો મુખ્ય હેતુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પ્રેરક વચનો – ‘નિ:સ્વાર્થ ભાવે સમાજની સેવા કરવી’, ‘બીજાના ભલામાં આપણું ભલું સમજી સેવા કરવી’ એ અનુસાર મારી દીક્ષા સમાજની સેવા કરવા અને મારા આધ્યાત્મિક વિકાસ માટે છે.”
ઉદયપુરથી આવેલા દીક્ષાર્થી અભિષેકભાઈના માતૃશ્રી રતનબેને કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સમર્થ ગુરુ મળ્યા છે આપણને અને મારો દીકરો ભગવાનના સારા માર્ગે વરે એ માટે અમે રાજી છીએ અને જ્યારે ૧૧૦૦ સંતો ને હું જોઉં છું ત્યારે મારા દીકરા જ લાગે છે. તો મે ખૂબ રાજી થઈને અમારા દીકરાને રજા આપી છે.”
દીક્ષાર્થી ઉત્તમભાઈના બહેન રાધાબેન જણાવે છે, “ઉત્તમ સાધુ બન્યો એ અમારા પરિવારનું ગૌરવ છે.”
BAPS ના વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીએ જણાવ્યું, “ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર લોકોનું કલ્યાણ કરવા અને માયાનું બંધન છોડાવવા આવ્યા હતા. તેમણે પરમહંસો બનાવ્યા. આજે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા પણ સંત દીક્ષા આપવાનું ભગીરથ કાર્ય ચાલુ જ છે અને આ સંતો દેશ વિદેશમાં ફરીને લોકોના જીવન પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે.”
BAPS ના વરિષ્ઠ સદગુરુ સંત પૂજ્ય ડૉક્ટર સ્વામીએ જણાવ્યું, “ભગવાન બુદ્ધ રાજકુંવર હતા અને બધી જ સુખ સમૃદ્ધિ હતી છતાં પણ તેમણે સંસારનો ત્યાગ કરી દીધો હતો. ત્યાગની વાત અનાદિ કાળથી ચાલી આવે છે અને એ જ પરંપરામાં ભગવાન સ્વામિનારાયણે પણ ૩૦૦૦ જેટલા પરમહંસોને દીક્ષા આપી હતી.”
દીક્ષાવિધિ બાદ સૌ પર કૃપાવર્ષા કરતાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું, “આજે યુવાનો ત્યાગાશ્રમમાં પ્રવેશ કરે છે તે ખૂબ જ આનંદની વાત છે અને આ માત્ર ને માત્ર યોગી બાપા ના સંકલ્પ અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી જ શક્ય બને છે. આવા ભણેલા ગણેલા યુવાનો દીક્ષા લે છે તેથી સંસ્થાનું ભવિષ્ય ઉજ્જવળ છે અને અને તેમના દ્વારા ભગવાન સ્વામિનારાયણનો સંદેશો બધે જ પહોંચશે અને હજારોને ધર્મના માર્ગે ચડાવશે.
આ પાર્ષદો ભક્તિ સાથે સાથે સમાજ સેવાનાં કાર્યમાં જોડાશે. આજે દીક્ષા લેનાર તમામ સાધકો ભગવાનના ખોળે બેસી ગયા છે તો માતાપિતાએ નિશ્ચિંત થઈ જવું કારણકે તમારા સંતાનો ભગવાનના ચરણોમાં બેઠા છે માટે સુખી જ થવાના છે.શ્રીજીમહારાજ દીક્ષાર્થી ના માતા પિતા અને કુટુંબીઓને તને મને ધને સુખી કરે તેવી પ્રાર્થના.”
BAPS નું સંત તાલીમ કેન્દ્ર
અમદાવાદથી ૧૫૦ કિમી દૂર બોટાદ જીલ્લામાં આવેલું સારંગપુર ગામ BAPS સંસ્થાનું મોટું ધામ છે. ત્યાં જ નવા દીક્ષિત સંતોના પ્રશિક્ષણ માટે સંત તાલીમ કેન્દ્ર આવેલું છે.
ગુરુ શાસ્ત્રીજી મહારાજની આ વિશિષ્ટ કર્મભૂમિ સારંગપુરને પ્રમુખસ્વામી મહારાજે જ પસંદ કરી અને સંતોની સાધના-શિક્ષણનું મુખ્ય સ્થાન બનાવી દીધું. વિશ્વભરમાંથી સાધુ થવા માટે આવતા યુવકોને તાલીમ આપવા માટે તેઓએ અહીં બધી જ વ્યવસ્થા કરી.
ભોજન અને આવાસ ઉપરાંત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તપ, સેવા અને સમર્પણના પ્રશિક્ષણ વર્ગો દ્વારા નવ દીક્ષિત સંતોને શાશ્વત જીવનમૂલ્યોના પાઠ ઘૂંટાવનારી એક અનુપમ બ્રહ્મવિદ્યાની કોલેજ પ્રમુખસ્વામી મહારાજે સને 1980માં ઊભી કરી દીધી.
પ્રથમ માતા-પિતાની લેખિત અનુમતિ લઈને મુમુક્ષુ યુવાન સારંગપુર આવે છે. અહીં ત્રણ વર્ષની પૂર્વ સાધક તાલીમમાં મુમુક્ષુની યોગ્ય ચકાસીણી પછી તેને પ્રાથમિક પાર્ષદ દીક્ષા આપવામાં આવે છે. મોટાભાગે દીક્ષા મહોત્સવનું સ્થળ નજીકમાં આવતા ઉત્સવ કે સમૈયામાં રાખવામાં આવે છે.
શ્વેત વસ્ત્રોમાં સજ્જિત આ પાર્ષદોને ત્યાગાશ્રમના તમામ નિયમ પાળવાના હોય છે. આગળ એકાદ વર્ષના અંતરાલ બાદ પાર્ષદને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે. ભગવા વસ્ત્રોમાં શોભતા આ સંતો ત્યાર પછી પણ સારંગપુરમાં ધર્મગ્રંથો અને સંસ્કૃતનો ઊંડાણથી અભ્યાસ કરે છે.
હિન્દી અને અંગ્રેજી ભાષાનો તેમજ વિશ્વના વિવિધ ધર્મોનો અભ્યાસ પણ અહીં તાલીમનો એક ભાગ છે. વળી, શિક્ષણની સાથે સ્વાવલંબનને પણ સ્વામીશ્રીએ એટલું જ મહત્ત્વ આપ્યું હતું. તેઓએ કહ્યું હતું, “સેવાથી નમ્રતા આવશે. જ્ઞાન તો નમ્ર વિદ્યાર્થીમાં જ ઠરે છે.”
આ બધી અભ્યાસ અને સેવાની પ્રવૃત્તિને સ્વામીશ્રીએ ભક્તિની સાથે જોડી હતી. હા, તેમની તાલીમમાં કેન્દ્રસ્થાને ભગવાન હતા. તેથી જ તો તેઓએ ભક્તિમય આહ્નિકને ક્યારેય ગૌણ પડવા નથી દીધું.
પ્રમુખસ્વામી મહારાજની આ તાલીમ પ્રાપ્ત કરીને સંતો ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને રાષ્ટ્રસેવાની ભાવનાને આત્મસાત કરી, ગામડે-ગામડે ફરી જન-જનના હૃદયમાં શ્રદ્ધા જગાડીને વ્યસન-કુટેવોથી દૂર રહેવાની પ્રેરણા આજે આપી રહ્યા છે. આમ કુલ ૭ વર્ષનો અભ્યાસ કરીને આ સંતો નિયમ અને ભગવદ નિષ્ઠા દૃઢ કરીને સમાજ અને રાષ્ટ્ર કલ્યાણ માટે સમર્પિત થાય છે.