“લક્ષણયુક્ત શિક્ષણ હશે તે આપણું રક્ષણ કરશે અને લક્ષણ વગરનું શિક્ષણ એ ભક્ષણ કરશે.”
BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્યને વર્ણવતા કહ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૪૦ ફૂટ વ્યાસ ધરાવતો માળો રચવામાં આવ્યો છે જે “વસુધૈવ કુટુમ્બકમની” ભાવનાને ચરિતાર્થ કરે છે અને સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આપેલા એકતાના મૂલ્યોને ઉજાગર કરે છે કારણકે આખું વિશ્વ એ એક માળો, એક પરિવાર છે.
પ્રમુખસ્વામી મહારાજ વૈશ્વિક ગુરુ હતા અને કોઈ પણ દેશના નાગરિકને તેમનું સાનિધ્ય ગમતું. તેમણે વિશ્વના તમામ લોકોને નાતજાતના ભેદભાવ જોયા વગર એક જ પરિવારના સભ્યની જેમ જોડે રહેવાનું શીખવ્યું.”
BAPS ના વિદ્વાન સંત પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ ‘સંસ્કારયુક્ત શિક્ષણનો યજ્ઞ: પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે કરેલ શિક્ષણસેવાઓ વિષે વક્તવ્ય આપ્યું. તેમણે જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે, ” શિક્ષણ સંસ્કારયુક્ત હોવું જોઈએ, કારણકે લક્ષણયુક્ત શિક્ષણ હશે તે આપણું રક્ષણ કરશે અને લક્ષણ વગરનું શિક્ષણ એ ભક્ષણ કરશે.”
પ્રમુખસ્વામી મહારાજે સંસ્કાર અને ચારિત્ર્યયુક્ત સમાજનું નિર્માણ કર્યું છે જે અન્યને પણ તે પથ પર ચાલવાની પ્રેરણા આપે છે. પ્રમુખસ્વામી મહારાજે સમાજને નિર્વ્યસની, પ્રામાણિક, સદાચારયુક્ત જીવન જીવવા માટેની પ્રેરણા આપી છે. ઘરસભા દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન સારી રીતે થઈ શકે છે અને પ્રમુખસ્વામી મહારાજે ઘરસભાની અમૂલ્ય ભેટ આપીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે.”
ત્યારબાદ ‘સંસ્કારયુક્ત શિક્ષણનું અભિયાન : પ્રમુખસ્વામી મહારાજ ’ વિષયક વિડિયો દર્શાવવામાં આવી હતી.