Western Times News

Gujarati News

ધર્મ પ્રત્યે અને સંતો પ્રત્યે વિશ્વાસ અને શ્રધ્ધા વધે તેવું જીવન પ્રમુખસ્વામી જીવ્યા છે

ગુજરાતની સંસ્કૃતિને ઘડવામાં, તેને ઉદ્ધારવામાં, સંસ્કારવામાં અને અધ્યાત્મ પ્રત્યે અભિમુખ કરવામાં ભગવાન સ્વામિનારાયણનું  અભૂતપૂર્વ પ્રદાન છે. ભગવાન સ્વામિનારાયણે આદરેલાં સર્વતોમુખી સમાજ ઉત્કર્ષના કાર્યોની ભાગીરથીને તેઓની ગુણાતીત સંતપરંપરમાં પ્રમુખસ્વામી મહારાજે ગુજરાત, ભારત અને વિશ્વભરમાં પ્રવાહિત કરી.

ગરવી ગુજરાતને ગુણવંતું બનાવવામાં જેઓનો સિંહફાળો છે તેવા વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના ગુજરાતના સમાજજીવનમાં વિરાટ ભૂમિકા અને તેમના પ્રદાનોને આજની સભામાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા અંજલિ આપવામાં આવી હતી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ભવ્ય અને દિવ્ય છે કારણકે પ્રમુખસ્વામી મહારાજનું જીવન માત્ર અને માત્ર પોતાના કલ્યાણ માટે નહિ પરંતુ સમષ્ટિના કલ્યાણ માટે હતું અને તેના માટે તેઓ અન્યને પ્રેરણા મળે તેવું જીવન જીવ્યા હતા.પ્રમુખસ્વામી મહારાજ લોકોમય હતા કારણકે તેઓ નાનામાં નાના માણસથી લઈને અનેક લોકોના ઘરે પધરામણી કરી છે , પત્રો દ્વારા માર્ગદર્શન આપ્યું છે.

“પ્રાર્થના + પુરુષાર્થ = સફળતા” એ સૂત્ર તેમના આધ્યાત્મિક જીવનનો નિચોડ હતો.

ધર્મ પ્રત્યે અને સંતો પ્રત્યે વિશ્વાસ અને શ્રધ્ધા વધે તેવું જીવન પ્રમુખસ્વામી મહારાજ જીવ્યા છે.

અક્ષરધામ હુમલા વખતે પ્રમુખસ્વામી મહારાજ સતત નરેન્દ્રભાઇ મોદી અને લાલકૃષ્ણ અડવાણી સાથે સંપર્કમાં હતા અને આવી ગંભીર સ્થિતિમાં પણ સમ્યક ભાવે બધી વ્યવસ્થાનું સંચાલન કરી રહ્યા હતા અને શાંતિનો સંદેશો વિશ્વભરમાં આપ્યો હતો જેના લીધે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં શાંતિ સ્થાપી હતી. આજે ગુજરાત સમૃદ્ધ અને સલામત છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજનો પુરુષાર્થ રહેલો છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવથી આવનારા સમયમાં સદીઓ સુધી અનેક લોકોના જીવન પરિવર્તન થશે તેવો મને પૂર્ણ શ્રદ્ધા છે.”

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજના સાક્ષાત્ દર્શન થાય છે તેવા મહંત સ્વામી મહારાજ છે.

હું પ્રમુખસ્વામી મહારાજ સાથે ૧૯૮૦ થી સંકળાયેલો છું અને પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં ૧૧૦૦ થી વધારે મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ આગળ ગુજરાત રાજ્યની કોઈ પણ સમસ્યા રજૂ કરીએ ત્યારે બીજા જ દિવસથી વિશ્વભરના તમામ મંદિરોમાં ધૂન અને પ્રાર્થના શરૂ કરવી દેતા.

વિદેશોમાં પણ મંદિરોનું નિર્માણ કરીને ત્યાંના બાળકોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો જળવાઈ રહે તે માટે બાળ સભા અને રવિ સભા દ્વારા સતત પ્રયત્નશીલ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા સમાજના વિકાસ માટે ચિંતિત રહ્યા છે અને સમાજના ઉદ્ધાર માટે સતત તેઓએ સતત પુરુષાર્થ કર્યો છે.પ્રમુખસ્વામી મહારાજને તેમના કાર્યો અને યોગદાન માટે હું યુગપુરુષ અને ધર્મપુરુષ માનું છું.”

ગુજરાત સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ એક વિરાટ વ્યક્તિત્વ હતું જેને લાખો માણસો સાથે પરિચય હતો અને દરેક સાથે સ્નેહના તાંતણે બંધાયેલા હતા. પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ સંસ્થા, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું વિશ્વભરમાં ગૌરવ વધાર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજે કચ્છ ભૂકંપ વખતે તાત્કાલિક બધી જ સહાય મોકલીને સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ધરતીકંપના પ્રથમ દિવસે જ તમામ લોકોને નાતજાતના ભેદભાવ વગર ખીચડી અને કઢી જમાડીને અનેક લોકોને શાંતિ અને હૂંફ આપી હતી જે અદ્વિતીય હતી.

ગુજરાતને વિશ્વભરમાં મહાત્મા ગાંધી સરદારભાઈ પટેલ, નરેન્દ્રભાઇ મોદીએ ગૌરવ અપાવ્યું છે તે રીતે ધાર્મિક અને સેવા ક્ષેત્રે પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. વિશ્વભરમાં શાંતિનો સંદેશ આપવામાં પ્રમુખસ્વામી મહારાજનો સિંહફાળો છે.

આજે દિલ્હીમાં આવેલા બીજા દેશના કોઈ પણ વ્યક્તિ સૌ પ્રથમ દિલ્હી અક્ષરધામ જોવા જવાનો આગ્રહ રાખે છે એવું વિશાળ અને ભવ્ય અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરાવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ એ માત્ર ભારત કે ગુજરાતના નહિ પરંતુ વિશ્વવંદનીય સંત છે.”

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું, “આ દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમુખસ્વામી મહારાજ માટે કરવામાં આવ્યું છે કારણકે તેમના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા પરોપકારની ભાવના સાથે જીવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતના વિકાસમાં અનોખું યોગદાન આપ્યું છે.

જ્યારે જ્યારે રાજ્યમાં મુશ્કેલી આવી ત્યારે તત્કાળ મોટા પાયે રાહતકાર્યો કર્યા છે. નર્મદા યોજનાની પરિપૂર્તિ માટે પ્રમુખસ્વામી મહારાજે નિઃસ્વાર્થ ભાવે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. યોગીજી મહારાજ જ્યારે જ્યારે નર્મદા નદી પરથી પસાર થતા ત્યારે નર્મદા યોજના માટે પ્રાર્થના કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતમાં અનેક વિદ્યાધામ બનાવીને બાળકોમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કર્યું છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.