“BAPSએ ચારિત્ર્ય યુક્ત સમાજના નિર્માણ કરીને ભારતના ભવિષ્યને ઉજ્જવલ બનાવી રહ્યા છે.”: પદ્મશ્રી ટી. વી. મોહનદાસ પાઇ
વ્યક્તિ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષણના મહત્ત્વથી પ્રમુખસ્વામી મહારાજ સુપરિચિત હતા. તેમાં પણ સંસ્કાર યુક્ત શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે તેમણે વિરાટ કાર્ય આદર્યું હતું. બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાની વિશ્વસ્તરે ફેલાયેલી અનેક શિક્ષણસેવાઓ વિદ્યાર્થીઓમાં લક્ષણયુક્ત શિક્ષણનું સિંચન કરે છે.
૧૯૬૫ માં વિદ્યાનગર ખાતે પ્રથમ છાત્રાલયની સ્થાપનારૂપી શિક્ષણપ્રવૃત્તિનું નાનું બીજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિશાળ વટવૃક્ષ બની ગયું છે.
મણિપાલ ગ્લોબલ એજ્યુકેશન (મણિપાલ યુનિવર્સિટી)ના ચેરમેન શ્રી પદ્મશ્રી ટી. વી. મોહનદાસ પાઇએ જણાવ્યું, “આજે સમાજ અનેક તકલીફોની સામનો કરી રહ્યું છે ત્યારે તેનો ઉકેલ ભારતીય સનાતન સંસ્કૃતિ અને વારસામાં રહેલો છે. ભારત ફરીથી વિશ્વગુરુ તરફ અગ્રેસર થઈ રહ્યું છે
તેનો શ્રેય ભારતીય સંસ્કૃતિ અને પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંતોને જાય છે, કારણકે તેઓ સમાજના શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને આ બી. એ પી.એસ સંસ્થા એ ચારિત્ર્ય યુક્ત સમાજના નિર્માણ કરીને ભારતના ભવિષ્યને ઉજ્જવલ બનાવી રહ્યા છે.”
જગન્નાથ મંદિરના ચેરમેન શ્રી ગજપતિ મહારાજ દિવ્યસિંગ દેવજીએ કહ્યું,
“પ્રમુખસ્વામી મહારાજે ભૌતિક શિક્ષાની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેનાથી સંસ્કાર અને ચારિત્ર્ય યુક્ત સમાજનું નિર્માણ થઇ રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આદર્શ મનુષ્યની સાથે સાથે આદર્શ નાગરિકનું પણ નિર્માણ કરી રહ્યા છે. ઇસ્લામિક દેશમાં પણ સ્વામિનારાયણ હિન્દુ મંદિર નિર્માણ માટે પરવાનગી મળવી એ આપણાં માટે ગૌરવની વાત છે. ઓરિસ્સામાં વાવાઝોડું આવ્યું હતું ત્યારે પ્રમુખસ્વામી મહારાજે ત્યાં આવીને રાહતકાર્યો કર્યા હતા તેના માટે હું તેમની ઋણી છું.”
BAPSના વરિષ્ઠ સંત પૂજ્ય ડૉક્ટર સ્વામીએ જણાવ્યું,
“ શિલમ પરમ જ્ઞાનમ” અર્થાત્ ચારિત્ર્ય એ પરમ જ્ઞાન છે. પ્રમુખસ્વામી મહારાજનું જીવન ઉચ્ચ હતું અને પ્રેરણાદાયી હતું. માતા પિતા જાગૃત થાય તો આદર્શ બાળકનું સર્જન થઈ શકે છે.”
આદિ ચુનચુનગિરિ મઠના પ્રમુખ પરમપૂજ્ય જગદગુરુ શ્રી શ્રી શ્રી નિર્મલાનંદજી મહારાજે જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ પ્રમુખસ્વામી મહારાજ નગર દર્શન કરીને હું ખૂબ ખૂબ અભિભૂત થયો છું. થોડા વર્ષો પહેલા સારંગપુર મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજના દર્શન થયા હતા તે મારું સૌભાગ્ય હતું. દરેક માનવીનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે તે માત્ર સંસ્કાર યુક્ત શિક્ષણ દ્વારા સંભવ છે.
માનવીના જીવનમાં અનેક પ્રશ્નો છે અને દરેક પ્રશ્નોનો ઉકેલ ખુદને ઓળખી લેવું તે જ છે. પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા ૧૦૦૦ થી વધુ મંદિરો એ માનવ ચેતનાના મંદિરો છે જે સમાજને આદર્શ અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપે છે. પ્રમુખસ્વામી મહારાજે આજથી ૧૦ વર્ષ પહેલાં આપેલી માળા મારા માટે ઊર્જાનો ઉત્તમ પ્રેરણા સ્ત્રોત છે.”
અંતમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ કહેતા “ચારિત્ર્ય વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે અને ચારિત્ર્ય સાથેનું શિક્ષણ રક્ષણ કરે છે અને તે દેશનું રક્ષણ કરે છે. શિક્ષણમાં ચારિત્ર્ય ભળે તો સોનામાં સુંગધ ભળે.
શિક્ષણની કિંમત ચારિત્ર્ય થી છે માટે આવું સંસ્કારયુક્ત શિક્ષણ સૌને મળે તે માટે યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે છાત્રાલયો અને ગુરુકુળની સ્થાપના કરી છે.”