સુરીનામના રાષ્ટ્રપતિએ BAPSના મહંત સ્વામીના લીધા આશીર્વાદ
સુરીનામના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ પ્રમુખસ્વામી મહારાજ નગરની લીધી મુલાકાત-પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહંત સ્વામી મહારાજના લીધા આશીર્વાદ
ગુજરાતની મુલાકાતે પધારેલા સુરીનામ દેશના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ અમદાવાદમાં એસપી રિંગ રોડ સ્થિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત કરી હતી કરી હતી. BAPS સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામીએ મુખ્ય દ્વાર પાસે તેમને આવકાર્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં નિર્માણ પામેલી પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટની વિશાળ પ્રતિમા સમક્ષ તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી. સાથોસાથ અહીં નિર્માણ પામેલી દિલ્હી અક્ષરધામની રેપ્લિકા પર પહોંચીને તેમણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજ નગરના વિવિધ આકર્ષણો તેમણે નિહાળ્યા હતા. અહીં શ્રી સંતોખીએ બાળકો અને હાજર મુલાકાતીઓનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ તેમણે લીધા હતા.
પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદજીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ઉપસ્થિત સંતો હરિભક્તોએ તેમને ભાવસભર વિદાય આપી હતી.