BAPS: 10 દેશોના 170 કરતાં વધુ બાળકો-યુવાનો દ્વારા ભક્તિ સંગીતની પ્રસ્તુતિ
૪ અને ૧૨ જાન્યુઆરીએ ‘સિમ્ફની’ કાર્યક્રમમાં ૧૯ દેશોના ૧૫૦ બાળકો-યુવાનો ૩૩ વિવિધ ભારતીય વાદ્યો સાથે રજૂ કરશે ભક્તિસંગીત
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અમદાવાદ અને આસપાસના ગામોમાં અક્ષરપુરુષોત્તમ સંગીતવૃંદ દ્વારા ૧૦૦ કીર્તન આરાધનાનું આયોજન થયું
સમાજ કલ્યાણની ૧૬૦ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરીને પ્રમુખસ્વામી મહારાજે વિશ્વસ્તરે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પોતાની આધ્યાત્મિક ચેતના દ્વારા રાષ્ટ્રના નૈતિક ઉત્થાન માટે આજીવન પ્રયત્નશીલ તેમની પ્રવૃત્તિઓનો આધાર ભગવાન હતા. ભગવાનની કથા અને અને કીર્તનના તેઓ પરમ અનુરાગી હતા. તેઓ વારંવાર કહેતા: કથા અને કીર્તન તો આત્માનો ખોરાક છે.
તેમના આ સંદેશને અનુસરીને વિશ્વસ્તરે BAPSના ૨૦૦૦૦ સત્સંગ મંડળોમાં વર્ષભર હજારોની સંખ્યામાં ભક્તિસંગીતના કાર્યક્રમો થયા, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો અને ભાવિકોએ લાભ લીધો.
તેઓના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘અક્ષર અમૃતમ્’ વિશિષ્ટ એપ્લિકેશન બનાવવામાં આવી, જેમાં કુલ 2000 કરતાં વધારે કીર્તન, 900 કરતાં વધુ કથા અને 6000થી વધુ ઓડિયો બુક્સ ટ્રેકસ વગેરે મળીને આશરે 9000 જેટલા ઓડિયો ટ્રેક્સ નિ:શુલ્ક ઉપલબ્ધ છે.
સંધ્યા કાર્યક્રમ:
આજે સાંજે બી. એ. પી. એસ. બાળ-યુવા સંગીતવૃંદ દ્વારા કીર્તનભક્તિની વિશિષ્ટ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાંજે ૫.૦૦ વાગ્યે કાર્યક્રમનો આરંભ થયો, જેમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવનને વર્ણવતાં સુમધુર ભક્તિપદોનું શ્રવણ કરીને સૌ ગુરુભક્તિમાં ગરકાવ થયા હતા.
આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ યુનિવર્સિટીના સ્થાપક અને કુલપતિ પદ્મવિભૂષણ જગદ્ગુરુ શ્રી રામભદ્રાચાર્યજીએ જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજની સૌથી સારી વિશેષતા હતી: તેમનું મુખ પ્રસન્નતાનું ઘર છે. તેમનું હૃદય કરુણાથી ભરેલું છે. તેમનું વાણી અમૃત સ્વરૂપ છે. તેમનું કાર્ય માત્ર પરોપકાર નું જ હતું. પ્રમુખસ્વામી મહારાજનો સંદેશો હતો કે ભગવાન ભજો અને બીજાને ભજાવો માટે આપણે પણ તેમના જીવનમાંથી આ ગુણની પ્રેરણા લઇએ.હું ભગવાનનો દાસ છું અને ભગવાન મારા સ્વામી છે જો આ વાત જીવનમાં ઉતારી લઈશું તો ચોક્કસ આ જ જન્મે મોક્ષ પ્રાપ્ત થઈ જશે.”
ડી. વાય. પાટિલ ગ્રુપના પ્રમુખ, પદ્મશ્રી ડૉ. સંજય પાટિલે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે સમાજને ખુશી અને પ્રેમ આપ્યો છે અને તેઓ ઊર્જાનો પ્રેરણા સ્ત્રોત હતા. ભગવાન અને માતાપિતાના આશીર્વાદ વગર જીવનમાં કોઈ જ સફળતા મળતી નથી, વર્ષના પ્રથમ દિવસે આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને આપ સૌના આશીર્વાદ મળ્યા એટલે ચોક્કસ સફળતા મળશે.”
અન્ય ઉપસ્થિત મહાનુભાવો
-શ્રી રાજેશ માનસિંઘ, મેયર-બિરગંજ મેટ્રોપોલિટન સિટી, નેપાળ
-શ્રી અશોકકુમાર બૈધ્ય, ગુડવિલ એમ્બેસેડર, બિરગંજ મેટ્રોપોલિટન સિટી, નેપાળ
-શ્રી આનંદ અસ્કરાન શર્મા, વિખ્યાત સંગીતકાર
-શ્રી સંદીપ કુલકર્ણી, વિખ્યાત વાંસળીવાદક, (આજની કીર્તન આરાધનામાં વાંસળી વાદન કરનાર)
-શ્રી પરેશ શાહ, વિખ્યાત સંગીતકાર, (પ્રમુખસ્વામી મહારાજ નગરમાં બાળનગરીમાં પ્રદર્શનોમાં સંગીત આપનાર)
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું, “ યોગીજી મહારાજ કહેતા કે,’કીર્તન ભક્તિ એ મારું અંગ’ માટે આ સૌ બાળકો યુવકો યોગીજી મહારાજના અંગ બની ગયા અને આજે તેઓ બહુ રાજી થતા હશે. બાળકો યુવકોમાં ઘણી શક્તિ છે તેને પ્રમુખસ્વામી મહારાજે યોગ્ય દિશામાં વિકસાવી છે.”