દારૂડિયા યુવકે રાજાપાઠમાં આવી મોડી રાતે બાપુનગર પોલીસ સ્ટેશન માથે લીધું
યુવકનો નશો ના ઊતર્યાે ત્યાં સુધી તે પોલીસના માથાનો દુઃખાવો બની ગયોઃ પોલીસે કાયદાનું ભાન કરાવવા યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યાે
અમદાવાદ, ગુજરાતમાં દારૂબંધીના દાવા કરતી પોલીસના ધજાગરા ઉડાડતો એક કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે એક યુવકે દારૂના અડ્ડા પર ચિક્કાર દારૂ પીધો અને બાદમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી મારીને ધમાલ મચાવી દીધી.
લઠ્ઠાકાંડ બાદ દારૂના અડ્ડા બંધ થઇ ગયા હોવાનો દાવા પોલીસ કરી રહી છે ત્યારે શુક્રવારે પોલીસ સ્ટેશનમાં દારૂ પીને એક યુવક ઘૂસી જતાં ચકચાર મચી ગઇ છે. યુવકનો નશો ઉતર્યાે નહીં ત્યાં પોલીસ કર્મચારીઓ માટે તે માથાનો દુઃખાવો બની ગયો હતો. યુવકે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને ગાળો બોલીને બીભત્સ વર્તન કર્યું હતું.
પોલીસ કોન્સ્ટેબલ જયંતીભાઈએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નરેશ સુમેસરા વિરૂદ્ધ દારૂ પીને ધમાલ મચાવવા મામલે ફરિયાદ કરી છે. શુક્રવારે જયંતીભાઈ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર હતા ત્યારે એક યુવક ચિક્કાર દારૂ ઢીંચેલી હાલતમાં આવ્યો હતો અને આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું. પોલીસે દારૂડિયાને કાયદાનું ભાન કરાવવા માટે તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરીને લોકઅપમાં પૂરી દીધો હતો.
જયંતીભાઈએ કરેલી ફરિયાદના આક્ષેપ મુજબ બાપુનગર વિસ્તારમાં આવેલા આનંદ ફ્લેટમાં રહેતા નરેશ સુમેસરાએ શુક્રવારે દારૂના અડ્ડા પરથી દારૂ પીધો હતો અને બાદમાં તે ભાન ભૂલતાં પોલીસ સ્ટેશનમાં આવી ચઢ્યો હતો. નરેશ રાજાપાઠમાં આવી ગયો હોવાથી તેણે પોલીસ સ્ટેશનની અંદર આવીને પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડવાની શરૂ કરી હતી
અને બાદમાં બીભત્સ વર્તન કરીને પોલીસ કર્મચારીઓને હેરાન પરેશાન કર્યા હતા. રાતે સવા દસ વાગ્યાની આસપાસ નરેશે પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી મારી હતી અને ઈન્વેસ્ટિગેશન રૂમની પાસે આવીને રીતસરની ધમાલ મચાવી હતી. નરેશ લથડિયાં ખાતો હતો અને લવારી કરતો હતો જેથી પોલીસ કર્મચારીએ તેને ઝડપી પાડ્યો હતો.
નરેશના મોઢામાં તીવ્ર વાસ મારતી હોવાથી તેને ચેકઅપ માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેણે દારૂ પીધા હોવાનું સામે આવ્યું હતું. જયંતીભાઈએ નરેશ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર નરેશને લોકઅપમાં પૂરી દીધા બાદ પણ તેની લવારી ચાલુ જ હતી જેના કારણે પોલીસ કર્મચારીઓ પણ ત્રાસી ગયા હતા.
નશો ઉતરે નહીં ત્યાં સુધી નરેશ પોલીસ કર્મચારી માટે માથાનો દુખાવો બની ગયો હતો. નરેશ કયા અડ્ડા પરથી દારૂ ઢીંચીને આવ્યો છે. તે મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.