શિયાળો શરૂ થતાં જ તસ્કરો બેફામ-બાપુનગરમાં ૫.૪૯ લાખની ઘરફોડ ચોરી
અમદાવાદ, શિયાળામાં કાતિલ ઠંડીની જેમ જેમ શરૂઆત થશે તેમ તેમ ભૂગર્ભમાં સંતાયેલા તસ્કરો બહાર નીકળશે. શિયાળામાં લોકો મીઠી નીંદર માણતા હોય છે ત્યારે તસ્કરો ચોરી કરવા માટે ત્રાટકતા હોય છે. હાડ થીજાવતી ઠંડીમાં તસ્કરો મોડી રાતે પોતાનો શિકાર શોધવા માટે નીકળે છે અને ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઇ જાય છે. શહેરમાં ચોરીની ઘટનાઓને રોકવી એ પોલીસ માટે એક મોટો પડકાર છે, જેમાં તે હંમેશા સફળ રહેતા હોય છે.
ચોરી કરવામાં તસ્કરો સફળ થાય નહીં તે માટે પોલીસ દ્વારા માઈક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પોલીસ જ્યારે તસ્કરોને રોકવાનો પ્લાન કરી રહી છે ત્યારે બાપુનગર વિસ્તારમાં ૫.૪૯ લાખ રૂપિયાની મત્તાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. બાપુનગરમાં થયેલી ચોરી બાદ તસ્કરોએ પુરવાર કરી દીધું છે કે તે શહેરના કોઈ પણ વિસ્તાર અને મકાનમાં ચોરી કરી શકે છે.
શિયાળામાં તસ્કરો પોશ વિસ્તારને ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. પરંતુ હવે તેવું નથી રહ્યું, કારણ કે તસ્કરો શહેરના કોઈ પણ વિસ્તારમાં જઈ ચોરી કરીને ફરાર થઈ જાય છે. બાપુનગર વિસ્તારમાં આવેલી હર્ષદ કોલોનીના વિભાગ-૧ના મકાન નંબર ડી-૬માં રહેતા સંજય ઘિનૈયાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. સંજય મૂળ અમરેલી જિલ્લામાં આવેલા તરકતળાવ ગામનો વતની છે અને છેલ્લા ઘણા સમયથી તેના પરિવાર સાથે બાપુનગર ખાતે રહે છે. સંજય તેની પત્ની અને બાળકો સાથે પહેલા માળે રહે છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર તેનો ભાઈ દિલીપ પરિવાર સાથે રહે છે. સંજય નિકોલ ખાતે આવેલા હરેકૃષ્ણ કોમ્પ્લેક્સમાં કપડાંની દુકાન ધરાવીને ધંધો કરે છે. દિવાળીનો તહેવાર હોવાથી સંજય સંયુક્ત પરિવાર સાથે અમરેલી તહેવાર ઊજવવા માટે ગયો હતો.
ગઈ કાલે સંજયનો ભત્રીજો સાહિલ અમરેલીથી પરત આવ્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોયો હતો. સાહિલે તરત જ તેના પરિવારને ફોન પર જાણ કરી દીધી હતી. ઘરનો દરવાજો ખુલ્લો હતો અને લોક તૂટેલું હતું. જેથી સાહિલને ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી. સંજય સહિતનો પરિવાર તરત જ અમરેલીથી પોતાના ઘરે આવી ગયો હતો. ઘરે આવીને જોયું તો દાગીના તેમજ રોકડ રકમની ચોરી થઈ હતી.
તસ્કરોએ કોઈ સાધન વડે મુખ્ય દરવાજાનું લોક તોડી નાખ્યું હતું. ત્યારબાદ દિલીપના રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ તસ્કરોએ લોખંની તિજોરીનું લોક તોડી નાંખ્યુ હતું અને તેમાં રહેલા ૨.૭૫ લાખ રોકડા તેમજ ૨.૭૪ લાખના દાગીનાની ચોરી કરી લીધી હતી. સંજયે તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી. બાપુનગર પોલીસ સીધી સંજયના ઘરે પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો.
બાપુનગર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને તસ્કરો સુધી પહોંચવા માટે એફએસએલ તેમજ ડોગ સ્કવોડની મદદ લેવાઈ છે. પોલીસે નજીકના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કરી દીધું છે, જ્યારે આ ચોરી મોડી રાતે થઈ હોવાનું પોલીસ માની રહી છે.
તસ્કરો તમામ જગ્યાએ ચોરી કરવા માટે પહોંચી જાય છે એટલે પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. શિયાળો શરૂ થતાંની સાથે જ પોલીસ દ્વારા વિવિધ સોસાયટીની મુલાકાત લેવાનું શરૂ થઈ ગયું છે. પોલીસ સોસાયટીમાં જઈને સિક્યોરિટી ગાર્ડ અને રહીશો સાથે મિટિંગ કરી રહી છે.
સિક્યોરિટી ગાર્ડને જાગતા રહેવાની સૂચના અપાઈ છે, જ્યારે રહીશોને પણ મોડી રાતે સતર્ક રહેવા માટે સમજાવાયું છે. આ સિવાય સોસાયટીમાં બંધ રહેલા સીસીટીવી કેમેરા કાર્યરત કરવાનું પણ કહેવાયું છે,જ્યારે જે સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા ના હોય ત્યાં નવા ઈન્સ્ટોલ કરવા માટે કહ્યું છે.
નવી પોલીસ કમિશનર ક્ચેરીમાં હાઈટેક પોલીસ કંટ્રોલરૂમ બનાવાયો છે. શહેરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ મોડી રાતે શહેરમાં લટાર મારવા નીકળશે તો પોલીસ કંટ્રોલરૂમમાં તરત જ ખબર પડી જશે.
પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ મોડી રાતે શહેરનું મોનિટરિંગ કરશે અને જરૂર પડશે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરવામાં આવશે. શહેરના ખૂણે-ખૂણે હાઈડેફિનેશન અને નાઈટ વિઝનના સીસીટીવી કેમેરા લગાવેલા છે, જેના આધારે પોલીસ કર્મચારીઓ અમદાવાદનું મોનિટરિંગ કરશે.