નાની ઓરડીમાં રહેતા વિદ્યાર્થીએ નીટની પરીક્ષા પાસ કરી
જયપુર: રાજસ્થાનના બાડમેર જિલ્લામાં (Badmer district of Rajasthan India) રણપ્રદેશમાં આવેલું છે ૮-૧૦ ઘરનું એક સાવ નાનું ગામ. આમ તો તેને ગામ કહી શકાય કે કેમ તે પણ એક સવાલ છે, પરંતુ હાલ અહીં ખુશીનો માહોલ છે. કારણકે, પહેલીવાર ગામનો કોઈ છોકરો ડૉક્ટર બનવા જઈ રહ્યો છે.
આ ગામના લક્ષ્મણ કુમાર (Laxman Kumar NEET) નામના વિદ્યાર્થીએ નીટની પરીક્ષા પાસ કરીને દેશમાં ૩૭૨૭મો રેન્ક મેળવ્યો છે. મતલબ કે, હવે તેને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જશે. લક્ષમણ ભલે આ એક્ઝામનો રેન્કરના બન્યો હોય, પરંતુ તેણે કારમી ગરીબીમાં રહીને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે ચમત્કારથી કમ નથી.
એક રુમના નાનકડા મકાનમાં રહેતા લક્ષમણને ચાર ભાઈબહેન છે. તે નાનો હતો ત્યારે જ તેના પિતાનું મોત થયું હતું. જેના કારણે આ ગરીબ પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો. સૌથી મોટો હોવાના કારણે હવે પરિવારની જવાબદારી લક્ષ્મણ પર હતી.
લક્ષ્મણ ભણવામાં હોશિયાર હતો, છતાંય તે અભ્યાસ છોડી મજૂરી કરવા ગુજરાત જવાની તૈયારીમાં જ હતો. જોકે, લક્ષ્મણની ભણવાની ધગશ જોઈ તેનો નાનો ભાઈ આગળ આવ્યો, અને પરિવારનું પેટ પાળવા મજૂરી કરવા ગુજરાત ચાલ્યો ગયો. લક્ષ્મણ જણાવે છે કે, જો નાના ભાઈએ તે વખતે આટલો મોટો ર્નિણયના લીધો હોત
તો તેની પાસે ભણવાનું છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. પરિવાર મોટો હતો, અને ભાઈની આવક ટૂંકી હતી. જેથી લક્ષ્મણને પણ નાનું-મોટું કામ કરી પોતાના ખર્ચા કાઢવા પડતા હતા. તેની માતાએ પણ ૪-૫ બકરી રાખી હતી, અને તેના દૂધના વેચાણમાંથી તેમને થોડાઘણા રુપિયા મળી જતા હતા. ૨૦૧૮માં સરકારી સહાય દ્વારા પાક્કું ઘર ના બન્યું ત્યાં સુધી તો માટીના ઘરમાં રહેતો હતો. લક્ષ્મણની સ્કૂલ પણ ગામથી ૮ કિલોમીટર દૂર હતી. તે માત્ર દિવસે જ અભ્યાસ કરી શકતો, કારણકે તેના ગામમાં વીજળી પણ છેક ૨૦૧૯માં આવી હતી.
રાત્રે દિવો કરી વાંચતો ત્યારે માખી અને મચ્છરનો અસહ્ય ત્રાસ સહન કરવો પડતો. પરીક્ષાના દિવસોમાં તેની માતા તેને શરીર પર તેલ લગાડી આપતી, જેથી તેને રાત્રે વાંચતી વખતે મચ્છર ના કરડે.આટલા સંઘર્ષ વચ્ચે પણ લક્ષ્મણ દસમા ધોરણમાં ૯૨ ટકા લાવ્યો, અને બસ ત્યારથી જ તેની જિંદગી બદલાઈ ગઈ. સરકારી ડૉક્ટરો અને અધિકારીઓની એક ટીમ તેને શોધતી આવી, અને તેને નીટના કોચિંગ માટે બાડમેર લઈ જવાની વ્યવસ્થા કરી આપી.