બાવળા તાલુકાના દેવડથલ ગામમાં અનુસૂચિત જનજાતિના લોકો માટે સેનિટેશનને લગતી તાલીમ યોજાઈ

તાલીમમાં અનુસૂચિત જનજાતિના લોકોમાં સેનિટેશનના અભાવના કારણે થતી બીમારીઓ અને તેને અટકાવવાના ઉપાયો વિશેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દેવડથલ ગામમાં આવેલા નવાપુરા ખાતે ટાટા મોટર્સ પ્લાન્ટ, સાણંદ અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ચાલતા IVDP (ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ) પ્રોજેક્ટ હેઠળ અનુસૂચિત જનજાતિના લોકો માટે સેનિટેશન અને સ્વચ્છતાને લગતી તાલીમ યોજાઈ હતી.
દેવડથલ નવાપુરા ગામમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિના લોકોમાં સ્વચ્છતા અને સેનિટેશનના અભાવના કારણે થતી બીમારીઓ જેવીકે, કોલેરા, કમળો, ટાઈફોઈડ, વાળો, ઝાડા, કરમિયા જેવા રોગોના લક્ષણો, તેની ઓળખ, તેનો ફેલાવો વગેરે વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, આ બીમારીઓ અટકાવવાના ઉપાયો વિશેની વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી.
દેવડથલ નવાપુરા ગામના દરેક ઘરમાં શૌચાલય અને બાથરૂમ બનાવીને સ્વચ્છતા અને સેનિટેશન સાથે આરોગ્ય અને પોષણ જાળવી રાખવાના ઉપાયો અને ફાયદાઓ વિશે જણાવીને તાલીમમાં ઉપસ્થિત લોકોને સેનિટેશન જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ તાલીમમાં શ્રમજીવી આરોગ્ય સેવા સહકારી મંડળી લી., અમદાવાદના પ્રમુખ શ્રી કાશીરામભાઈ વાઘેલા અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.