બાવળામાં પનામા ગેસ્ટ હાઉસની અંદર ગેરકાયદેસર ગર્ભપાત કરાવતી નર્સ

બાવળામાં ડિગ્રી વિનાની નર્સે ૧૦-૧૦ હજારમાં અનેક મહિલાઓના ગર્ભપાત કર્યા
(એજન્સી)અમદાવાદ, બાવળામાં આવેલા પનામા ગેસ્ટ હાઉસની અંદર ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્ અને આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહિલા સાથે ગર્ભપાતમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેબ્લેટ સાથે તાજુ ભ્રૂણ પણ મળી આવ્યું છે અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસની ગિરફ્તમાં આવેલી મહિલાનું નામ હેમલતા દરજી છે. હેમલતા દરજી નર્સ છે અને તેણે પોતાની જાણકારીનો દુરુપયોગ કરીને રૂપિયાની લાલચમાં ગર્ભપાતનું કામ કરતી હતી. ગ્રામ્ય એસઓજીની ટીમને માહિતી મળી હતી કે બાવળામાં આવેલા પનામા ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવામાં આવે છે, જેથી આરોગ્ય ટીમને સાથે રાખીને ત્યાં દરોડા પાડવામાં આવતા બાવળાની પનામા ગેસ્ટ હાઉસની અંદર ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવતી એક નર્સ સાથે મહિલાઓ મળી આવી હતી.
મળતી માહિતી પ્રમાણે નર્સ હેમલતા દરજી બાવળા તેમજ ધોળકાની અલગ અલગ હોસ્પિટલની અંદર નર્સ તરીકે કામ કરી ચૂકી છે અને તેને ડોક્ટર સાથે કામ કરવાનો અનુભવ હોવાથી તેણે છેલ્લા બે ત્રણ વર્ષથી આ ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવાનું શરૂ કર્યું હતું.
આરોપી મહિલા પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવાનું પણ સામે આવ્યું, સાથે ગર્ભપાતની દવા આપીને ગર્ભપાત કરતી હોવાનું સામે આવ્યું છે. રૂપિયાની લાલચમાં તેણે એક મહિનાની અંદર બેથી ત્રણ મહિલાના ગર્ભપાત કરતી હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હેમલતા દરજી દ્વારા પહેલા ગર્ભ નિરીક્ષણ કરવામાં આવતું હતું અને ગર્ભ નિરીક્ષણ દરમિયાન ગર્ભની અંદર બાળક છે કે બાળકી તે જાણ્યા બાદ આ ગર્ભપાત કરતી હોવાનું હાલ સામે આવ્યું છે. જોકે માત્ર પનામા ગેસ્ટ હાઉસ જ નહીં પરંતુ આ નર્સ મહિલા દર્દીના ઘરે તેમજ અલગ અલગ ગેસ્ટ હાઉસની અંદર જઈને પણ ગર્ભપાત કરાવતી હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આરોપી એક દર્દી પાસે ૧૦ હજાર કે તેથી વધારે રૂપિયા લેતી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હેમલતા દરજીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ સમગ્ર રેકેટમાં સામેલ લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. મહિલા આરોપીએ અત્યાર સુધી કેટલા લોકોનું ગર્ભપાત કર્યું છે તે માહિતી પણ લેવામાં આવી રહી છે.