ઘરમાં સફાઈ કરવા કામવાળા રાખતાં પહેલા ચેતી જજો
વસ્ત્રાપુરમાં વેપારીના ઘરમાં સફાઇ કરવા આવેલી યુવતી પોણા સાત લાખના દાગીના લઇ ફરાર -સીસીટીવી ફુટેજમાં ચોરી કરનાર યુવતીના દ્રશ્યો મળ્યા, અન્ય કામદારોએ પણ યુવતીને જોઇ, પોલીસે સીસીટીવી ફુટેજ આધારે યુવતીની શોધખોળ હાથ ધરી
અમદાવાદ, વસ્ત્રાપુર વિસ્તારમાં કાપડના વેપારીના ઘરે ગત શનિવારે કામવાળા રજા પર હોવાથી બહારથી કામવાળી બોલાવી હતી તે ઘરમાંથી ૬.૮૬ લાખના સોનાના દાગીના સહિતની મત્તા લઇ ભાગી ગઇ હતી. વેપારીના પરિવારને બહારથી કામવાળી બોલાવવી ભારે પડી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે સોમવારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે સોસાયટીના સીસીટીવી ફુટેજમાં ચોરી કરનાર કામવાળી યુવતી કેદ થઇ ગઇ છે. સીસીટીવી આધારે પોલીસે ચોરી કરનાર યુવતીની શોધખોળ હાથ ધરી છે.
વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કાસા વ્યોમા સોસાયટીમાં ગીતુબેન સુધીરભાઇ કંધારી (ઉ.૪૫) પરિવાર સાથે રહે છે. સુધીરભાઇ સારંગપુર ખાતે આવેલા સુમેલ બિઝનેશ પાર્ક ખાતે કે વી એસ એન્ટરપ્રાઇઝ નામનો સ્ટોર ધરાવી કપડાનો હોલસેલનો વેપાર કરે છે. ગત ૧૭મી ફેબ્રુઆરીના રોજ સવારે દંપતી ઘરે હાજર હતા ઘરે કામવાળા બીમાર હોવાથી તે આવવાના ન હતા.
દરમિયાનમાં સુધીરભાઇ બહાર ગયા હતા અને સિક્યુરિટી ગાર્ડ ચંન્દ્રજીતને જણાવ્યું હતું કે, મારા ઘરે મહેમાન આવવાના હોવાથી કોઇ કામવાળા ધ્યાને આવે તો ઘરે મોકલજો. દરમિયાનમાં સુધીરભાઇ પોતાની દુકાને ગયા હતા. બાદમાં સાડા અગીયાર આસપાસ ૨૫ વર્ષની નીશા નામની યુવતી ગીતુબેનના ઘરે આવી હતી અને જણાવ્યુ કે, સિક્યુરિટી ગાર્ડે તમારા ઘરે કામ કરવા માટે મોકલી આપી છે.
ગીતુબેને જણાવ્યુ કે, થોડા સમય પછી આવ, પરંતુ યુવતીએ જણાવ્યુ કે, મારે ઘરે જવાનું હોવાથી જે કામ હોય તે જલદી મને બતાવી દો. જેથી ગીતુબેને તેને ઘરમાં કચરા પોતું અને વાસણ સાફ કરવાનું કામ જણાવ્યું હતું. યુવતીએ ગીતુબેનને જણાવ્યું કે, મેં તમને ક્યાક જોયા છે ચિંતા ન કરો તમારા ઘરનું બધું કામ હું પતાવી દઇશ. ગીતુબેન રસોડામાં કામ કરતા હતા આ સમયે યુવતી બેડરુમમાં પોતુ કર્યું અને બાદમાં તેનું વોશરુમ સાફ કર્યું હતું.
બેડરુમમાં કામ વ્યવસ્થિત થયું તે જોવા માટે ગીતુબેન પહોચ્યા ત્યારે તો કામવાળી યુવતી નીશા ત્યાથી રફુચક્કર થઇ ગઇ હતી. બહાર જઇ તેના સંપલ જોયા તો તે પણ ન હતા. ગીતુબેને ઘરમાં પોતાનો મોબાઇલ ફોન અને દાગીનાની તપાસ કરી તો તે સામાન પણ મળ્યો ન હતો. જેથી ગીતુબેને સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો અને તે યુવતી અંગે વાત કરી પરંતુ આ યુવતી અંગે તેને પણ કંઇ જાણ ન હોવાથી સોસાયટીના સીસીટીવી ફુટેજની ચકાસણી હાથ ધરી હતી.
યુવતી ઘરમાં સાફસુફાઇ કરવા આવી અને ઘરમાં સોનાની અલગ અલગ દાગીના અને અન્ય ચીજવસ્તુઓ મળી ૬.૮૬ લાખની મત્તા ચોરી કરી ભાગી ગઇ હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે જણાવ્યું હતું કે, યુવતી જ્યારે સીડી ઉતરી ભાગી રહી હતી. તે વખતે સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ગઇ છે. જોકે તે સમયે સોસાયટીમાં કામ કરતા અન્ય બે લોકોએ તેને જોઇ હતી અને તે સમયે તેની પાસેથી વિંટી પડી હતી અને તે લઇને તે ફટાફટ ભાગી ગઇ હતી.