Western Times News

Gujarati News

શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો: ડૉ. બાબા સાહેબ આંબેડકર

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતી – ૨૦૨૩

મારું સામાજિક તત્વજ્ઞાન ત્રણ જ શબ્દોમાં ગૂંથાયેલું છે… સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા: ડૉ. બાબાસાહેબ આંબેડકર

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ઈ.સ.૧૮૯૧માં મધ્યપ્રદેશના મહુ ખાતે થયો હતો. તેઓને બાળપણથી જ શિક્ષણ પ્રત્યે ખૂબ જ રુચિ હતી. તેઓના જ્ઞાન અને અથાક પ્રયત્નોને જોઈને વડોદરાના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા શિષ્યવૃતિ આપવામાં આવી હતી. Be Educated, Organized and Struggle: Dr. Baba Saheb Ambedkar

જેના દ્વારા તેઓ વિદેશ અભ્યાસ કરવા ગયા હતા. વિદેશમાં તેઓ અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય હતા. તેઓએ અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટી માંથી એમ.એ અને પીએચ.ડીની ડીગ્રી પ્રાપ્ત કરી તથા ઇંગ્લેન્ડ માંથી બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આમ તેઓએ વિવિધ વિષયોમાં અનેક ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

એક તરફ દેશ આઝાદીની લડત લડી રહ્યો હતો ત્યાં બીજી તરફ ડો. ભીમરાવ આંબેડકરે સામાજિક સ્તરે ફેલાયેલી  અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માટે અથાક પ્રયત્નો કર્યા હતા. એના માટે  તેઓએ બહિષ્કૃત ભારત, જનતા, સમતા અને મૂકનાયક જેવા પત્રકોની શરૂઆત પણ કરી હતી. જેના દ્વારા લોકોને પોતાના અધિકારો વિશે ખ્યાલ આવ્યો હતો અને શિક્ષણ પ્રત્યે લોકો જાગૃત થયા હતા.

કોલાબા જિલ્લાના મહાડનાં ચવદર તળાવમાં પશુઓને પણ પાણી પીવા માટે પ્રવેશ મળતો હતો પરંતુ પછાત વર્ગના એ સમયે અછૂત ગણાતા લોકોને પાણી પીવાની મનાઈ હતી. ત્યારે આંબેડકર દ્વારા ૨૦ માર્ચ ૧૯૨૭ની વહેલી સવારે લગભગ પાંચ હજાર લોકોને સાથે લઈને મહાડ સત્યાગ્રહ કર્યો હતો અને અસ્પૃશ્યતા નાબૂદ કરી જીત હાંસલ કરી હતી, સાથે સાથે ડો. બાબા સાહેબ આંબેડકરે ભાખરા-નાંગલ ડેમ પ્રોજેક્ટ, શોણ-

રીવર વેલી પ્રોજેક્ટ અને હીરાકુંડ ડેમ પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા. જેના દ્વારા દેશના છેવાડાના ઘણા ગામડાઓ સુધી લોકોને પીવાનું પાણી પ્રાપ્ત કરાયું હતું.

ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા અનેક પુસ્તકો લખાયા હતા જેમાંથી *ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન* માં રજૂ કરાયેલા વિચારોમાંથી જ ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ છે સાથે સાથે તેઓ ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર એકમાત્ર ભારતીય હતા. જેના દ્વારા તેઓએ ભારતમાં સ્ત્રીઓને શિક્ષણ આપવાની બાબતને મહત્વ આપ્યું હતું.

તેઓએ ઓગસ્ટ ૧૯૩૬માં સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી હતી. તેનાં દ્વારા પ્રોવિડન્ટ ફંડ, હક રજાઓ, મજુર અને નોકરી કરતી સ્ત્રીઓની પ્રસુતિ વખતની રજાઓ વગેરે નિયમોનો તેમના દ્વારા અમલ કરવામાં આવ્યો હતો અને આજે પણ આપણે સૌ તેનો ઉપયોગ કરીએ છીએ.

તેઓ ભારતની વચગાળાની સરકારમાં ભારતીય બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ તરીકે નિમાયા હતા. તેમણે બંધારણમાં દરેક સ્તરોને ધ્યાનમાં રાખી તમામ લોકોનો વિકાસ થાય તે અંગેની બાબતોનો ઉલ્લેખ કર્યો છે અને તેમના અને બંધારણ સમિતિના અથાક પ્રયત્નોને કારણે  આપણે સૌને વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ પ્રાપ્ત થયું છે.

જે આપણા સૌ માટે ગર્વની બાબત છે. તેઓ ભારતને આઝાદી મળ્યા બાદ દેશના સૌ પ્રથમ કાયદામંત્રી બન્યા હતા અને વિવિધ બિલ પસાર કરી ભારતમાં કાયદાકીય સુવિધાઓને વિકસાવી હતી.

ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘણા સૂત્રો આપવામાં આવ્યા છે જેમાં “મારું સામાજિક તત્વજ્ઞાન ત્રણ જ શબ્દોમાં ગૂંથાયેલું છે… સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા” એ જ રીતે  “શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો” જેવા સૂત્રો આપી લોકોને શિક્ષિત કરવા તેમણે અનેક પ્રયત્નો કર્યા હતા અને તેમના જ અથાક પ્રયત્નોને કારણે આજે દેશમાં શિક્ષણનું સ્તર પણ ઊંચું આવ્યું છે.

આજે કેન્દ્ર સરકાર દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના માનમાં પાંચ સ્થળોને પંચતીર્થ તરીકે વિકસીત કરવામાં આવ્યા છે. ૧) મહુ મધ્ય પ્રદેશ- જન્મભૂમિ, ૨) નાગપુર મહારાષ્ટ્ર – શિક્ષણ મેળવ્યું તે સ્થળ, ૩) ડો. બાબા સાહેબ આંબેડકર મેમોરીયલ (યૂ.કે લંડન), ૪) દિલ્હી- મહાનિર્વાણ ભૂમિ, અને ૫) મુંબઈ- ચૈત્ય ભૂમિ. આમ, આ સ્થળો પર આજે દેશ અને વિદેશના અનેક લોકો પર્યટન કરી આંબેડકરના જીવન વિશે વિવિધ માહિતી મેળવી તેમને નજીકથી જાણવાનો અનુભવ કરે છે.

ડો. બાબાસાહેબ આંબેડકરની યાદમાં રાજ્યસરકાર દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના લોકોના વિકાસ માટે શિષ્યવૃત્તિ સહાય, ગણવેશ સહાય, વિદેશ-અભ્યાસ લોન, કુંવરબાઈનું મામેરુ યોજના, આંબેડકર આવાસ યોજના, સમરસ હોસ્ટેલ, સરસ્વતી સાધના સહાય જેવી વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના દ્વારા અનેક લોકોનો વિકાસ શક્ય બન્યો છે.

ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના આ દિવસને  સમરસતા દિવસ અને વર્લ્ડ નોલેજ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. (-મિતેષ સોલંકી પ્રાદેશિક માહિતી વિભાગ અમદાવાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.