ભાજપ હોય કે કોંગ્રેસ આ ગામમાં કોઈ કરી શકતું નથી ચૂંટણી પ્રચાર
રાજકોટ, ગુજરાતમાં એક એવું ગામ કે જ્યાં આઝાદી પછી ચૂંટણી જ કરવામાં નથી આવી.આવુ એટલા માટે કારણ કે ગામમાં સરપંચની પસંદગી ગામ દ્વારા સમરસતાથી કરવામાં આવે છે. આ ગામમાં કોઈ પક્ષના લોકો આવીને પ્રચાર કરી શકતા નથી.
કારણ કે આ ગામમાં ચૂંટણી પ્રચાર કરવા પર રોક છે. પરંતુ ગામના લોકો માટે મતદાન કરવું ફરજિયાત હોય છે. આ ગામનું નામ રાજસમઢિયાળા છે. જે રાજકોટથી ૨૨ કિલોમીટરના અંતરે આવેલું છે. રાજસમઢિયાળા ગ્રામ પંચાયતે જુદા જુદા નિયમો બનાવ્યા છે.
આ નિયમોના ઉલ્લંઘન બદલ ગ્રામજનોને દંડ ભરવો પડે છે. જેમા મતદાન ન કરનાર વ્યક્તિને ૫૧ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જેથી દરેક ચૂંટણી સમયે આ ગામમાં ૧૦૦ ટકા મતદાન થાય છે. આ ઉપરાંત અહીંની લોક અદાલત જ ગ્રામજનો માટે સુપ્રિમ છે.
પરંતુ આ ગામની એક ખાસિયત છે કે, અહિં છેલ્લા ૪૦ વર્ષથી કોઈ ગુનો નોંધાયો નથી. આ ગામને રાજ્યનું આદર્શ અને સ્વચ્છ ગામ માનવામાં આવે છે. રાજસમઢિયાળા ગામની બાજુમાં આવેલા સરધાર ગામના વતની નીતિનભાઈ ઢાંકેચાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૫૦ વર્ષથી રાજસમઢિયાળા ગામ સાથે જોડાયેલા છીએ. રાજસમઢિયાળા ગામના નિયમો હરદેવસિંહ જાડેજાએ બનાવેલા છે.
આ ગામનો વિકાસ તેમણે બનાવેલા નિયમોને આભારી છે. કારણ કે આ નિયમોના કારણે ગ્રામજનો ગેરમાર્ગે દોરાઈ જતા નથી. પરિણામે તેઓ શાંતિથી રહી શકે છે.
ચૂંટણી દરમિયાન ગામના માહોલ વિશે વાત કરતા નીતિનભાઈ જણાવે છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન નાના નાના ગામમાં બે પક્ષો જ્યારે પોતાનો પ્રચાર કરવા માટે આવે છે.
જેને લઈને ગામમાં કજિયા-કંકાસ થાય છે. આ વાદ-વિવાદ ચૂંટણી પુરી થયા પછી પણ એમનો એમ જ રહે છે. જેથી ગામની શાંતિ ડહોળાય છે. જેથી આ ગામમાં કોઈપણ પ્રકારની પાર્ટી માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મારૂં માનવું છે કે, જો ગામને વિકસિત કરવું હોય તો રાજસમઢિયાળા ગામ જેવા નિયમો દરેક ગામમાં હોવા જોઈએ.SS1MS