અહેસાન કરો પણ અહેસાનમંદ ન બનો
ઉપકાર કરી ઉપકારી બનો પરંતુ કોઈના ઉપકારનાં બોજા હેઠળ ન દબાવું જાેઈએ. કોઈના પર ઉપકાર કરવાથી માનવીને ઘણો આત્મસંતોષ મળે છે તથા કોઈ શુભ કર્મ કર્યાનો આનંદ મળતો હોય છે. અલબત્ત ઉપકાર કરી કોઈને મદદ રૂપ બનવું જાેઈએ અને ઉપકાર કરી જગજાહેર
કરવું તો ન જાેઈએ. કેટલાક માણસોને પોતાના કામ ગણાવવાની આદત હોય છે. કોઈનું કામ જાે કરી આપે તો વારંવાર એ બીજા લોકોને પોતે કરેલા તે કામની યાદ આપ્યા કરે છે. ઉપકાર કરો પણ દેખાડો નહિ. એ તો ધર્યો દંભ જ છે.
ડાબે હાથે દાન કર્યું હોય તે જમણા હાથને પણ ખબર પડવી ન જાેઈએ. ઓછું બોલી કામ વધારે કરવાનો સિદ્ધાંત અપનાવો જાેઈએ. ઉપકાર કરવામાં કોઈ પણ જાતની અપેક્ષા તો રાખવી ન જાેઈએ. ઉપકાર એ તો માનવીની સદ્ ભાવના જ ગણાય છે ઉપકારનો બદલો તો મળી જ રહે છે.
ફરજ સમજીને લોકો એક બીજાને મદદરૂપ બનશેતો દુનિયામાં પ્રેમ ભાવ પણ વધશે. દુશ્મનનું અહિત કરવાના વિચાર કરવા કરતા તેને ઉપકારથી વશ કરવો જાેઈએ.
જાે શક્તિ હોય તો કોઈનું કામ કરી છૂટવું જાેઈએ કે કોઈને સાચું માર્ગદર્શન આપવું જાેઈએ. પોતાનાથી કોઈ વસ્તુ થઈ શકતી હોય અને પોતે પોતાનું કામ કરવાને શક્તિમાન હોય તો ઉપકાર નીચે આવવું ન જાેઈએ. જીવનમાં એક જ સિદ્ધાંત હોવો જાેઇએ કે ‘મારે બધા પર ઉપકાર કરીને આત્મ સંતોષ મેળવી મારા જીવનને સુખી બનાવવું છે, પરંતુ મારે કોઈનાં ઉપકાર હેઠળ તો આવવું જ નથી.
પરંતુ આજકાલ પોતાના પર ઉપકાર કરનારને લોકો વિસરી જાય છે અને લોકો તે ઉપકારી પર કેવો બદલો વાળે છે.
વિદ્યા દેનાર વિદ્યાગુરુ, ધર્મનાં સિદ્ધાંતોની સમજ આપનાર ધર્મગુરુ, જન્મ આપનાર જન્મદાતા રૂપી મા-બાપને લોકો વિસરી જાય છે અને આજે લોકો મનમાં એમ સમજતા થયા છે કે એમાં નવાઈ શી કરી, એ તો એમની ફરજ છે.
કોઈને કોઈ રીતે બીજાને મદદરૂપ થવાથી પોતાને સુખ મળે છે. કુદરતનો નિયમ એવો છે કે કામનો બદલો મળ્યા વિના રહેતો નથી. બીજા પર ઉપકાર કરવાથી માનસિક શાંતિ પણ મળે છે. નિસ્વાર્થ ભાવથી મદદ કરીને કોઈ ફળની આશા રાખવી જાેઈએ નહિ. બીજાના કામ કરવામાં નાનમ અનુભવવી ન જાેઈએ. કોઈ આંધળા માણસને કે વૃદ્ધજનને રસ્તો ઓળંગવા માટે મદદ કરીએ તો એની દુવા તો મળશે જ પરંતુ સાથે સાથે હ્રદયની અંદર સત્કાર્ય કર્યાનો આનંદ છલકાતો રહેશે.
એક છોકરો લગભગ દસ બાર વર્ષનો કોઈનું પણ કરવા તત્પર રહેતો. બહાર નીકળે ને કોઈ એમ કહે કે મારી આ વસ્તુ લઈ આવ, તો એ કદી ના નહિ કહે ને તરત લઈ આવે. આખા મહોલ્લામાં કોઈ પણ એવી વ્યક્તિ નહિ હોય કે, જેનું એને કામ નહિ કર્યું હોય. બધાનો એ લાડકો હતો. વળી એ ખુશખુશાલ જ રહેતો.
પરંતુ એક દિવસ અચાનક એ બીજા માળેથી નીચે પડી ગયો જેથી તે ગંભીર રીતે ઘવાયો. લોહી પુષ્કળ વહી ગયું હતું જેથી તેને લોહીની તાકીદે આવશ્યકતા હતી. મહોલ્લામાંથી ઘણા માણસો લોહી આપવા તૈયાર થઈ ગયા જેથી એ છોકરો બચી ગયો. તમે જાે બીજાનું કામ કર્યું હશે તો બીજા તમારું કામ કરવા તત્પર રહેશે.
સુતાં પહેલા દરરોજ કરેલા કાર્યનું બારીકાઈથી મનન કરો. દિવસ દરમિયાન કોઈક સારું કાર્ય થયું કે નહિ એ વિચારો અને સારું કર્યું હશે તો નિરાતની નીંદર માણી શકાય છે. *I would like to oblige everybody but I don’t wish to be oblige by anybody.*