Western Times News

Gujarati News

અથાણાના પાર્સલમાંથી નીકળ્યા બિયરના ટીન

અમદાવાદ, દારૂની હેરાફેરી માટે બુટલેગરો એક બાદ એક નવી મોડ્‌સ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ ઝોન ૨ એલસીબીએ ગંદા પાણીમાંથી વિદેશી દારૂની અનેક બોટલ શોધી કાઢી હતી. ત્યારે હવે ઇ કોમર્સ કંપનીની ઓફિસે આવેલા પાર્સલમાંથી બિયરના ટીન મળી આવ્યા છે.

આ પાર્સલમાં અથાણાનો ઓર્ડર હતો પણ તેના પેકિંગના પૂઠાં ભીના થઈ ગયા હોવાથી તેને ફરીથી પેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અંદરથી બિયરના ૪૫ ટીન મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ ઝારખંડના અને હાલ અમદાવાદના ચાંદખેડામાં રહેતા રાકેશકુમાર સિંગ શાહીબાગ અસારવામાં અમેઝોન નામની કંપનીમાં છેલ્લા અઢી મહિનાથી સિક્યુરિટી મેનેજર તરીકે નોકરી કરે છે.

તેમની ફરજમાં એમેઝોન કંપની તરફથી આવેલી વસ્તુઓ કંપનીમાં કયા કારણોસર પડી રહી છે તેની તપાસ કરી સિનિયર મેનેજરને જાણ કરવાની હોય છે.

અમેઝોન કંપનીમાં ગુજરાત રાજ્યમાં બહારથી આવતો સામાન પહેલા અસલાલીમાં આવેલી ઓફિસે આવે છે, ત્યાંથી દરેક શહેર પ્રમાણે વસ્તુઓની વહેંચણી કરવામાં આવે છે. તેવામાં અસારવા ખાતેની ઓફિસે મેનેજર તરીકે કામ કરતા કૌશલ પટેલનો રાકેશકુમાર ઉપર ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું કે વહેલી સવારે ૪ઃ૦૦ વાગ્યાના સુમારે અસલાલી ખાતેની ઓફિસથી એક પાર્સલ આવ્યું હતું. એ પાર્સલ ભીનું લાગતા પાર્સલને ફરીથી પેક કરવા માટે ઊંચું કરતા નીચેના ભાગેથી તૂટી ગયું હતું અને તેમાંથી બિયરના ટીન મળી આવ્યા છે.

રાકેશકુમારે કૌશલભાઈને આ બાબતનો મેલ કરવાનું જણાવતા તેઓએ મેલ કરી લીગલ ટીમને સંપૂર્ણ માહિતી જણાવી હતી. ત્યારબાદ આ Amazon ઓફિસ ખાતે આવેલું પાર્સલ ક્યાંથી આવ્યું છે તેની તપાસ કરતા જાણવા મળ્યું કે, ઓર્ડર નંબર મુજબ એક ઓગસ્ટના રોજ રાહુલ બનજારા કે જે રાજસ્થાનનો છે તેણે આ પાર્સલ મોકલ્યું હતું અને ગિરીશ પટેલ કે જે નિકોલનો રહેવાસી તેણે આ પાર્સલ મંગાવ્યું હતું.

આ પાર્સલ મોકલનાર રાજસ્થાનની મયંક એન્ટરપ્રાઇઝ હોવાનું સામે આવ્યું હતું. જે બિલમાં ગ્રીન ચિલ્લી અથાણાનો ૨૦૦ ગ્રામનો ઓર્ડર હતો. પાર્સલ ખોલીને જાેતા તેમાં ૪૫ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. જેથી આ બાબતને લઈને શાહીબાગ પોલીસનો સંપર્ક કરતા રાકેશકુમારે મયંક એન્ટરપ્રાઇઝની સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.