ચૂંટણી પૂર્વે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો
જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ૧૮મી સપ્ટેમ્બરે મતદાન થશે. તેના સાત દિવસ પહેલા ઉધમપુરમાં એન્કાઉન્ટર અને યુદ્ધવિરામનો ભંગ થયો છે.
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં ૧૦-૧૧ સપ્ટેમ્બર દરમિયાનની મોડી રાત્રે ૨-૩૫ કલાક પાકિસ્તાનના જવાનોએ સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કર્યાે હતો. જોકે, વળતા પ્રહારમાં બીએસએફના જવાનોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો છે.
આ સિવાય, જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો સાથેની જૂથ અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર થયા છે. ભારતીય સૈન્યે જણાવ્યું કે આર્મીના ફર્સ્ટ પેરાના જવાનોને બુધવારે સવારે ઉધમપુરના ખંડરા ટોપના જંગલોમાં ત્રણેક આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી.
ત્યાર પછી પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. બપોરે ૧૨-૫૦ કલાકે આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ કર્યું હતું. જોકે, ત્વરિત જવાબી કાર્યવાહીના ભાગરુપે સૈન્યના જવાનોએ પણ ફાયરિંગ કર્યું હતું. લગભગ ચાર કલાક સુધી ચાલેલી જૂથ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના પ્રવક્તાએ જણાવ્યું કે, જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને થયેલા નુકસાનની હમણાં સુધી કોઈ જાણકારી નથી. આ ઘટના પછી બીએસએફના જવાનો બોર્ડર પર ચુસ્ત દેખરેખ રાખી રહ્યા છે. સુરક્ષા દળોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
અહીંયા નોંધવું રહ્યું કે, ભારત-પાકિસ્તાનની વચ્ચે ૨૦૨૧માં યુદ્ધવિરામ કરાર રિન્યુ થયો હતો. આ અંતર્ગત બંને દેશોએ જાહેરાત કરી હતી કે એ જમ્મુ-કાશ્મીર અને અન્ય ક્ષેત્રોમાં એલઓસી પર યુદ્ધવિરામ પર તમામ કરારનું ચુસ્ત રીતે પાલન કરશે, પરંતુ પાકિસ્તાને ફરી એક વાર અવળચંડાઇ કરી છે.SS1MS