ચોખાના ભાવ નિયંત્રણમાં રાખવા સરકાર 90 લાખ મેટ્રિક ટન ખરીદી કરી શકે છે
લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ, ખાદ્યતેલ અને ઘઉં સસ્તા થાય તેવા એંધાણ-ચૂંટણી પહેલા મોંઘવારી રોકવા સરકાર 1 લાખ કરોડનું ફંડ આપશે
નવી દિલ્હી, કેન્દ્ર સરકાર સામાન્ય ચૂંટણી પહેલા મોંઘવારી પર અંકુશ મેળવવા માટે એક્શનમાં આવી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં પેટ્રોલના વેચાણ પર ટેક્સ ઘટાડવા, ખાદ્ય તેલ અને ઘઉં પરની આયાત ડ્યૂટી ઘટાડવા જેવા મોટા ર્નિણયો લઈ શકે છે.
એટલું જ નહીં, કેન્દ્ર સરકારના અધિકારીઓ ખાદ્યપદાર્થો અને ઈંધણની કિંમતમાં વધારાને રોકવા માટે વિવિધ મંત્રાલયોના બજેટમાંથી લગભગ એક લાખ કરોડ રૂપિયા ફરીથી ફાળવવાની યોજના પર કામ કરી રહ્યા છે.
આ મામલા સાથે સંબંધિત અધિકારીના જણાવ્યા અનુસાર, આ ફંડ કુલ બજેટના લગભગ ૨% છે. આનો ઉપયોગ ગરીબો માટે સસ્તી લોન અને મકાનો આપવા માટે થઈ શકે છે. આ અઠવાડિયે, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને તેમના ૭૭મા સ્વતંત્રતા દિવસના સંબોધનમાં, ૧૫ મહિનાની ટોચે પહોંચી ગયેલી મોંઘવારી સામે લડવાની જાહેરાત કરી હતી. જાેકે, સરકાર પાસે કિંમતો પર લગામ લગાવવા માટે માત્ર થોડા મહિના જ બાકી છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે દેશના ઘણા ભાગોમાં અસામાન્ય વરસાદ અને પૂરને કારણે ટામેટા અને ડુંગળી જેવી મુખ્ય ખાદ્ય ચીજાે સહિત અનેક ઘરવપરાશની વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. મોંઘવારી પર અંકુશ લાવવા માટે સરકારે અનેક પગલાં લીધા છે. ખાદ્યપદાર્થોના સંગ્રહખોરો પરની કાર્યવાહીથી કિંમતો નીચી રહેશે.
૨૦૨૨ સુધી ઘઉંની નિકાસ પર પ્રતિબંધને પગલે સરકારે ગયા મહિને ચોખાની અમુક જાતોના શિપમેન્ટ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ કેટલીક ખાદ્ય ચીજાેના સંગ્રહ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સરકાર રશિયા પાસેથી સસ્તા દરે ઘઉં ખરીદવા માટે વાતચીત કરી રહી છે. હકીકતમાં, મર્યાદિત પુરવઠાને કારણે દેશમાં ઘઉંના જથ્થાબંધ ભાવ બે મહિનામાં ૧૦% વધ્યા છે. ભારતને ૩૦ થી ૪૦ લાખ મેટ્રિક ટન ઘઉંની જરૂર છે, પરંતુ ભાવ પર વધુ નિયંત્રણ રાખવા માટે સરકાર ૮૦ થી ૯૦ લાખ મેટ્રિક ટન ખરીદી શકે છે.
અગાઉ, ભારતે ૨૦૧૭માં ૫૩ લાખ મેટ્રિક ટન ઘઉંની આયાત કરી હતી. તેનાથી ગરીબો પર મોંઘવારીની અસર ઘટાડવામાં મદદ મળી શકે છે. એક અધિકારીએ જણાવ્યું કે રશિયાએ પ્રવર્તમાન બજાર કિંમતો પર ડિસ્કાઉન્ટ આપવાની ઓફર કરી છે. ભારત રૂા.૨,૦૭૬ થી રૂા.૩,૩૨૨ પ્રતિ ટનના ડિસ્કાઉન્ટ ભાવે ઘઉં ખરીદી શકે છે.
દેશના ૧૬ રાજ્યોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, તેલંગાણા, પંજાબ, ઝારખંડ, સિક્કિમ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યું છે.
જ્યારે ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડીઝલ પણ ૧૦૦ રૂપિયાની ઉપર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર ૨૧ મે, ૨૦૨૨ના રોજ થયો હતો. ત્યારબાદ પેટ્રોલ પર ૮ રૂપિયા અને ડીઝલ પર ૬ રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૯.૫ રૂપિયા અને ૭ રૂપિયાનો ઘટાડો થયો છે.
જાે કે ગયા મહિને ૧૦ જૂને પંજાબ સરકારે પેટ્રોલ વેટના દરમાં લગભગ ૧.૦૮%નો વધારો કર્યો છે. જેના કારણે ત્યાં પેટ્રોલ ૯૨ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. જ્યારે વેટ દરમાં ૧.૧૩% વધારાને કારણે ડીઝલ ૯૦ પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. અને જુલાઈ ૨૦૨૨ માં, મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ૫ રૂપિયા અને ૩ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.