ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતા પહેલા વાહન રજિસ્ટર કરાવવું પડશે
ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવાર તરફથી મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ છે. તેમાં મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઈ વ્યક્તિ, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈ પણ રાજકીય પક્ષ કે ચૂંટણી ઉમેદવારો, સીધી કે આડકતરી રીતે સંકળાયેલ અન્ય કોઈ પણ વ્યકિત ચૂંટણી અધિકારીશ્રી અથવા સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી સિવાય ચૂંટણીના કામે વાહનોના ઉપયોગ કરી શકશે નહીં.
ચૂંટણીના પ્રચારના કામે વાહન અંગે ચૂંટણી અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી સિવાય વાહનનો ઉપયોગ કરી શકાશે નહિ તેમજ આ અંગે મેળવેલ અસલ પરમીટ મેળવી વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. મતદાનના દિવસે ઉમેદવારો કે તેના એજન્ટ કે પક્ષના કાર્યકરો દ્વારા નિયમ અનુસાર પરવાનગી મેળવેલ વાહનના ડ્રાઈવર સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓથી વધુ વ્યક્તિઓ વહન કરી શકશે નહીં.
આ હુકમ પોલીસ કમિશનર શ્રી, અમદાવાદ શહેરના હકુમત વિસ્તાર સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્લાના મહેસૂલી વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા. ૧૬/૦૫/૨૦૨૪ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.