રાજકોટમાં ૫૦૦ કરોડથી વધુના બેનામી વ્યવહાર મળ્યા
રાજકોટ, રાજકોટમાં ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસીએટસ સાથે સંકળાયેલી જુદી-જુદી પેઢીઓમાં આવકવેરા વિભાગની હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન બિલ્ડરોના હિસાબ-કિતાબની ડાયરી ઇન્કમટેક્સ વિભાગને મળી છે.
જેમાં ૫૦૦ કરોડ કરતા વધારેના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે. ડાયરીમાં અનેક મોટા રોકાણકારો નામો ખુલ્યા છે. જેમના નામો ખુલ્યા તેમને ત્યાં પણ આગામી દિવસોમાં પૂછપરછ કરવામાં આવશે. ચાર દિવસમાં કરોડોના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે.
બેંકના લોકરો આવતા મહિને ખોલવામાં આવશે. આઈ.ટી ની સાથે જી.એસ.ટી ચોરી ની સંભાવના ના પગલે તપાસનો રિપોર્ટ જીએસટી વિભાગને સોંપવામાં આવ્યો હતો.
રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં ઉપપ્રમુખ અને લાડાણી એસોસીએટસનાં દિલીપભાઈ લાડાણી તેમજ વિનેશ પટેલનાં ઓરબીટ ગ્રુપ સાથે સંકળાયેલી ૪૦ સહયોગી પેઢીઓ ઉપર આવકવેરાનાં ૧૫૦થી વધુ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ બંને ગ્રુપ સાથે સંકળાયેલી સહયોગી પેઢી વર્ધમાન, સ્વસ્તિક, ગેલેકસી, દેવિકા ફાઈનાન્સ ઉપરાંત રાધિકા કોર્પોરેશન સહિતની સહયોગી પેઢીના ડાયરેકટરોનાં ઓફિસ રહેઠાણ તેમજ પ્રોજેકટનાં સ્થળો ઉપર આવકવેરા વિભાગનાં અધિકારીઓની ટીમ દ્વારા છાનબીન કરવામાં આવતાં કરોડો રૂ. નાં બિનહિસાબી આર્થિક વ્યવહારો મળી આવ્યા હતા.
જુદી-જુદી ૩૫ થી ૪૦ જગ્યાએ કરવામાં આવેલી તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી હતી. બિલ્ડર ગ્રુપ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં કરવામાં આવેલી જમીનની ખરીદી અંગે પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું હતું ? તેની તપાસ કરવામાં આવ્યા બાદ આ પ્રોજેકટમાં રોકાણ કરનાર આસામીઓ અને પ્રોપર્ટી બુક કરાવનાર ગ્રાહકોની વિગતો મેળવવામાં આવી હતી.
તપાસ દરમિયાન ઓરબીટ ગાર્ડનનાં પ્રોજેકટમાંથી કેટલીક મહત્વની વિગતો મળી છે. જેના આધારે કરચોરીની મોટી રકમ બહાર આવશે. લાડાણી એસોસીયટસને ત્યાંથી જે લેપટોપ મળી આવ્યું છે. તેમાં ભાગીદારો, રોકાણકારો અને કેટલા ગ્રાહકોનાં બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે.SS1MS