બંગાળનાં CM મમતાનો બીએસએફ પર ઘુસણખોરી કરાવવાનો આક્ષેપ
કોલકાતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સુરક્ષાદળો પર ઘુસણખોરીમાં મદદ કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે, બંગાળને અસ્થિર કરવાની કેન્દ્ર સરકારની ‘બ્લૂપ્રિન્ટ’ના ભાગરૂપે બીએસએફ બાંગ્લાદેશમાંથી ઘુસણખોરી કરાવવામાં મદદ કરી રહ્યું છે.
જોકે, બીએસએફે આરોપને સદંતર ફગાવી દીધો છે.બંગાળના સચિવાલયમાં યોજાયેલી બેઠકમાં મમતાએ દાવો કર્યાે હતો કે, “બીએસએફ ઘુસણખોરોને ઇસ્લામપુર, સિતાઇ અને ચોપ્રા જેવા વિસ્તારોમાંથી ભારતમાં પ્રવેશવા મદદ કરી રહ્યું છે. અમારી પાસે તેની માહિતી છે.
રાજ્યને અસ્થિર કરવા માટે ઇરાદાપૂર્વકના પ્રયાસ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર આ ષડયંત્રમાં સંડોવાયેલી છે.” તેમણે કહ્યું હતું કે, “મને બીએસએફના અભિગમ પાછળ ‘કેન્દ્રની બ્લૂપ્રિન્ટ’ દેખાય છે. ઘુસણખોરો ભારતમાં પ્રવેશી રહ્યા છે. હું સરહદની બંને તરફ શાંતિ ઇચ્છુ છું.
આપણે પાડોશી બાંગ્લાદેશ સાથે સારા સંબંધ ધરાવીએ છીએ.” મમતાએ બીએસએફ દ્વારા મહિલાઓને પરેશાન કરાતી હોવાનો આરોપ પણ મૂક્યો હતો. તેમણે બેઠકમાં હાજર અધિકારીઓને પ્રશ્ન કર્યાે હતો કે, “બીએસએફ મહિલાઓને હેરાન કરે છે, પણ તમે તેનો વિરોધ કેમ કરતા નથી?” મમતા બેનરજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સરહદની સુરક્ષા રાજ્યની જવાબદારી નથી.
તૃણમૂલ કોંગ્રેસ સરહદની રક્ષા કરતી નથી. લોકો જ્યારે દેશમાં પ્રવેશે ત્યારે તે (બીએસએફ) શું કરે છે? અધિકારીઓ પાસે આ લોકો ક્યાં જઇ રહ્યા છે તેની માહિતી છે.”બીએસએફના પૂર્વ ભારતના અધિકારીએ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બીએસએફ સંપૂર્ણ પ્રામાણિકતાથી તેની ફરજ બજાવી રહ્યું છે.
મમતાએ ઘુસણખોરીના મુદ્દે કેન્દ્ર સરકાર તૃણમૂલ કોંગ્રેસ પર ખોટો આરોપ મૂકતી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “કોઇ રાજ્યને અસ્થિર કરીને તેનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ પર મૂકવા માંગતું હોય તો એ તૃણમૂલની ભૂલ નથી. કારણ કે સરહદની સુરક્ષા બીએસએફ કરે છે.”SS1MS