એક્સિડન્ટના બહાને લાખો રૂપિયાનો તોડ કરતી શાતિર ગેંગથી સાવધાન!
અમદાવાદ-આસપાસના વિસ્તારમાં એક્સિડન્ટ ગેંગનો આતંકઃ અક્સમાત થાય તો ગભરાયા વગર સીધો જ પોલીસને ફોન કરો
અમદાવાદ, રૂપિયા કમાવવા માટે લોકો કોઈ પણ હદ સુધી જતા હોય છે, જેના અનેક કિસ્સા સમાજમાં સામે આવી રહ્યા છે. વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને નિર્દોષ લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરતી ગેંગ સક્રિયા થઈ છે. શહેરમાં એક્સિડન્ટના બહાને તોડ કરતી ટોળકી પણ સામે આવી છે, જે નિર્દોષ વાહનચાલકોને ટાર્ગેટ કરીને રૂપિયા પડાવે છે.
જ્યારે કોઈ પણ વ્યક્તિ જાણી જાેઈને કાર કે પછી ટુ વ્હીલર પાસે આવીને અકસ્માતનું તરકટ રચે તો તરત જ એલર્ટ થઈ જજાે અને ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસને બોલાવી લેજાે. અકસ્માતમાં ઈજા પહોંચી છે તેમ કહીને ગઠિયાઓ વાહનચાલકો પાસેથી લાખો રૂપિયા પડાવીને નાસી જાય છે. થોડા દિવસ પહેલાં નાના ચિલોડામાં એક ગઠિયાએ અકસ્માતના બહાને પરિવાર પાસેથી ૫૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા અને તેમને માર પણ માર્યો હતો.
રાહદારી જ્યારે વાહનની અડફેટમાં આવી જતો હોય છે ત્યારે ચાલક વિરુદ્ધ અકસ્માતનો કેસ નોંધાતો હોય છે. અકસ્માતની ઘટનામાં રાહદારી ગુનો દાખલ કરે નહીં અને વાહનચાલક પણ કાનૂની સકંજામાં ફસાય નહીં તે માટે કાનૂની કાર્યવાહીથી બચવા માટે વાહનચાલક રાહદારી સાથે સમાધાન કરી લે છે અને મેડિકલનો ખર્ચ આપી દેતો હોય છે.
મોટા ભાગના અકસ્માતના કેસમાં આ પ્રકારે સમાધાન થતું હોય છે, જેની કોઈ પોલીસ સ્ટેશનમાં નોંધ થતી નથી. સામાન્ય રીતે આ પ્રકારના અકસ્માતમાં વાહનચાલકોની ભૂલ હોય છે, પરંતુ હાલ રૂપિયા કમાવવા માટે અકસ્માત કરતી એક રાહદારીની ગેંગ પણ સક્રિય થઈ છે.
રાહદારી જાણી જાેઈને વાહનચાલકોની અડફેટમાં આવી જાય છે અને બાદમાં સામાન્ય ઈજા થતાંની સાથે રૂપિયા ખંખેરવાનો ખેલ શરૂ થઈ જતો હોય છે. રાહદારી સાથે તેની ગેંગમાં અનેક લોકો પણ હોય છે, જે અકસ્માત સમયે તેની આસપાસ જ હોય છે. જ્યારે રાહદારી જાણી જાેઈને કાર કે ટુ વ્હીલરમાં આવી જાય છે ત્યારે તેના સાગરીતો અજાણ્યા બનીને મદદના બહાને દોડી આવે છે.
શહેરના નાના ચિલોડા વિસ્તારમાં બે મહિના પહેલાં આવી જ એક ઘટના બની હતી. એક યુવતી તેના પરિવાર સાથે વાહન પર જઈ રહી હતી ત્યારે એક ગઠિયો વાહનની આગળ આવી ગયો હતો. ગઠિયો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો, જેથી તેના સાગરીતો મદદના બહાને દોડી આવી ગયા હતા. અકસ્માત થયો હોવાના કારણે યુવતી તેની માતા સહિતનો પરિવાર ગભરાઈ ગયો હતો અને આજીજી કરવા લાગ્યો હતો. ગઠિયાઓએ તેનું એક નહીં માનતાં યુવતી પાસે એક લાખ રૂપિયા માગણી કરી હતી અને મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની પણ વાત કરવા લાગ્યા હતા. ગઠિયાઓને તાબે નહીં થતાં યુવતીએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરવાની કોશિશ કરી હતી.
ફરિયાદની વાત આવતાંની સાથે જ ગઠિયાઓએ યુવતીની માતાને લાફા મારી દીધા હતા, જેથી યુવતી ગભરાઈ ગઈ હતી અને ૫૦ હજાર રૂપિયા આપી દીધા હતા. રૂપિયા લીધા બાદ ગઠિયાઓ ત્યાંથી જતા રહ્યા હતા ત્યારે યુવતી અને તેના પરિવાર ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આવી એક નહીં, પરંતુ અનેક ઘટનાઓ શહેરમાં બની રહી છે, જેની નોંધ પોલીસ સ્ટેશન સુધી થતી નથી. જાે ગઠિયાઓ અકસ્માતના બહાને પૈસા પડાવવાની વાત કરે તો પોલીસને જાણ કરવી જરૂરી છે. ગઠિયા ગણતરીની મિનિટોમાં બેન્કનું બેલેન્સ ખાલી કરાવી દે છે.