ભાભરમાં ખોટી નંબર પ્લેટવાળી ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
પોલીસે પીછો કરતા દારૂ ભરેલુ વાહન રોડની નીચે ઉતરી ગયુ
ભાભર, ભાભરમાં એલસીબી બનાસકાંઠા સ્ટાફે દારૂ ભરેલી ગાડી ઝડપી ૧૯૭૭ બોટલ દારૂનો જથ્થો રૂ.ર.૬૮ લાખ મળી રૂ.૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબી પોલીસે નાસી ગયેલા વાહનના ચાલક રબારી મેઘરાજ રામજી (રહે. મુલુપુર, જિ.બનાસકાંઠા) વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ એલસીબી પીઆઈ એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમનો સ્ટાફ જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઈ ભાભર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે દારૂની હેરાફેરી વિશે બાતમી મળતા તેમણે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી ગાડી આવતા ચાલકે પોલીસે જોતા ગાડી દોડાવી હતી ચાલકનો વાહન પર કાબુ ન રહેતા વાહન રોડની નીચે ઉતરી ગયું હતું અને વાહનચાલક ભાગી ગયો હતો. પોલીસે ગાડી ભાભર પોલીસ મથકે લાવી તપાસ કરતા નંબર પ્લેટ ખોટી જણાઈ હતી
અને ગાડીમાંથી તપાસ કરતા દારૂની બોટલો ૧૯૭૭ નંગ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો સહિત રૂ.૮.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાહનચાલક રબારી મેરાજ મેઘરાજ રામજી સામે દારૂ અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.